ખિસ્સા વગરના યુનિફોર્મથી PTZ કેમેરા અને કડક સુરક્ષા સુધી: અયોધ્યા રામ મંદિરમાં દાન ગણતરીમાં મોટા ફેરફાર

અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં મળતા દાનની ગણતરી, દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે કેટલાંક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. તાજેતરમાં જ મંદિરના દાનમાં થયેલી ગેરરીતિઓ બાદ ટ્રસ્ટમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે રામ મંદિરમાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, તેથી સમગ્ર પ્રક્રિયામાં જવાબદેહી વધારવા આ ફેરફારો કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે દાન ગેરરીતિની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે દાનની ગણતરી કરતા કર્મચારીઓ પેન્ટના ખિસ્સામાં નોટો છુપાવતા હતા. તેથી દાનની ગણતરી કરતી વખતે કોઇપણ પ્રકારની ચોરી કે ગેરરીતિ ન થાય તે માટે ગણતરી પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓના યુનિફોર્મમાં બદલાવ કરાયો છે. નવો યુનિફોર્મ ખિસ્સા વગરનો રાખવામાં આવ્યો છે, જેથી ગણતરી હૉલમાંથી રોકડ કે અન્ય કિંમતી વસ્તુ બહાર લઇ જવાની શક્યતા સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય.

CCTV ફૂટેજ 180 દિવસ સુધી સાચવવાના

ન્યુઝ18ના અહેવાલ અનુસાર સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવતા ગણતરી કેન્દ્રના પ્રવેશ અને નિકાસ દ્વાર પર કર્મચારીઓનું કડક ફ્રિસ્કિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગણતરી ખંડના CCTV ફૂટેજ સાચવવાનો સમયગાળો જે પહેલાં 45 દિવસનો હતો, તે વધારીને હવે 180 દિવસ એટલે કે 6 મહિના કરી દેવાયો છે. ગેરરીતિની તપાસ દરમિયાન 1 મહિનાથી વધુ સમયગાળાના ફૂટેજ ગાયબ થયા હોવાનું સામે આવ્યું હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત ગણતરી હૉલની અંદર CCTV ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. જૂના સામાન્ય કેમેરાના સ્થાને હવે પીટીઝેડ (PTZ – Pan, Tilt and Zoom) કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાની મદદથી કોઈ પણ ચોક્કસ પ્રવૃત્તિ કે કર્મચારીના હાથની હલનચલન પર ઝૂમ કરીને બારીક નજર રાખી શકાશે.

કાયમી કર્મચારીઓને ગણતરીમાં રાખવા SBIને સૂચન

ટ્રસ્ટે SBIને પણ સલાહ આપી છે કે દાનની ગણતરી જેવા સંવેદનશીલ કામ માટે કોન્ટ્રાક્ટ પર કર્મચારી રાખવાના નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે. ટ્રસ્ટના સૂચન મુજબ બેન્કે આ કામગીરી માટે પોતાના કાયમી કર્મચારીઓને જ રોકવા જોઈએ અને તેમને યોગ્ય મહેનતાણું આપવું જોઈએ.

રોકડ રકમને મંદિર પરિસરથી બેન્કની શાખા સુધી સુરક્ષિત પહોંચાડવા માટે પણ નવો નિયમ બનાવવામાં આવ્યો છે. હવે મંદિર પરિસરની અંદર જ નોટોના બંડલોને એકસાથે પેક કરી સીલ કરવામાં આવશે અને ત્યારબાદ જ તેને SBIના વાહનમાં લોડ કરવામાં આવશે, જેથી ટ્રાન્સપોર્ટ દરમિયાન કોઈપણ પ્રકારની હેરાફેરી રોકી શકાય.

CEOની નિમણૂક પ્રક્રિયા ચાલુ

આ તમામ સુરક્ષા સુધારાઓની સાથે સાથે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નવા ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરની (CEO) પસંદગી પ્રક્રિયા પણ ઝડપથી આગળ વધારી રહ્યું છે. આ માટે રચાયેલી સર્ચ કમિટીએ 11 અને 12 ઑગસ્ટે અયોધ્યા કેમ્પસમાં ઉમેદવારોના આખરી રાઉન્ડના ઈન્ટરવ્યુ પૂર્ણ કર્યા છે.

CEO પદ માટે કુલ 5,585 અરજીઓ મળી હતી, જેમાંથી તબક્કાવાર સ્ક્રીનિંગ, ઓનલાઈન ઈન્ટરવ્યુ અને મૂલ્યાંકન બાદ 16 ઉમેદવારોને અયોધ્યા ખાતે રૂબરૂ ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. આ ઉમેદવારોમાં સંરક્ષણ, અમલદારશાહી, કોર્પોરેટ, ઔદ્યોગિક, શિક્ષણ અને આઈટી ક્ષેત્રના અનુભવી વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે.

જસ્ટિસ (રિટાયર્ડ) પરમોદ કોહલી, લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) વી.કે. ચતુર્વેદી અને પરમાણુ વિજ્ઞાની ડૉ. સુરેશ હાવરેની બનેલી કમિટી પસંદગી પામેલા આખરી ઉમેદવારોનું મૂલ્યાંકન કરીને 3 નામોની પેનલ ટ્રસ્ટને સોંપશે, ત્યારબાદ ટ્રસ્ટ નવા CEOની જાહેરાત કરશે.