હોમપેજદેશજસ્ટિસ વર્માના ઘરમાંથી મળી આવી હતી રોકડ રકમ, ક્યાં ગઈ એ રહસ્ય…...

જસ્ટિસ વર્માના ઘરમાંથી મળી આવી હતી રોકડ રકમ, ક્યાં ગઈ એ રહસ્ય… ન જજ ખુલાસા રજૂ કરી શક્યા: ત્રણ જજોની કમિટીએ રિપોર્ટમાં શું જણાવ્યું

જજના આ આરોપો માત્ર આરોપો જ રહી ગયા અને તેના પુરાવા તેઓ ન આપી શક્યા. બીજી તરફ તેમના બંગલામાંથી ચલણી નોટો મળી આવી હતી તે બાબતના અઢળક પુરાવાઓ રેકર્ડ પર હતા.

- Advertisement -

સરકારી બંગલેથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવ્યા બાદ વિવાદમાં સપડાયેલા જસ્ટિસ યશવંત વર્મા સામેના તમામ આરોપો સાચા પુરવાર થયા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નીમેલી ત્રણ જજોની કમિટીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે જજના બંગલેથી 14-15 માર્ચની રાત્રે મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હતી અને તે પૈસા ક્યાંથી આવ્યા તેનો તેઓ સંતોષકારક ખુલાસો રજૂ કરી શક્યા નથી.

2025ના લોકસભાના ચોમાસું સત્રમાં ન્યાયાધીશ વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ થયા બાદ લોકસભા સ્પીકરે ત્રણ જજોની એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ પોતાની તપાસ બાદ રિપોર્ટ લોકસભા સ્પીકરને રજૂ કર્યો હતો. 12 ઑગસ્ટે સમિતિનો આ રિપોર્ટ રાજ્યસભા અને લોકસભા બંને ગૃહમાં રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ સાર્વજનિક થયો.

કમિટીએ મુખ્ય ત્રણ આરોપ પર તપાસ કરીને તપાસને અંતે તમામ આરોપો સાચા હોવાનું ઠરાવ્યું છે અને આગળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભલામણ કરી છે.

- Advertisement -

1) જજના બંગલાના સ્ટોર રૂમમાંથી રોકડ રકમ મળી આવી હતી.

2) આગ લાગવાની ઘટના પછી સ્થળ પર પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી.

3) પૈસા ક્યાંથી આવ્યા તે બાબતે ન્યાયાધીશ સંતોષકારક જવાબ-ખુલાસા રજૂ કરી ન શક્યા.

રોકડ રકમ મળી આવી હતી એ બાબતે કોઈ શંકા નથી

સમિતિ નવ સાક્ષીઓની જુબાની અને ઉલટતપાસ, અધિકારીક દસ્તાવેજો, ફોટોગ્રાફ, વિડીયો અને અન્ય ઇલેક્ટ્રોનિક મટિરિયલના આધારે એ નિષ્કર્ષ પર પહોંચી છે કે 14-15 માર્ચની રાત્રે નવી દિલ્હીના તુગલક લેન સ્થિત તત્કાલીન દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના ઘરે આગ લાગ્યા બાદ સ્ટોર રૂમમાંથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હતી.

કેટલી રકમ હતી એ સાબિત ન થઈ શક્યું– કારણ કે ન ચલણી નોટ જપ્ત કરાઈ, ન પંચનામું થયું, પછીથી ગાયબ થઈ ગઈ

જોકે આ રકમ ચોક્કસ કેટલી હતી અને પછી તેનું શું થયું તેનો જવાબ આ કમિટીની તપાસમાં પણ મળી શક્યો નથી. કારણ એ છે કે આગ લાગવાના કારણે ચલણી નોટો અડધી અને અમુક આખી બળીને રાખ થઈ ગઈ હતી.

ઉપરાંત, ઘટના બાદ ન પોલીસ અધિકારીઓ કે ન ફાયર વિભાગના કર્મચારીઓએ ચલણી નોટો જપ્ત કરી હતી. ન પંચનામું થયું હતું કે અન્ય પરીક્ષણ થયું હતું. આ જ કારણ છે કે ચોક્કસ કેટલી રકમ હતી એ જાણી શકાયું નથી. પરંતુ રિપોર્ટમાં સાક્ષી અધિકારીઓ અને કર્મચારીઓની જુબાની અને ફોટો-વિડીયોના આધારે નોંધ કરે છે કે નોટ ‘ખૂબ મોટા પ્રમાણમાં’ મળી આવી હતી.

રિપોર્ટમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે– ‘ક્વોન્ટિટી ઑફ બર્ન્ટ ઓર સેમી બર્ન્ટ કરન્સી નોટ્સ વોઝ હ્યુજ એન્ડ શોકિંગ ઇન સાઈઝ એન્ડ મેગ્નિટ્યુડ.’

જુબાનીમાં એક અધિકારીએ કમિટીને જણાવ્યું હતું કે તેમણે જેટલી ચલણી નોટો જોઈ હતી તેના આધારે કહી શકાય કે પાંચ લાખ જેટલી રકમ તો કંઈ ન કહેવાય અને આ રકમ બહુ મોટી હોવી જોઈએ.

પંચનામું-જપ્તી વગેરે થયું ન હોવાના કારણે તેની રકમ કમિટી જાણી શકી નથી. ઉપરાંત પછીથી જજના સ્ટાફે રૂમની સાફસફાઈના નામે ચલણી નોટો દૂર કરી દીધી હતી.

સાફસફાઈના નામે ચલણી નોટો દૂર થઈ, ક્યાં ગઈ એનો જવાબ કમિટી પાસે પણ નથી

સમિતિએ એ પણ નોંધ્યું છે કે આગ લાગવાની ઘટના બાદ ચલણી નોટો બરાબર સાચવવામાં આવી ન હતી અને આગળ કાર્યવાહી થાય એ પહેલાં જ સ્ટોર રૂમ સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં.

તેનો અર્થ એ થયો કે જજના બંગલામાં કામ કરતા સ્ટાફે રૂમમાં સાફસફાઈ કરીને ચલણી નોટો દૂર કરી દીધી હતી.

કમિટી કહે છે કે જજે વ્યક્તિગત રીતે આ નોટો હટાવી હોય એવું ન પણ બની શકે પરંતુ એ હકીકત છે કે આગની ઘટના પછી અડધી બળેલી નોટો મળી આવી ત્યારબાદ રૂમમાં સાફસફાઈ કરીને આ નોટ દૂર કરી દેવામાં આવી હતી.

જેથી એ આરોપ પણ સાચો સાબિત થયો કે સ્ટોરરૂમમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયા બાદ પુરાવાઓ સાચવવામાં નહતા આવ્યા અને સ્ટાફે સાફસફાઈ કરી હતી તેના કારણે ચલણી નોટો ગાયબ થઈ ગઈ.

ત્રીજો આરોપ એ છે કે જજ વ્યવસ્થિત ખુલાસો રજૂ કરી શક્યા નથી.

જસ્ટિસ વર્માએ શરૂઆતમાં જુદાં-જુદાં કારણો આપીને સ્વબચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્ટોર રૂમમાં પૈસા ક્યાંથી આવ્યા તેની તેમને જાણ નથી. ત્યારબાદ તેમણે પૈસા જપ્ત ન થયા હોવાની વાતે પ્રશ્ન ઉઠાવ્યો અને અંતે કહ્યું કે પૈસા કોઈએ પ્લાન્ટ કર્યા હોય શકે અથવા જે કર્મચારીઓ આવ્યા તેમણે જ દૂર કર્યા હોય શકે. પછીથી તેમણે કાર્યવાહીમાંથી જ પીછેહઠ કરી લીધી હતી.

ન્યાયાધીશે શરૂઆતમાં એમ કહીને બચાવ કર્યો હતો કે જે સ્ટોર રૂમમાં આગ લાગી હતી તે તેમના નિવાસસ્થાનથી અલગ છે અને તેની ઉપર તેમનું સંપૂર્ણ નિયંત્રણ નથી. ત્યારબાદ કહ્યું કે પૈસા તેમના નથી અને ત્યાં કઈ રીતે આવ્યા તેની તેમને જાણ નથી. તેમણે પોતાને ફસાવી દેવા માટે ષડ્યંત્ર રચવામાં આવ્યું હોય શકે એવી આશંકા પણ વ્યક્ત કરી હતી.

કમિટી જોકે તપાસમાં નોંધ કરે છે કે પૈસા જજના બેડરૂમમાંથી મળ્યા, લિવિંગ રૂમમાંથી મળ્યા કે સ્ટોર રૂમમાંથી એ અગત્યનું નથી, અગત્યનું એ છે કે પૈસા મળી આવ્યા હતા.

ઉપરાંત, જે સ્ટોર રૂમની વાત છે એ ન્યાયાધીશના બંગલાના પરિસરમાં જ સ્થિત છે અને એવું ન કહી શકાય કે તેની ઉપર તેમનું નિયંત્રણ ન હતું. ઉપરાંત જજે જ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સ્ટોર રૂમમાં એક કબાટ લૉક રહે છે અને તેની ચાવી તેમની પાસે છે. તેનો અર્થ એ થયો કે સ્ટોર રૂમમાં તેમની સામગ્રી રહેતી હતી અને ત્યાં કોઈ જતું-આવતું હોય તો તેના માટે જજની પરવાનગી મેળવવી જરૂરી હતી.

જસ્ટિસ વર્માના કોઈએ ચલણી નોટો પ્લાન્ટ કરી હોવાના આરોપો પણ સમિતિએ ફગાવી દીધા છે. રિપોર્ટમાં સમિતિ કહે છે કે કોઈએ જજના સ્ટોર રૂમમાં ચલણી નોટો મૂકી દીધી હોય એવો આરોપ ફેસ વેલ્યૂ પર પણ લેવામાં આવે તો જજ એ સાબિત કરી શક્યા નથી કે કોઈએ પૈસા મૂક્યા હોય તો એ કોણ હોય શકે, ક્યારે પૈસા મૂક્યા હોય શકે, બંગલાના પરિસરમાં એ પૈસા ક્યાંથી આવ્યા અને કોઈ કેમ પૈસા પ્લાન્ટ કરે?

અર્થાત્ જજના આ આરોપો માત્ર આરોપો જ રહી ગયા અને તેના પુરાવા તેઓ ન આપી શક્યા. બીજી તરફ તેમના બંગલામાંથી ચલણી નોટો મળી આવી હતી તે બાબતના અઢળક પુરાવાઓ રેકર્ડ પર હતા.

સાક્ષીઓ રજૂ કરવાના આવ્યા ત્યારે જજે પીછેહઠ કરી લીધી

જોકે એક પક્ષના સાક્ષીઓ તપાસી લીધા બાદ જ્યારે જસ્ટિસ વર્માને સાક્ષીઓ રજૂ કરવાની અને પોતાના બચાવમાં દલીલો કરવાની તક આપવામાં આવી ત્યારે તેમણે શરૂઆતમાં વધુ સમય માગ્યા બાદ પીછેહઠ કરી લીધી હતી. તેમણે સાક્ષી તરીકે ન પરિજનોને રજૂ કર્યા ન સ્ટાફમાંથી કોઈને જુબાની આપવા માટે કમિટી સમક્ષ હાજર કર્યા. ત્યારબાદ પોતે કમિટીની તપાસમાંથી પીછેહઠ કરી લીધી હતી અને તેમનો પક્ષ રજૂ કરતા વકીલોને પણ છૂટા કરી દીધા હતા.

કમિટીએ રિપોર્ટમાં નોંધ્યું છે કે જસ્ટિસ વર્માનું પીછેહઠ કરી લેવું એ કોઈ આરોપો સાબિત કરવા માટે પૂરતું ન હોય તોપણ સમય નોંધવો રહ્યો. કારણ કે એક પક્ષના સાક્ષીઓએ તમામ પુરાવા રજૂ કરી દીધા બાદ જ્યારે જજને તક આપવામાં આવી ત્યારે જ તેમણે નામ પરત ખેંચી લીધું હતું.

જ્યારે સમિતિએ જજને પૂરતો સમય આપ્યો હતો, તમામ દસ્તાવેજો પૂરા પાડ્યા હતા, જ્યારે-જ્યારે સમય માગવામાં આવ્યો ત્યારે સમય અપાયો હતો અને બચાવ માટેની તમામ તકો પણ આપવામાં આવી. સાક્ષીઓની ઉલટતપાસ માટે પણ જજના વકીલોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં તેમણે અંતે સમિતિને સહકાર આપવાની ના પાડી દીધી.

અંતે સમિતિએ તમામ પુરાવાઓ, સાક્ષીઓની જુબાની, રેકર્ડ પર ઉપલબ્ધ ફોટો-વિડીયો અને અન્ય સામગ્રી અને જજના ઉડાઉ જવાબો અને અસંતોષકારક ખુલાસાને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપો સાબિત ઠરાવ્યા.

કેસની પૃષ્ઠભૂમિ, અત્યાર સુધી શું-શું બન્યું

સમગ્ર મામલો 14-15 માર્ચની મધ્ય રાત્રિનો છે.

જસ્ટિસ યશવંત વર્મા દિલ્હી હાઇકોર્ટમાં ન્યાયાધીશ હતા. તેઓ કોઈ પ્રસંગે બહારગામ હતા ત્યારે તેમના દિલ્હીના તુગલક લેન પરના સરકારી બંગલાના સ્ટોરરૂમમાં આગ લાગી ગઈ હતી.

આગ લાગતાં સ્ટાફ અને પરિજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ફાયર વિભાગને જાણ કરી અને ફાયરના માણસોએ જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટના બની ગઈ અને થોડા દિવસ બાદ મીડિયામાં સમાચાર આવ્યા કે એક યશવંત વર્માના ઘરના સ્ટોરરૂમમાં આગ લાગતાં ઓલવવા ગયેલા કર્મચારીઓને મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હતી.

આ મામલે પછીથી સુપ્રીમ કોર્ટ સ્તરેથી તપાસના આદેશ આપવામાં આવ્યા. તે પહેલાં મામલો દિલ્હી પોલીસ મારફતે દિલ્હી હાઇકોર્ટ અને ત્યાંથી સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો હતો. જોકે ઉપર કહ્યું એમ પોલીસ કે ફાયર અધિકારીઓએ જજના ઘરેથી રકમ જપ્ત કરી ન હતી. તપાસમાં જે જાણવા મળ્યું છે એ પ્રમાણે સ્ટાફે સાફસફાઈના નામે સગેવગે કરી દીધી હોવી જોઈએ.

22 માર્ચે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ત્રણ હાઇકોર્ટ જજોની એક સમિતિ બનાવીને તપાસના આદેશ આપ્યા. આ સમિતિએ પોતાનો રિપોર્ટ 4 મે, 2025ના દિવસે CJIને રજૂ કર્યો હતો. આ રિપોર્ટ અને યશવંત વર્માનો જવાબ CJIએ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલી આપ્યા હતા.

અહીંથી ન્યાયતંત્રનું કામ પૂરું થયું અને સરકારનું શરૂ થયું.

2025ના સંસદના ચોમાસું સત્રમાં જસ્ટિસ વર્માને પદ પરથી દૂર કરવા માટે એક મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. લોકસભા સ્પીકરે ત્યારબાદ નિયમો અનુસાર ત્રણ જજોની એક સમિતિ બનાવી હતી.

આ સમિતિની રચના ઑગસ્ટ 2025માં થઈ. સપ્ટેમ્બરમાં કમિટીએ કામ શરૂ કર્યું અને માર્ચમાં લોકસભા સ્પીકરને રિપોર્ટ સુપરત કર્યો હતો. આ ચોમાસું સત્રમાં હવે રિપોર્ટ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો.

દરમ્યાન જસ્ટિસ વર્માએ આ કમિટી રચવાના લોકસભા સ્પીકરના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી પણ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને અરજી ફગાવી દીધી હતી.

એ પણ સ્મરણ રહે કે જસ્ટિસ વર્માએ એપ્રિલ 2026માં રાજીનામું આપી દીધું હતું. જોકે રાજીનામું સ્વીકારવામાં આવ્યું હોવાનું ગેઝેટ પ્રકાશિત થયું નથી.

હવે સંસદમાં આગળ કાર્યવાહી ચાલશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં