પાકિસ્તાની સેનાએ ફરી PoKમાં નિશસ્ત્ર લોકો પર વરસાવી ગોળીઓ: 16નાં મોત, 2 દિવસ પહેલાં પણ 30ની કરી હતી હત્યા

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) પાકિસ્તાની સેના અને રેન્જર્સ દ્વારા નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર ફરી ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. 11 જૂને રાવલાકોટના ઈદગાહ મેદાન ખાતે હજારો લોકો મોંઘવારી, વીજળીના ભાવ અને મૂળભૂત અધિકારોની માંગ સાથે એકત્ર થયા હતા, ત્યારે સુરક્ષાદળોએ AK-47થી ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયાં છે, જ્યારે 37 લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે.

અહેવાલો અનુસાર રાવલાકોટમાં 60,000થી 70,000 લોકો પાકિસ્તાની શાસન અને તેની નીતિઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા હતા. આ પ્રદર્શન 9 જૂનની ઘટનાના વિરોધમાં પણ યોજાયું હતું, જેમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 30 લોકોનાં મોત થયાં હતાં અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.

પ્રદર્શન દરમિયાન લોકોએ ‘આ આતંકવાદ પાછળ વર્દીધારીઓ છે’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક લોકો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ આ વિરોધમાં જોડાયા હતા. ગોળીબાર બાદ વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો અને અનેક પરિવારો પોતાના સ્વજનોની શોધમાં ભટકતા જોવા મળ્યા હતા.

જોઇન્ટ આવામી એક્શન કમિટી (JAAC) સહિતના સ્થાનિક સંગઠનોએ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. JAACએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સરકાર તેને આતંકવાદ અને અરાજકતા ફેલાવવાના ખોટા આરોપોમાં ફસાવી રહી છે.

આ દરમિયાન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સહિતની માનવાધિકાર સંસ્થાઓએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. સંસ્થાએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સત્તાધીશો અસહમતિને દબાવવા માટે અતિશય બળનો ઉપયોગ કરી રહ્યા છે અને મૂળભૂત માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

JAAC લાંબા સમયથી PoKમાં રાજકીય પ્રતિનિધિત્વ, આર્થિક સુધારા, સસ્તી વીજળી, સબસિડીવાળો લોટ અને સ્થાનિક લોકોના અધિકારોને લઈને આંદોલન ચલાવી રહી છે. સંગઠન પાકિસ્તાન દ્વારા નિયુક્ત બિન-સ્થાનિક સભ્યો માટે અનામત બેઠકોનો પણ વિરોધ કરી રહ્યું છે.