મહારાષ્ટ્રના ધર્માંતરણ-વિરોધી કાયદા હેઠળ પકડાયેલા બ્રિટિશ નાગરિકને આગોતરા જામીન: હિંદુ ધર્મ અંગે ગેરસમજ ફેલાવવાનો પણ છે આરોપ

મહારાષ્ટ્રમાં તાજેતરમાં અમલમાં આવેલા ‘મહારાષ્ટ્ર ફ્રીડમ ઑફ રિલિજન એક્ટ, 2026’ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપીને જામીન મળી ગયા હોવાનું સામે આવ્યું છે. પુણે શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કાયદા હેઠળના કેસમાં આરોપી બ્રિટિશ નાગરિકને અદાલત તરફથી વચગાળાના આગોતરા જામીન મળી ગયા છે. આ કાયદા હેઠળ રાજ્યમાં નોંધાયેલા પ્રારંભિક કેસો પૈકીનો આ એક મહત્વનો મામલો છે.

જામીન મેળવનાર આરોપીની ઓળખ પંકજ દેવનૂર તરીકે થઈ છે, જે બ્રિટિશ નાગરિક છે અને ઓવરસીઝ સિટીઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડ ધરાવે છે. તેની વિરુદ્ધ પુણેના ખડક પોલીસ સ્ટેશનમાં ‘મહારાષ્ટ્ર ફ્રીડમ ઑફ રિલિજન એક્ટ, 2026’ અને ‘ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025’ હેઠળ FIR નોંધવામાં આવી હતી. આ મામલે ધરપકડથી બચવા માટે આરોપીએ અદાલતના દરવાજા ખખડાવ્યા, જ્યાં તેના વચગાળાના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

બ્રિટિશ નાગરિક પંકજ દેવનૂરનો પક્ષ રજૂ કરતા એડવોકેટ વિજય થોમ્બ્રેએ જણાવ્યું હતું કે તેમણે કોર્ટ સમક્ષ વચગાળાના આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને અદાલતે ગ્રાહ્ય રાખી છે અને રાહત આપી છે. જોકે, કોર્ટે જામીન આપતી વખતે કેટલીક શરતો પણ મૂકી છે. આરોપીને આદેશ આપવામાં આવ્યો છે કે જ્યારે પણ તપાસ અધિકારી (IO) તેમને બોલાવે ત્યારે તેમણે પૂછપરછ માટે હાજર રહેવું પડશે અને કોર્ટની પૂર્વ મંજૂરી વિના દેશ છોડીને જઈ શકાશે નહીં.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર વિવાદની વાત કરીએ તો આ કેસ 31 વર્ષીય રિક્ષાચાલકની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 7 ઑગસ્ટના રોજ પુણેના ગુરુવાર પેઠ વિસ્તારમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પંકજ દેવનૂરે હિંદુ ધર્મ વિશે ગેરસમજો ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં હાજર શ્રોતાઓને લાલચ આપીને ધર્માંતરણ કરાવવાની કોશિશ કરી હતી. આ ફરિયાદ બાદ પુણે પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ફ્રીડમ ઑફ રિલિજન એક્ટ, 2026 હેઠળ પુણેમાં જ વધુ એક કેસ પણ નોંધાયો છે. 5 ઑગસ્ટના રોજ નોંધાયેલા એ કેસમાં ઉત્તર પ્રદેશના વતની અને હાલ લુધિયાણા રહેતા પિતાએ પોતાની 17 વર્ષની સગીર પુત્રીના અપહરણ, જાતીય શોષણ અને ધર્માંતરણના પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં 21 વર્ષીય આરોપીની 5 ઑગસ્ટે જ ધરપકડ કરી લેવામાં આવી હતી અને તે હાલ ન્યાયિક કસ્ટડીમાં જેલમાં બંધ છે.