હોમપેજદેશબળજબરી-છેતરપિંડીથી ધર્માંતરણ પર રોક, વિવાદિત લગ્નના કેસમાં માતાનો મૂળ ધર્મ ગણાશે બાળકનો...

બળજબરી-છેતરપિંડીથી ધર્માંતરણ પર રોક, વિવાદિત લગ્નના કેસમાં માતાનો મૂળ ધર્મ ગણાશે બાળકનો ધર્મ: શું છે મહારાષ્ટ્રનું ‘ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2026’

જો તપાસ અથવા ન્યાયિક પ્રક્રિયામાં એ સાબિત થઈ જાય કે લગ્ન કે નિકાહ પહેલાં થયેલું ધર્મ પરિવર્તન છેતરપિંડી, દબાણ અથવા પ્રલોભન દ્વારા કરાવવામાં આવ્યું હતું તો તે લગ્નની પરિસ્થિતિઓની અસર તેની સાથે જોડાયેલા પારિવારિક મામલાઓ પર પણ પડી શકે છે.

- Advertisement -

ભારતમાં ધર્માંતરણનો પ્રશ્ન લાંબા સમયથી રાજકીય, સામાજિક અને બંધારણીય ચર્ચાનો વિષય રહ્યો છે. સ્વતંત્રતા પછીથી જ આ મુદ્દો સમય-સમય પર અલગ-અલગ રાજ્યોમાં કાયદા બનાવવાના પ્રયાસોના રૂપમાં સામે આવતો રહ્યો છે. છેલ્લા એક દાયકામાં અનેક રાજ્યો—જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને હિમાચલ પ્રદેશે ધર્માંતરણને નિયંત્રિત કરવા માટે વિશેષ કાયદા બનાવ્યા છે. હવે આ જ ક્રમમાં મહારાષ્ટ્ર સરકારે પણ એક નવો કાયદો પ્રસ્તાવિત કર્યો છે, જેને ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક, 2026 (Maharashtra Freedom of Religion Bill, 2026)’ કહેવામાં આવી રહ્યો છે.

13 માર્ચ, 2026માં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આ બિલનો જાહેર હેતુ બળજબરીથી, છેતરપિંડીથી, લાલચ આપીને અથવા લગ્નના માધ્યમથી કરવામાં આવતા ધર્માંતરણ પર રોક લગાવવાનો છે. સરકારની દલીલ છે કે ધર્મ પરિવર્તનનો અધિકાર બંધારણમાં અવશ્ય છે, પરંતુ તે ‘સ્વેચ્છાએ’ પર આધારિત હોવો જોઈએ, નહીં કે કોઈ પ્રકારના દબાણ અથવા પ્રલોભન પર. આ વિસ્તૃત લેખમાં આપણે આ બિલની પૃષ્ઠભૂમિ, તેની પ્રસ્તાવિત જોગવાઈઓ, કાનૂની માળખું, સંભવિત અસર અને તેનાથી જોડાયેલા વિવાદોને વિસ્તારથી સમજીશું.

મહારાષ્ટ્રમાં ધર્માંતરણ કાયદાની પૃષ્ઠભૂમિ

મહારાષ્ટ્રમાં ધર્માંતરણ પર વિશેષ કાયદો બનાવવાનો વિચાર નવો નથી. છેલ્લા અનેક વર્ષોથી વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા આ માંગ ઉઠતી રહી છે કે રાજ્યમાં પણ અન્ય રાજ્યોની જેમ એક સ્પષ્ટ કાનૂની માળખું હોવું જોઈએ જે કથિત રીતે બળજબરી અથવા છેતરપિંડીથી કરવામાં આવતા ધર્મ પરિવર્તનને રોકી શકે.

