અમેરિકામાં ઉચ્ચ શિક્ષણનું સપનું જોતા લાખો વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધી એક વાત સૌથી મોટી રાહત હતી. એકવાર F-1 સ્ટુડન્ટ વિઝા મળી જાય અને યુનિવર્સિટીમાં પ્રવેશ મળી જાય પછી અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સામાન્ય રીતે દેશમાં રહેવાની મંજૂરી મળતી રહેતી. એટલે વિદ્યાર્થીએ દર થોડા વર્ષે પોતાના કાયદેસરના રોકાણ અંગે ચિંતા કરવાની જરૂર પડતી નહોતી. હવે આ વ્યવસ્થામાં જ અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને દાયકાઓ પછીનો સૌથી મોટો ફેરફાર કર્યો છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટીએ (DHS) F-1, J-1 અને આઈ વિઝા ધારકો માટે ‘ડ્યુરેશન ઑફ સ્ટેટસ’ (D/S) વ્યવસ્થાનો અંત લાવીને તેના સ્થાને ‘ફિક્સ્ડ પિરિયડ ઑફ એડમિશન’ લાગુ કરવાનો અંતિમ નિયમ (Final Rule) જાહેર કર્યો છે. આ નિયમ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થયા બાદ 60 દિવસ પછી અમલમાં આવશે. સરકારનું કહેવું છે કે આ પગલું ઇમિગ્રેશન સિસ્ટમ પર વધુ અસરકારક દેખરેખ, વિઝાના દુરુપયોગમાં ઘટાડો અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે લેવામાં આવ્યું છે. બીજી તરફ યુનિવર્સિટીઓ અને ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે તેનાથી અમેરિકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઓછું આકર્ષક બની શકે છે.
પહેલાંની વ્યવસ્થા શું હતી અને હવે શું બદલાયું?
આ ફેરફાર સમજવા માટે પહેલાં ‘ડ્યુરેશન ઑફ સ્ટેટસ’ સમજવું જરૂરી છે. અત્યાર સુધી અમેરિકા પહોંચતા મોટાભાગના F-1 વિદ્યાર્થીઓના I-94 રેકોર્ડ પર કોઈ ચોક્કસ સમાપ્તિ તારીખ લખાતી નહોતી. તેના બદલે ‘D/S’ લખાતું હતું, જેનો અર્થ હતો કે વિદ્યાર્થી જ્યાં સુધી પોતાના અભ્યાસક્રમની તમામ શરતોનું પાલન કરે, ત્યાં સુધી તે કાયદેસર રીતે અમેરિકામાં રહી શકે. જો કોર્સ લાંબો ખેંચાય, સંશોધન ચાલતું રહે અથવા અન્ય માન્ય શૈક્ષણિક કારણોસર વધુ સમય જોઈએ તો અલગ રીતે રોકાણની મર્યાદા પૂરી થતી નહોતી.
હવે આ જ વ્યવસ્થાનો અંત આવી રહ્યો છે. નવા નિયમ હેઠળ વિદ્યાર્થીને અનિશ્ચિત સમય માટે નહીં પરંતુ ચોક્કસ સમયગાળા માટે અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે. સામાન્ય રીતે આ સમયગાળો અભ્યાસક્રમની અવધિ સાથે જોડાયેલો રહેશે, પરંતુ વધુમાં વધુ ચાર વર્ષ સુધી મર્યાદિત રહેશે. જો કોઈ વિદ્યાર્થીને તેનાથી વધુ સમય જોઈએ તો તેને અમેરિકાની સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) પાસે એક્સટેન્શન ઑફ સ્ટે માટે અરજી કરવી પડશે. એટલે હવે સમય વધારો આપોઆપ નહીં મળે, પરંતુ અલગ વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે તેની અસર શું હશે?
ભારત છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મોકલતા દેશોમાંનો એક છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ માસ્ટર્સ, પીએચડી અને અન્ય લાંબા અભ્યાસક્રમો માટે અમેરિકા જાય છે. આવા ઘણા અભ્યાસક્રમો ચાર વર્ષથી વધુ લાંબા હોય શકે છે. અત્યાર સુધી આવા વિદ્યાર્થીઓ માટે D/S એક મોટી સુવિધા હતી, કારણ કે તેમના કાયદેસરના રોકાણની અવધિ અભ્યાસ સાથે જોડાયેલી રહેતી હતી.
હવે લાંબા અભ્યાસક્રમ ધરાવતા વિદ્યાર્થીઓએ સમયસર એક્સટેન્શન માટે અરજી કરવી પડશે. એટલે ઇમિગ્રેશન સંબંધિત દસ્તાવેજો, સમયમર્યાદા અને મંજૂરીની પ્રક્રિયા પર વધુ ધ્યાન આપવું પડશે. ખાસ કરીને પીએચડી અથવા લાંબા સંશોધન કાર્યક્રમોમાં રહેલા વિદ્યાર્થીઓ માટે આ એક વધારાનો માથાનો દુઃખાવો બની શકે છે.
માત્ર રોકાણની મર્યાદા જ નહીં, અન્ય નિયમો પણ કડક
આ ફેરફાર માત્ર D/S પૂરતો મર્યાદિત નથી. ટ્રમ્પ પ્રશાસને ગ્રેસ પિરિયડમાં પણ ઘટાડો કર્યો છે. અત્યાર સુધી અભ્યાસ પૂર્ણ થયા પછી ઘણા F-1 વિદ્યાર્થીઓને અમેરિકા છોડવા માટે 60 દિવસનો સમય મળતો હતો. હવે આ સમયગાળો 30 દિવસનો રહેશે. એટલે અભ્યાસ પૂર્ણ થયા પછી આગળની યોજના વધુ ઝડપથી નક્કી કરવી પડશે.
તે ઉપરાંત ગ્રેજ્યુએટ સ્તરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી બદલવા અથવા અભ્યાસનું લક્ષ્ય બદલવા અંગે પણ વધુ કડક નિયમો લાવવામાં આવ્યા છે. અગાઉની સરખામણીએ આવી પ્રક્રિયાઓ હવે વધુ નિયંત્રિત રહેશે અને ઘણા કિસ્સાઓમાં વધારાની મંજૂરી જરૂરી બનશે. ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે આ ફેરફારોથી વિઝા સિસ્ટમનો દુરુપયોગ રોકવામાં મદદ મળશે.
હાલ અમેરિકા રહેતા વિદ્યાર્થીઓનું શું?
આ સૌથી વધુ પૂછાતો પ્રશ્ન છે. જો કોઈ વિદ્યાર્થી પહેલેથી જ અમેરિકામાં D/S હેઠળ કાયદેસર રીતે અભ્યાસ કરી રહ્યો હોય તો શું તેના પર તરત જ નવા નિયમો લાગુ પડશે?
જવાબ છે- નહીં. અંતિમ નિયમમાં ટ્રાન્ઝિશન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. હાલ D/S હેઠળ રહેલા વિદ્યાર્થીઓને તરત જ સ્ટેટસ બદલવાની જરૂર નહીં પડે. તેમના માટે અલગ જોગવાઈ છે, જેથી નવી વ્યવસ્થામાં અચાનક અવ્યવસ્થા ઊભી ન થાય. જોકે ભવિષ્યમાં મુસાફરી, એક્સટેન્શન અથવા અન્ય ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન નવા નિયમોની અસર જોવા મળશે.
યુનિવર્સિટીઓ વિરોધ કેમ કરી રહી છે?
અમેરિકાની અનેક યુનિવર્સિટીઓ, આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ અને ઇમિગ્રેશન નિષ્ણાતોએ આ નિયમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે અમેરિકાની સૌથી મોટી તાકાત તેની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા છે, જ્યાં દુનિયાભરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. જો દરેક લાંબા અભ્યાસક્રમ સાથે વધારાની ઇમિગ્રેશન પ્રક્રિયા જોડાશે તો ઘણા વિદ્યાર્થીઓ અમેરિકાના બદલે કેનેડા, બ્રિટન અથવા ઑસ્ટ્રેલિયા જેવા દેશોને પ્રાધાન્ય આપી શકે છે.
ટ્રમ્પ પ્રશાસનનું વલણ તેનાથી અલગ છે. સરકારનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને લાંબા સમય સુધી ચાલતી D/S વ્યવસ્થાના કારણે અસરકારક દેખરેખ રાખવી મુશ્કેલ બની રહી હતી. તેથી નિશ્ચિત સમયગાળાની નવી વ્યવસ્થા વધુ પારદર્શક અને જવાબદારી નક્કી કરતી હોવાનું સરકારનું માનવું છે.
જોકે આ માત્ર સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં થયેલો નાનો ફેરફાર નથી. લગભગ પાંચ દાયકાથી ચાલતી ‘ડ્યુરેશન ઑફ સ્ટેટસ’ વ્યવસ્થાનો અંત અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં એક મોટો વળાંક છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે તેનો અર્થ એ નથી કે અમેરિકા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, પરંતુ હવે ત્યાં અભ્યાસ કરવાની પ્રક્રિયા વધુ નિયમબદ્ધ, દસ્તાવેજ આધારિત અને સમયમર્યાદા પર આધારિત બનશે. તેથી જો કોઈ વિદ્યાર્થી આગામી મહિનાઓમાં અમેરિકા ભણવા જવાની તૈયારી કરી રહ્યો હોય તો માત્ર યુનિવર્સિટીનું એડમિશન જ નહીં, બદલાયેલા વિઝા નિયમોની સંપૂર્ણ સમજ પણ એટલી જ જરૂરી બનશે.


