હિંદુ-જૈન મૂર્તિઓ મળ્યા બાદ ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજ પણ મેદાને: કહ્યું- અહીં હતું ઐતિહાસિક ‘સમડી વિહાર’, ASI તપાસની માંગ

ભરૂચની જામા મસ્જિદને લઈને નવો વિવાદ ઉભો થયો છે. મસ્જિદના ભોંયરાના કેટલાક વિડીયો અને ફોટા સામે આવ્યા હતા, જેમાં પ્રાચીન જૈન અને હિંદુ મૂર્તિઓ તેમજ જૂના સ્થાપત્યના અવશેષો મળી આવ્યા છે. શરૂઆતમાં હિંદુ સંગઠનો અને સંત સમાજે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ સ્થાપત્ય હિંદુ-જૈન સ્મારકોનું છે. જોકે ત્યારબાદ હવે જૈન સમુદાયના લોકો પણ મેદાનમાં ઉતરી આવ્યા છે અને ASI સરવે કરવાની માંગ કરી છે.

આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે વિડીયો અને ફોટાના તથ્યો સામે આવ્યા કે મસ્જિદના ભોંયરામાં પ્રાચીન હિંદુ-જૈન મૂર્તિઓ છે. વધુમાં ત્યાં જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ તેમજ પ્રાચીન સ્થાપત્યના અવશેષો છુપાયેલા છે. આ વિડીયો સામે આવ્યા બાદ હિંદુઓએ પણ વૈજ્ઞાનિક સરવેની માંગણી કરી હતી.

જામા મસ્જિદ નહીં ‘સમડી વિહાર’- જૈન સમુદાય

જૈન સંત રાજસુંદરવિજયજી મહારાજે ભરૂચ સાથે જોડાયેલા ત્રણ મહત્વના જૈન તીર્થોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે ભરૂચનો ઇતિહાસ જૈન ધર્મના ત્રણ મુખ્ય તીર્થો સાથે જોડાયેલો છે, જેમાં પ્રથમ ‘અશ્વાવબોધ તીર્થ’ છે. 20મા તીર્થંકર ભગવાન મુનિસુવ્રતસ્વામી પોતાના પૂર્વ ભવના મિત્ર એવા એક ઘોડાને જ્ઞાન આપવા માટે ખાસ વિહાર કરીને ભરૂચ પધાર્યા હતા.

આ ભૂમિનો બીજો મહત્વનો ઇતિહાસ ‘પ્રાયશ્ચિત તીર્થ’ તરીકેનો છે. પ્રાચીન સમયમાં જૈન સાધુ-મહાત્માઓ અને મુનિઓ પોતાના જીવનમાં થયેલા નાના-મોટા અપરાધોના પ્રાયશ્ચિત માટે ખાસ ભરૂચ આવતા હતા. અહીં આવીને તેઓ ભગવાન મુનિસુવ્રતસ્વામીની સમક્ષ ‘અઠ્ઠમ તપ’ જેવી કઠિન આરાધના કરીને આત્મશુદ્ધિ કરતા હતા, જેના કારણે આ ભૂમિનું મહત્વ ઘણું વધારે છે.

સૌથી મહત્વનો દાવો ‘સમડી વિહાર’ કે ‘શકુનિકા વિહાર’ને લઈને કરવામાં આવ્યો છે. જૈન ઇતિહાસ અનુસાર એક ઘાયલ પક્ષીને જૈન સંતોએ નવકાર મહામંત્ર સંભળાવ્યો હતો. તેના પુણ્યના પ્રભાવથી તે આગામી જન્મમાં રાજકુમારી બની અને ભરૂચમાં આવી ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું, જેને સમડી વિહાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં આજે મજહબી બાંધકામ ઊભું કરી દેવાયું છે.

મૂળ પુરાતત્વીય સ્વરૂપ બદલી નખાયું

જૈન સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે વર્ષો દરમિયાન આ સ્થળ પર અનેક નવા બાંધકામો કરીને તેનું મૂળ પુરાતત્વીય સ્વરૂપ બદલી નાખવામાં આવ્યું છે. તેમણે સ્થળની હકીકત જાણવા માટે મસ્જિદના ભોંયરાની તપાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, તેમણે એવું પણ કહ્યું છે કે મસ્જિદ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજ દ્વારા તેમને ત્યાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. સાથે જ તેમણે સ્થળનું વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ પુરાતત્વીય સર્વેક્ષણ કરવાની માંગ પણ ઉઠાવી છે.

બીજી તરફ જામા મસ્જિદ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજ હજુ પણ વિડીયો અને ફોટાના પુરાવા અને હિંદુ-જૈન મંદિરના સ્થાપ્યોને સ્વીકારવા તૈયાર નથી અને આ તમામ તથ્યોને ભ્રામક ગણાવી દીધા છે! તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને એવું પણ જણાવી દીધું છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવીને મજહબી લાગણીઓ દુભાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ટ્રસ્ટનું કહેવું છે કે જામા મસ્જિદ સદીઓ જૂની ઐતિહાસિક મસ્જિદ છે.