ભારત માટે સમુદ્ર માત્ર પાણીનો વિશાળ વિસ્તાર નથી. હજારો વર્ષ પહેલાં લોથલના બંદરથી નીકળેલા વેપારી જહાજોથી લઈને ચોલા સામ્રાજ્યના નૌકાદળ સુધી અને આધુનિક યુગમાં દેશના બંદરો પરથી પસાર થતા અબજો ડૉલરના વેપાર સુધી, સમુદ્રે હંમેશા ભારતના આર્થિક અને વ્યૂહાત્મક ભવિષ્યને દિશા આપી છે. પરંતુ એક વિચિત્ર વિરોધાભાસ પણ એટલો જ સાચો છે. વિશ્વના સૌથી લાંબા દરિયાકિનારાઓમાંના એકનો માલિક અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં સ્થાન ધરાવતું ભારત આજે પણ મોટાં વ્યાપારી જહાજોના નિર્માણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી દેશોમાં ગણાતું નથી. અનેક પ્રસંગોએ દેશને વિશાળ ક્ષમતા સાથેનાં જહાજો બનાવવા કે તેમના સમારકામ માટે વિદેશી શિપયાર્ડ્સ તરફ જોવું પડે છે.
પરંતુ હવે એ દ્રશ્ય બદલાવા જઈ રહ્યું છે. વાત એમ છે કે કેન્દ્ર સરકારે પોરબંદર ખાતે ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને ‘શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ (SbDS)’ હેઠળ ઇન-પ્રિન્સિપલ મંજૂરી આપી દીધી છે. તેને માત્ર એક નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ તરીકે નહીં, પરંતુ ભારતના મેરિટાઇમ ભવિષ્ય સાથે જોડાયેલાં મહત્વપૂર્ણ પગલાં તરીકે રજૂ કરવામાં આવ્યો. આ સાથે વાડીનાર ખાતે વિકસી રહેલી શિપ રિપેર ફેસિલિટીને પણ યોજનાના માપદંડો હેઠળ 25 ટકા નાણાકીય સહાય માટે પાત્રતા આપવામાં આવી, પરંતુ જો સમગ્ર નિર્ણય પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે કેન્દ્રબિંદુ પોરબંદરનો પ્રોજેક્ટ જ છે. કારણ કે અહીં માત્ર એક શિપયાર્ડ નહીં, પરંતુ આખી શિપબિલ્ડિંગ ઇકોસિસ્ટમ ઊભી કરવાની તૈયારી કરવામાં આવી છે.
સવાલ એ છે કે આખરે આ ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર છે શું? સરકાર તેને ભારતના જહાજ નિર્માણ ક્ષેત્ર માટે ગેમચેન્જર કેમ માની રહી છે? અને સૌથી અગત્યનું, શું ખરેખર આ પ્રોજેક્ટ ભારતની વિદેશી શિપયાર્ડ્સ પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે?
શું છે ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર?
સામાન્ય રીતે જ્યારે શિપયાર્ડની વાત થાય છે ત્યારે આપણા મનમાં એક એવી જગ્યા આવે છે જ્યાં વિશાળ લોખંડના માળખાં વચ્ચે જહાજો બનાવવામાં આવે છે અથવા જૂનાં જહાજોનું સમારકામ કરવામાં આવે છે. પરંતુ પોરબંદર માટે જે યોજના મંજૂર થઈ છે તેની કલ્પના આટલી મર્યાદિત નથી. આ પ્રોજેક્ટનો મૂળ વિચાર એ છે કે જહાજના નિર્માણ માટે જરૂરી લગભગ આખી ઔદ્યોગિક સાંકળને એક જ વિસ્તારમાં વિકસાવવામાં આવે.
The Ministry of Ports, Shipping and Waterways has granted in-principle approval to two landmark projects under the Shipbuilding Development Scheme (SbDS), a Greenfield Shipbuilding Cluster in Porbandar, Gujarat, and a ₹1,570-crore Ship Repair Facility at Vadinar.
— Ministry of Ports, Shipping and Waterways (@shipmin_india) July 15, 2026
Together,… pic.twitter.com/POsH6CX5fF
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં લગભગ 2,000 એકરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવવામાં આવશે. તેનું અમલીકરણ નેશનલ શિપબિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક–ગુજરાત (NSHIP-Gujarat) દ્વારા કરવામાં આવશે, જે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય તથા ગુજરાત મેરીટાઇમ બોર્ડની સંયુક્ત પહેલ છે. આ વિસ્તાર માત્ર એક કે બે શિપયાર્ડ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેમાં આધુનિક જહાજ નિર્માણ યાર્ડ્સ, સહાયક ઉત્પાદન એકમો, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરીક્ષણ અને ગુણવત્તા સુવિધાઓ, કુશળ માનવબળ તૈયાર કરવા માટેના કેપેબિલિટી ડેવલપમેન્ટ સેન્ટર્સ અને સમગ્ર ઉદ્યોગને એકસાથે આગળ ધપાવે તેવું માળખું ઊભું કરવામાં આવશે.
સરળ શબ્દોમાં કહીએ તો તૈયારી એવી છે કે જો કોઈ વિશાળ વેપારી જહાજ બનાવવું હોય તો તેની માટે જરૂરી મોટાભાગના સાધનો, ટેક્નોલોજી, ઉત્પાદન, પરીક્ષણ અને માનવસંસાધન એક જ ઔદ્યોગિક પરિસરમાં ઉપલબ્ધ હોય. આજે જે પ્રક્રિયામાં અનેક રાજ્યો કે અનેક દેશો વચ્ચે સંકલન કરવું પડે છે, તેને શક્ય તેટલી હદ સુધી એક જ ઇકોસિસ્ટમમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રોજેક્ટનું કદ પણ સામાન્ય નથી. સરકારનું લક્ષ્ય દર વર્ષે આશરે 1.2થી 1.5 મિલિયન ગ્રોસ ટનેજ (GT) જેટલી જહાજ નિર્માણ ક્ષમતા વિકસાવવાનું છે. ‘ગ્રોસ ટનેજ’ કોઈ જહાજનું વજન નહીં, પરંતુ તેની કુલ આંતરિક ક્ષમતાનો આંતરરાષ્ટ્રીય માપદંડ છે. એટલે કે અહીં માત્ર નાનાં જહાજો નહીં, પરંતુ મોટાં વ્યાપારી જહાજોના નિર્માણની દિશામાં પણ વિચાર કરવામાં આવ્યો છે. જો આ ક્ષમતા સંપૂર્ણ રીતે વિકસે છે તો તે ભારતના જહાજ નિર્માણ ક્ષેત્ર માટે નોંધપાત્ર વધારો સાબિત થઈ શકે છે.
અહીં એક બીજી બાબત પણ સમજવા જેવી છે. આ પ્રોજેક્ટને ‘ગ્રીનફિલ્ડ’ કહેવામાં આવે છે, તેનો અર્થ છે કે સમગ્ર ઔદ્યોગિક માળખું શરૂઆતથી તૈયાર કરવામાં આવશે. પહેલેથી અસ્તિત્વમાં રહેલા શિપયાર્ડનું વિસ્તરણ નહીં, પરંતુ ખાલી જમીન પર નવી દૃષ્ટિ સાથે સંપૂર્ણ ઔદ્યોગિક નગર ઊભું કરવાની યોજના છે. આ જ કારણ છે કે સરકાર તેને માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ લાંબાગાળાના ઔદ્યોગિક રોકાણ તરીકે રજૂ કરી રહી છે.
ભારતને તેની જરૂર શા માટે છે?
સમુદ્ર સાથે ભારતનો સંબંધ હજારો વર્ષ જૂનો છે, પરંતુ આધુનિક ઔદ્યોગિક યુગમાં શિપબિલ્ડિંગની વાત કરીએ તો ચિત્ર થોડું જુદું દેખાય છે. આજે વિશ્વમાં સૌથી વધુ જહાજો ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનમાં બને છે. વૈશ્વિક વ્યાપારી જહાજ નિર્માણ બજારમાં આ ત્રણ દેશોનું પ્રભુત્વ એટલું મજબૂત છે કે મોટાભાગની આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ નવાં જહાજોનો ઓર્ડર ત્યાં આપે છે. તેનું કારણ માત્ર સસ્તું ઉત્પાદન નથી, પરંતુ દાયકાઓમાં ઊભી કરાયેલી સંપૂર્ણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ છે. સ્ટીલ પ્લાન્ટથી લઈને મરીન એન્જિન બનાવતી કંપનીઓ, અદ્યતન ડિઝાઇન સેન્ટર્સથી લઈને હજારો કુશળ શ્રમિકો સુધી, જહાજ બનાવવા માટે જરૂરી લગભગ દરેક વસ્તુ એક જ ઔદ્યોગિક શ્રેણીમાં ઉપલબ્ધ હોય છે.
ભારતમાં અત્યાર સુધી આવી સાંકળ મર્યાદિત રહી છે. દેશ પાસે મોટા બંદરો છે, લાંબો દરિયાકિનારો છે, કુશળ માનવબળ પણ છે, પરંતુ શિપબિલ્ડિંગ માટે જરૂરી સમગ્ર ઇકોસિસ્ટમ એક જગ્યાએ ઉપલબ્ધ ન હોવાથી ઉત્પાદન ખર્ચ, સમય અને સ્પર્ધાત્મકતા પર અસર પડે છે. ઘણી વખત જહાજ માટે જરૂરી વિશિષ્ટ સાધનો કે મશીનરી બહારથી મંગાવવી પડે છે તો કેટલીક વખત મોટાં જહાજોના નિર્માણ અથવા સમારકામ માટે વિદેશી શિપયાર્ડ્સનો સહારો લેવો પડે છે. પરિણામે સમય પણ વધુ લાગે છે અને ખર્ચ પણ વધે છે.
આ જ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર કરી રહી છે. ‘મેરિટાઇમ ઇન્ડિયા વિઝન 2030’ અને ત્યારબાદ ‘મેરિટાઇમ અમૃત કાલ વિઝન 2047’માં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જો ભારતને સાચા અર્થમાં વૈશ્વિક મેરિટાઇમ શક્તિ બનવું હોય તો માત્ર બંદરોના વિકાસથી કામ નહીં ચાલે. દેશે જહાજો પણ બનાવવાં પડશે, તેમને સમારવા પણ પડશે અને તેમની આસપાસ સમગ્ર ઔદ્યોગિક માળખું પણ ઊભું કરવું પડશે. પોરબંદરનો ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર એ જ મોટા વિઝનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.
અહીં સમજવા જેવી બીજી એક બાબત છે. સરકાર આ પ્રોજેક્ટને માત્ર એક શિપયાર્ડ તરીકે કેમ નથી જોતી? કારણ કે આજના સમયમાં કોઈ એક કંપની એકલાં હાથે આખું જહાજ બનાવતી નથી. એક જહાજમાં હજારો પ્રકારના ભાગો હોય છે- વિશાળ સ્ટીલ બ્લોક્સ, પ્રોપલ્શન સિસ્ટમ, મરીન એન્જિન, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, નેવિગેશન ઉપકરણો, સલામતી સાધનો, પેઇન્ટ, પાઇપિંગ, કેબલિંગ અને અન્ય અસંખ્ય ઘટકો. આ બધું અલગ-અલગ કંપનીઓ બનાવે છે. જો આ કંપનીઓ એકબીજાથી હજારો કિલોમીટર દૂર હોય તો સમય અને ખર્ચ બંને વધે છે. પરંતુ જો તે જ કંપનીઓ એક જ ઔદ્યોગિક ક્લસ્ટરમાં કાર્યરત હોય તો ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બને છે, પરિવહન ખર્ચ ઘટે છે અને આખો ઉદ્યોગ વધુ સ્પર્ધાત્મક બને છે.
એટલા માટે જ પોરબંદર પ્રોજેક્ટમાં માત્ર શિપયાર્ડ નહીં, પરંતુ સહાયક ઉત્પાદન એકમો, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેબિલિટી ડેવલપમેન્ટ સેન્ટર્સને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું છે. સરકારનું માનવું છે કે જહાજો બનાવવાનો ઉદ્યોગ માત્ર એક ફેક્ટરીથી ઉભો થતો નથી, તેના માટે અનેક ઉદ્યોગો, સંશોધન, તાલીમ અને સપ્લાય ચેઇનને એકસાથે આગળ વધવું પડે છે. પોરબંદરમાં એવી જ ઔદ્યોગિક વસાહત ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લાંબાગાળે ભારતને વૈશ્વિક શિપબિલ્ડિંગ બજારમાં વધુ મજબૂત સ્થિતિ અપાવી શકે.
વિદેશી શિપયાર્ડ્સ પરની નિર્ભરતા કેવી રીતે ઘટશે?
સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપતી વખતે ખાસ કરીને એક મુદ્દા પર ભાર મૂક્યો હતો કે વિદેશી શિપબિલ્ડિંગ અને શિપ રિપેર સુવિધાઓ પર ભારતની નિર્ભરતા ઘટાડવી. પ્રથમ નજરે આ દાવો સામાન્ય લાગે, પરંતુ તેની પાછળનું અર્થતંત્ર ઘણું મોટું છે.
કલ્પના કરો કે કોઈ ભારતીય કંપનીને વિશાળ વેપારી જહાજની જરૂર છે અથવા દેશની કોઈ મહત્વપૂર્ણ નૌકા લાંબા સમારકામ માટે તૈયાર છે. જો દેશમાં જરૂરી ક્ષમતા ઉપલબ્ધ ન હોય તો જહાજને વિદેશી શિપયાર્ડમાં મોકલવાનો વિકલ્પ ઉભો થાય છે. તેમાં માત્ર સમારકામ કે નિર્માણનો ખર્ચ જ નથી લાગતો, પરંતુ લાંબી રાહ, લોજિસ્ટિક્સ, વિદેશી ચલણમાં ચુકવણી અને ઑપરેશનલ વિલંબ જેવા અનેક ખર્ચ પણ જોડાય છે. કેટલીક વખત તો વૈશ્વિક માંગ વધુ હોવાથી મહિનાઓ સુધી સ્લોટ મળતા નથી.
જો ભારતમાં જ મોટાપાયે શિપબિલ્ડિંગ અને શિપ રિપેરની ક્ષમતા વિકસે તો આમાંથી નોંધપાત્ર ભાગ દેશમાં જ થઈ શકે છે. પોરબંદરનો ક્લસ્ટર જહાજ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે વાડીનારમાં વિકસી રહેલી શિપ રિપેર ફેસિલિટી આ સાંકળને વધુ મજબૂત બનાવશે. એટલે કે એક તરફ નવાં જહાજો બનાવવાની ક્ષમતા વધશે અને બીજી તરફ હાલનાં જહાજોના જાળવણી અને સમારકામ માટે પણ દેશની પોતાની ક્ષમતા વિકસશે. સરકારના મતે આ બંને પ્રોજેક્ટો મળીને લાંબાગાળે ભારતને વધુ આત્મનિર્ભર મેરિટાઇમ અર્થતંત્ર તરફ લઈ જઈ શકે છે.
ગુજરાત માટે માત્ર એક પ્રોજેક્ટ નહીં, નવી ઔદ્યોગિક ઓળખ બનવાની તક
ગુજરાતને દેશના ઔદ્યોગિક વિકાસનું એન્જિન કહેવામાં આવે છે, પરંતુ સમુદ્ર સાથે તેનો સંબંધ માત્ર વેપાર પૂરતો મર્યાદિત નથી. કંડલા, મુન્દ્રા, પિપાવાવ, દહેજ, હજીરા અને પોરબંદર જેવાં બંદરોએ દાયકાઓથી દેશના આયાત-નિકાસ વેપારમાં મહત્વની ભૂમિકા ભજવી છે. દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાતના બંદરોનો મોટો હિસ્સો છે. હવે જો આ જ રાજ્ય જહાજોના નિર્માણનું પણ એક મોટું કેન્દ્ર બની જાય તો તે ભારતના મેરિટાઇમ નકશામાં ગુજરાતની ભૂમિકાને સંપૂર્ણપણે નવા સ્તરે લઈ જઈ શકે છે.
પોરબંદરનો ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર માત્ર મોટાં જહાજો બનાવશે એવું માનવું અધૂરું હશે. હકીકતમાં તેની આસપાસ અનેક નવા ઉદ્યોગો જન્મ લેશે. જહાજમાં ઉપયોગમાં આવતાં હજારો પ્રકારના સાધનો, કેબલ, પાઇપિંગ, સ્ટીલ સ્ટ્રક્ચર્સ, મરીન ઇલેક્ટ્રોનિક્સ, સલામતી ઉપકરણો, પેઇન્ટ્સ, પ્રિસિઝન મશીનિંગ, હાઇડ્રોલિક સિસ્ટમ્સ અને વિશિષ્ટ એન્જિનિયરિંગ સેવાઓ પૂરી પાડતી કંપનીઓ માટે પણ નવી તકો ઊભી થશે. સામાન્ય રીતે મોટા ઉદ્યોગોની સાથે અનેક નાના અને મધ્યમ ઉદ્યોગો વિકસતા હોય છે. તેથી આ પ્રોજેક્ટનો ફાયદો માત્ર એક કંપની કે એક સરકારી સંસ્થાને નહીં, પરંતુ સમગ્ર ઔદ્યોગિક સાંકળને થઈ શકે છે.
Delighted that Gujarat will play a pivotal role in strengthening India's maritime future with the in-principle approval for a Greenfield Shipbuilding Cluster in Porbandar and the ₹1,570-crore Ship Repair Facility at Vadinar.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 15, 2026
Under the visionary leadership of Hon'ble PM Shri… https://t.co/yp75wBIYHl
કેન્દ્ર સરકારે પણ આ જ કારણસર પ્રોજેક્ટમાં ‘એન્સિલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ’ અને ‘કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ને વિશેષ મહત્વ આપ્યું છે. એટલે કે એક એવી વ્યવસ્થા ઊભી કરવી, જ્યાં એક કંપનીને બીજી કંપની સુધી પહોંચવા માટે સેકડો કિલોમીટરનું અંતર કાપવું ન પડે. ઉત્પાદનથી લઈને પરીક્ષણ, ગુણવત્તા નિયંત્રણ, તાલીમ અને લોજિસ્ટિક્સ સુધીની મોટાભાગની સુવિધાઓ એક જ ઔદ્યોગિક પરિસરમાં ઉપલબ્ધ હોય. વિશ્વના સફળ શિપબિલ્ડિંગ દેશોએ પણ આ જ મોડલ અપનાવ્યું છે અને કદાચ આ જ અનુભવમાંથી ભારત પણ શીખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ સાથે રોજગારીનો મુદ્દો પણ જોડાયેલો છે. જહાજ નિર્માણ માત્ર ભારે મશીનરીનો ઉદ્યોગ નથી. તેમાં વેલ્ડર્સ, ફેબ્રિકેટર્સ, મરીન એન્જિનિયર્સ, ઇલેક્ટ્રિકલ નિષ્ણાતો, ડિઝાઇનર્સ, ક્વોલિટી ઇન્સ્પેક્ટર્સ, લોજિસ્ટિક્સ મેનેજર્સ, સોફ્ટવેર અને ઑટોમેશન નિષ્ણાતો સહિત અનેક પ્રકારની કુશળતા જરૂરી પડે છે. તેથી આવા ક્લસ્ટરનો વિકાસ માત્ર ઔદ્યોગિક રોકાણ પૂરતો સીમિત રહેતો નથી, તેની આસપાસ નવાં તાલીમ કેન્દ્રો, સેવા ક્ષેત્રો, રહેણાંક, પરિવહન અને સ્થાનિક અર્થતંત્રનો પણ વિકાસ થતો જાય છે. સરકાર દ્વારા પ્રસ્તાવિત ‘કેપેબિલિટી ડેવલપમેન્ટ સેન્ટર્સ’ પાછળનો વિચાર પણ એ જ છે કે ભવિષ્યમાં ઉદ્યોગને જરૂરી માનવબળ દેશમાં જ તૈયાર થઈ શકે.
પોરબંદર અને વાડીનાર મળીને કેવી રીતે રચી શકે છે સંપૂર્ણ મેરિટાઇમ ઇકોસિસ્ટમ?
આ સમગ્ર નિર્ણયમાં વાડીનારનો ઉલ્લેખ પણ એટલો જ રસપ્રદ છે. જોકે આ બંને પ્રોજેક્ટોની પ્રકૃતિ અલગ છે. વાડીનારમાં ₹1,570 કરોડના ખર્ચે વિકસી રહેલી શિપ રિપેર ફેસિલિટીને કેન્દ્ર સરકારે અગાઉ જ મંજૂરી આપી હતી. હવે તેને શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 25 ટકા નાણાકીય સહાય માટે પાત્રતા આપવામાં આવી છે. એટલે કે વાડીનારનો પ્રોજેક્ટ નવો નથી, પરંતુ હવે તેને યોજનાનો સીધો આધાર મળ્યો છે.
જો આ બંને પ્રોજેક્ટોને સાથે મૂકીને જોઈએ તો સરકારની મોટી વ્યૂહરચના વધુ સ્પષ્ટ બને છે. એક તરફ પોરબંદરમાં નવાં જહાજોના નિર્માણ માટે વિશાળ ક્લસ્ટર ઊભું કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ વાડીનારમાં જહાજોના સમારકામ અને જાળવણી માટે આધુનિક સુવિધા વિકસાવવામાં આવી રહી છે. વિશ્વના મોટા મેરિટાઇમ હબ્સમાં સામાન્ય રીતે આ બંને ક્ષમતાઓ એકબીજાની પૂરક હોય છે. કારણ કે જહાજ બનાવવું એક બાબત છે, પરંતુ તેનું આખું જીવનચક્ર- જાળવણી, સમારકામ અને આધુનિકીકરણ, પણ એટલું જ મહત્વનું હોય છે.
કદાચ આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર આ બંને પ્રોજેક્ટોને અલગ-અલગ યોજનાઓ તરીકે નહીં, પરંતુ ભારતની મેરિટાઇમ ઇકોસિસ્ટમના બે મહત્વપૂર્ણ સ્તંભ તરીકે રજૂ કરી રહી છે. જો પોરબંદર ઉત્પાદનનું કેન્દ્ર બનશે અને વાડીનાર સેવા તથા સમારકામનું તો ગુજરાત માટે આ સંયોજન દેશના સૌથી મહત્વપૂર્ણ મેરિટાઇમ ઔદ્યોગિક પટ્ટાઓમાંનું એક બની શકે છે.
માત્ર એક મંજૂરી નહીં, પરંતુ લાંબા રોડમેપનું એક મહત્વપૂર્ણ પગલું
સરકારી પ્રેસ રિલીઝ વાંચીએ તો પોરબંદરનો ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર એક ઔદ્યોગિક પ્રોજેક્ટ લાગે છે. પરંતુ તેને ભારતના મેરિટાઇમ વિઝનના સંદર્ભમાં જોઈએ તો તેની વ્યાપકતા ઘણી મોટી દેખાય છે. સમુદ્ર કિનારો હોવો અને સમુદ્રી શક્તિ હોવી આ બંને અલગ બાબતો છે. સાચી મેરિટાઇમ શક્તિ એ દેશ કહેવાય, જે પોતાનાં બંદરો ચલાવે, પોતાનાં જહાજો બનાવે, તેમના સમારકામની ક્ષમતા ધરાવે, જરૂરી સાધનોનું ઉત્પાદન કરે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પોતાની મજબૂત હાજરી નોંધાવે.
ભારત આજે એ જ દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોરબંદરનો ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર એ પ્રયત્નનું અંતિમ લક્ષ્ય નથી, પરંતુ તેની શરૂઆતના મહત્વપૂર્ણ સોપાનોમાંથી એક છે. એટલું ચોક્કસ છે કે તેની પાછળની વિચારસરણી માત્ર એક શિપયાર્ડ બનાવવાની નથી. વિચાર એ છે કે ભારતમાં એવો ઔદ્યોગિક આધાર ઊભો કરવામાં આવે, જે ભવિષ્યમાં દેશને મોટાં જહાજોના નિર્માણ, મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ અને વૈશ્વિક સ્પર્ધામાં વધુ આત્મવિશ્વાસ સાથે ઉભું રહેવાની ક્ષમતા આપે.
અને કદાચ એટલા માટે જ પોરબંદરમાં મળેલી આ મંજૂરીને માત્ર એક નવા પ્રોજેક્ટની શરૂઆત તરીકે જોવી પૂરતી નથી. તેને ભારતના સમુદ્રી ભવિષ્યમાં કરાયેલા લાંબાગાળાના રોકાણ તરીકે જોવાની જરૂર છે. એવું રોકાણ, જેનું સાચું મૂલ્ય કદાચ આજે નહીં, પરંતુ આગામી દાયકાઓમાં સમજાશે.