- Advertisement -

વર્તમાન પ્રસ્તાવિત બિલ આ જ ચર્ચાનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. ભાજપ સરકારનું કહેવું છે કે વિવિધ વિસ્તારોમાંથી એવી ફરિયાદો સતત આવતી રહી છે કે કેટલાક સંગઠિત નેટવર્ક આર્થિક લાલચ, લગ્ન અથવા અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને ધર્મ પરિવર્તન કરાવે છે. સરકાર અનુસાર આવા કિસ્સાઓમાં હાલના કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવી અનેક વખત મુશ્કેલ બની જાય છે કારણ કે તે ધર્માંતરણના સંદર્ભમાં ખાસ બનાવવામાં આવ્યા નથી. આ જ તર્કના આધારે સરકારે અલગ કાયદો બનાવવાનો નિર્ણય લીધો છે, જેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જો કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરવા માંગે તો તે સંપૂર્ણપણે સ્વેચ્છાએ અને વહીવટી જાણકારી સાથે કરે.

બિલનો હેતુ

પ્રસ્તાવિત મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય બિલનો મુખ્ય હેતુ એ ગણાવવામાં આવ્યો છે કે રાજ્યમાં થતા ધર્મ પરિવર્તન સંપૂર્ણપણે સ્વૈચ્છિક હોવા જોઈએ અને કોઈ પણ પ્રકારના દબાણ, પ્રલોભન કે છેતરપિંડી દ્વારા ધર્માંતરણ કરાવવું ન જોઈએ. નોંધનીય છે કે ઘણી વખત હિંદુઓના સુનિયોજિત ધર્માંતરણ થતાં હોવાના સમાચાર સમયે-સમયે આવ્યા હતા, આ બધા કામો અટકાવવા માટે સરકાર આ બિલ લઈને આવી છે.

સરકાર અનુસાર અનેક વખત ધર્મ પરિવર્તન માટે આર્થિક સહાય, નોકરીની લાલચ, લગ્નનું બહાનું અથવા સામાજિક દબાણ જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં પ્રભાવિત વ્યક્તિ અથવા તેનો પરિવાર પછીથી ફરિયાદ કરે છે, પરંતુ ત્યાર સુધીમાં પરિસ્થિતિ જટિલ બની જાય છે. પ્રસ્તાવિત કાયદો આ પ્રકારની પરિસ્થિતિઓને રોકવાનો પ્રયાસ છે. સરકારી સૂત્રો અનુસાર આ બિલ એ સિદ્ધાંત પર આધારિત છે કે બંધારણની કલમ 25 નાગરિકોને ધર્મની સ્વતંત્રતા આપે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈને છેતરપિંડી કે દબાણ દ્વારા ધર્મ બદલવા માટે પ્રેરિત કરી શકાય. 

ગેરકાયદે ધર્માંતરણની પરિભાષા

બિલમાં જે પરિસ્થિતિઓમાં ધર્મ પરિવર્તનને ગેરકાયદે માની શકાય છે, તેમાં મુખ્યત્વે ચાર પ્રકારની પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલી પરિસ્થિતિ એ છે જેમાં કોઈ વ્યક્તિને બળપૂર્વક અથવા ધમકી આપીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવે. આમાં શારીરિક હિંસા તેમજ માનસિક દબાણ બંને સામેલ હોય શકે છે.

બીજી પરિસ્થિતિ એ છે જેમાં કોઈ વ્યક્તિને છેતરપિંડી અથવા ખોટી માહિતી આપીને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરવામાં આવે. ઉદાહરણ તરીકે જો કોઈને ખોટા વચનો અથવા ભ્રામક દાવાઓના આધારે ધર્મ બદલવા કહેવામાં આવે. ત્રીજી પરિસ્થિતિ આર્થિક અથવા અન્ય પ્રકારના પ્રલોભન સાથે જોડાયેલી છે. આમાં પૈસા, નોકરી, શિક્ષણ, લગ્ન અથવા કોઈ અન્ય લાભનું વચન સામેલ હોય શકે છે. ચોથી પરિસ્થિતિ ધર્માંતરણના હેતુથી કરવામાં આવેલા લગ્ન કે નિકાહ છે, જેને કેટલાક અહેવાલોમાં ‘લવ જેહાદ’ની ચર્ચા સાથે જોડીને જોવામાં આવે છે. જો એ સાબિત થાય કે લગ્ન માત્ર ધર્મ પરિવર્તન કરાવવાના હેતુથી કરવામાં આવ્યા હતા તો તેને પણ ગેરકાયદે માનવામાં આવશે.

સજા અને દંડની જોગવાઈઓ

બિલ હેઠળ જો કોઈ વ્યક્તિને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવવાનો દોષી ઠેરવવામાં આવે તો તેના માટે કડક દંડની જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર આવા કિસ્સાઓમાં સાત વર્ષ સુધીની જેલ અને આર્થિક દંડની જોગવાઈ રાખવામાં આવી છે. જો અપરાધ ગંભીર શ્રેણીનો હોય — જેમ કે તેમાં કોઈ સગીર, મહિલા, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિને નિશાન બનાવવામાં આવી હોય તો સજા વધુ કડક બની શકે છે. એ જ રીતે જો ધર્માંતરણ સામૂહિક રૂપે કરાવવામાં આવ્યું હોય અથવા તે સંગઠિત પ્રવૃત્તિનો ભાગ હોય તો પણ દંડ વધારી શકાય છે. સરકારનું કહેવું છે કે કડક દંડનો હેતુ માત્ર સજા આપવાનો નથી, પરંતુ નિવારક અસર પેદા કરવાનો છે જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓની સંખ્યા ઘટી શકે.

પ્રશાસનિક સૂચના અને પરવાનગીની પ્રક્રિયા

પ્રસ્તાવિત કાયદા હેઠળ ધર્મ પરિવર્તનની પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવા માટે પ્રશાસનિક સૂચના આપવાની જોગવાઈ પણ પ્રસ્તાવિત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર જો કોઈ વ્યક્તિ ધર્મ બદલવા માંગે તો તેને જિલ્લા પ્રશાસનને પૂર્વ સૂચના આપવી પડી શકે છે. તેનો હેતુ એ ગણાવવામાં આવ્યો છે કે પ્રશાસન એ સુનિશ્ચિત કરી શકે કે ધર્મ પરિવર્તન ખરેખર સ્વેચ્છાએ થઈ રહ્યું છે અને તેમાં કોઈ પ્રકારનું દબાણ કે પ્રલોભન સામેલ નથી. એ  જ રીતે જો કોઈ મજહબી કે અન્ય પંથનું સંગઠન અથવા વ્યક્તિ ધર્મ પરિવર્તન સમારોહનું આયોજન કરી રહી હોય તો તેને પણ પ્રશાસનને અગાઉથી જાણ કરવી પડી શકે છે. સરકારનું કહેવું છે કે આ પ્રક્રિયાથી પારદર્શિતા વધશે અને પછીથી ઉદ્ભવતા વિવાદોને ટાળી શકાશે. 

ગુનાની પ્રકૃતિ: સંજ્ઞેય અને બિન-જામીનપાત્ર

અહેવાલો અનુસાર પ્રસ્તાવિત કાયદામાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા ગુનાઓને સંજ્ઞેય (cognizable) અને બિન-જામીનપાત્ર (non-bailable) શ્રેણીમાં મૂકવાનો પણ પ્રસ્તાવ સામેલ છે. તેનો અર્થ એ થશે કે પોલીસ વોરન્ટ વગર પણ આવા કિસ્સાઓમાં તપાસ શરૂ કરી શકાશે અને ધરપકડ કરી શકાશે. સરકારની દલીલ છે કે જો ગુનાને સંજ્ઞેય અને બિન-જામીનપાત્ર ન બનાવવામાં આવે તો આવા કિસ્સાઓમાં અસરકારક કાર્યવાહી કરવી મુશ્કેલ બની જશે.

પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવાની જોગવાઈ

કેટલાક અહેવાલો અનુસાર આ બિલમાં એ પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના ધર્મ પરિવર્તન અંગે તેના પરિવારને શંકા હોય કે તે દબાણ અથવા પ્રલોભનને કારણે થયું છે તો પરિવારના સભ્યો પણ ફરિયાદ નોંધાવી શકે છે. સરકારનું કહેવું છે કે અનેક વખત પીડિત વ્યક્તિ સામાજિક દબાણને કારણે પોતે ફરિયાદ નોંધાવી શકતી નથી, તેથી પરિવારને પણ આ અધિકાર આપવો જરૂરી છે.

ધર્મ પરિવર્તન અને બાળકોની ધાર્મિક ઓળખનો પ્રશ્ન

બિલ સાથે જોડાયેલીએક એવી જોગવાઈ પણ સામે આવી છે જેણે ખાસ કરીને રાજકીય અને સામાજિક ચર્ચાને જન્મ આપ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર જો તપાસ અથવા ન્યાયિક પ્રક્રિયામાં એ સાબિત થઈ જાય કે લગ્ન કે નિકાહ પહેલાં થયેલું ધર્મ પરિવર્તન છેતરપિંડી, દબાણ અથવા પ્રલોભન દ્વારા કરાવવામાં આવ્યું હતું તો તે લગ્નની પરિસ્થિતિઓની અસર તેની સાથે જોડાયેલા પારિવારિક મામલાઓ પર પણ પડી શકે છે. આવી સ્થિતિમાં તે લગ્નથી જન્મેલા બાળકની ધાર્મિક ઓળખ અંગે એ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે બાળકનો ધર્મ માતાના મૂળ ધર્મ અનુસાર માનવામાં આવશે.

આ જોગવાઈને સમર્થકો એ રીતે જુએ છે કે તેનાથી કથિત રીતે એવા કિસ્સાઓમાં સ્પષ્ટતા આવશે જ્યાં ધર્મ પરિવર્તનની વૈધતા વિવાદિત બની જાય છે અને પરિવાર અથવા સમુદાયમાં બાળકની ધાર્મિક ઓળખને લઈને વિવાદ ઊભો થઈ જાય છે.

અન્ય રાજ્યોના કાયદાઓ સાથે તુલના

મહારાષ્ટ્રનું પ્રસ્તાવિત ધર્મ સ્વાતંત્ર્ય બિલ સંપૂર્ણપણે નવો વિચાર નથી. ભારતના અનેક રાજ્યોમાં પહેલેથી જ આ પ્રકારના કાયદા અમલમાં છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને હિમાચલ પ્રદેશે છેલ્લા વર્ષોમાં ધર્માંતરણને નિયંત્રિત કરવા માટે વિશેષ કાયદા બનાવ્યા છે. આ રાજ્યોના કાયદાઓમાં પણ બળપૂર્વક, છેતરપિંડીથી અથવા પ્રલોભન દ્વારા ધર્મ પરિવર્તનને ગુનો ગણવામાં આવ્યો છે. અનેક કિસ્સાઓમાં ધર્માંતરણના હેતુથી કરાયેલા લગ્નને પણ ખાસ રીતે સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રનું પ્રસ્તાવિત બિલ પણ મોટાભાગે આ જ માળખાને અનુસરતું દેખાય છે. તેમ છતાં દરેક રાજ્યના કાયદામાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ અલગ-અલગ હોય શકે છે, જેમ કે સજાની અવધિ, પ્રશાસનિક પરવાનગીની પ્રક્રિયા અથવા ફરિયાદ નોંધાવવાના અધિકાર સાથે જોડાયેલા નિયમો.

વર્તમાન સ્થિતિમાં આ બિલ વિધાનસભામાં રજૂ કરાયેલો પ્રસ્તાવ છે. તેને કાયદો બનવા માટે અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડશે. સૌપ્રથમ તેને વિધાનસભામાં પસાર થવું પડશે, ત્યારબાદ વિધાન પરિષદની મંજૂરી જરૂરી છે. અંતે રાજ્યપાલની મંજૂરી મળ્યા પછી જ આ બિલ અધિકૃત રીતે કાયદો બની શકશે. જો આ બિલ કાયદાના રૂપમાં અમલમાં આવી જાય તો મહારાષ્ટ્ર પણ એ રાજ્યોની યાદીમાં સામેલ થઈ જશે જ્યાં ધર્મ પરિવર્તનને નિયંત્રિત કરવા માટે વિશેષ કાયદા અમલમાં છે. મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય બિલ, 2026 ભારતમાં ધર્મ પરિવર્તનને લઈને ચાલી રહેલી વ્યાપક ચર્ચાનો એક નવો અધ્યાય છે. આ બિલ એવી પરિસ્થિતિઓને રોકવાનો પ્રયાસ છે જેમાં ધર્મ પરિવર્તન કથિત રીતે દબાણ, છેતરપિંડી અથવા પ્રલોભન દ્વારા કરાવવામાં આવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં