દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના (Yashvant Varma) ઘરેથી રોકડ રકમ મળી આવ્યાની પુષ્ટિ થયા બાદ ચીફ જસ્ટિસે ત્રણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની એક સમિતિ બનાવીને તપાસ સોંપી છે. આ બાબતની જાણકારી સુપ્રીમ કોર્ટ તરફથી જ આપવામાં આવી. સાથે કોર્ટે જસ્ટિસ વર્માના ઘરે આગ લાગ્યા બાદ મળી આવેલી ચલણી નોટોનો એક વિડીયો પણ જાહેર કર્યો, જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે રોકડ રકમ વાસ્તવમાં મળી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે અન્ય દસ્તાવેજો પણ સાર્વજનિક કર્યા છે, જે સામાન્ય રીતે થતું હોતું નથી, પરંતુ આ કેસ અપવાદ બનીને સામે આવ્યો છે.
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ઉપર દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે CJIને સોંપેલો રિપોર્ટ, જસ્ટિસ યશવંત વર્માએ આરોપો પર આપેલો જવાબ અને સાથે ફોટા-વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે. જેનાથી ઘણુંખરું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે.

ચીફ જસ્ટિસ ઑફ દિલ્હી હાઇકોર્ટના રિપોર્ટમાં શું છે?
21 માર્ચના રોજ CJIને સોંપેલા રિપોર્ટમાં દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે જણાવ્યું છે કે, 15 માર્ચની સાંજે તેઓ લખનૌમાં હતા ત્યારે દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોડાનો તેમને કૉલ આવ્યો હતો, જેમણે જણાવ્યું કે 14 માર્ચની રાત્રે લગભગ 11:30 વાગ્યે તુગલક રોડ પર સ્થિત એક બંગલાના સ્ટોર રૂમમાં આગ લાગી ગઈ હતી અને આ બંગલો જસ્ટિસ વર્માને ફાળવવામાં આવ્યો છે.
કમિશનરના કૉલ બાદ તુરંત તેમણે આ બાબતની જાણ CJI સંજીવ ખન્નાને કરી હતી. તેમના આદેશ પર પછીથી પોલીસ પાસેથી વધુ માહિતી મેળવવામાં આવી.
આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પોલીસ કમિશનર પાસેથી જાણવા મળ્યું કે, પોલીસને આગ લાગી હોવાની જાણ જસ્ટિસ વર્માના પર્સનલ સેક્રેટરી દ્વારા કરવામાં આવી હતી. પર્સનલ સેક્રેટરીને જસ્ટિસ વર્માના ઘરે કામ કરતા એક કર્મચારીએ જાણ કરી હતી. એ પણ સ્પષ્ટ થયું કે ફાયર વિભાગને અલગથી જાણ થઈ ન હતી પણ પોલીસને કહેવામાં આવ્યું એટલે આપોઆપ ફાયર વિભાગને કૉલ પહોંચી ગયો હતો અને તેઓ હરકતમાં આવી ગયા હતા.
કમિશનરે દિલ્હી જસ્ટિસ ઉપાધ્યાયને જણાવ્યું કે, આગ જ્યાં લાગી એ સ્ટોર રૂમ ગાર્ડ રૂમથી નજીક છે, જ્યાં CRPFના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. આ રૂમ કાયમ લૉક જ રાખવામાં આવતો હતો. હવે મુખ્ય વાત આવે છે.

દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, જસ્ટિસ વર્માના ઘરે ફરજ પર હાજર સુરક્ષાકર્મીએ જણાવ્યું હતું કે 15 માર્ચની સવારે (એટલે આગ લાગી ત્યારપછીની સવાર) અમુક કાટમાળ અને અડધી સળગેલી અમુક ચીજો સ્ટોર રૂમાંથી હટાવવામાં આવી હતી.
કમિશનર પાસેથી આ જાણકારીઓ મેળવ્યા બાદ જસ્ટિસ ઉપાધ્યાયે તેમના રજિસ્ટ્રાર કમ સેક્રેટરીને સ્થળ મુલાકાત લેવાની અને તેનો રિપોર્ટ સુપરત કરવાની સૂચના આપી. ત્યારબાદ રજિસ્ટ્રાર 15 માર્ચની રાત્રે 9:10 કલાકે જસ્ટિસ વર્માના નિવાસસ્થાને પહોંચ્યા.
તેમણે દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસને સોંપેલા રિપોર્ટ અનુસાર, પ્રાઇવેટ સેક્રેટરીએ રજિસ્ટ્રારને જણાવ્યું કે રૂમનો ઉપયોગ સ્ટોર રૂમ તરીકે થતો હતો અને ઘરવખરીની બિનઉપયોગી ચીજો રાખવામાં આવતી હતી અને રૂમ લૉક કરવામાં આવ્યો ન હતો. રજિસ્ટ્રારે જણાવ્યું કે, તેઓ પહોંચ્યા તો રૂમમાં સંપૂર્ણ અંધારું હતું અને દીવાલો પર તિરાડો પડી ગઈ હતી. મોબાઇલ ફોનની ટોર્ચથી જોતાં દીવાલો આગના કારણે કાળી પડી ગયેલી દેખાઈ અને છત પરથી અમુક મટિરિયલ લટકી રહ્યું હતું. અડધી બળેલી ચીજો પણ જોવા મળી. આઠ-દસ મિનિટ બાદ તમામ રૂમમાંથી બહાર આવી ગયા.
16 માર્ચની સાંજે જસ્ટિસ ઉપાધ્યાય પરત ફર્યા અને તુરંત CJI ખન્ના સાથે મુલાકાત કરી અને તેમની પાસે જે વિગતો હતી એ આપવામાં આવી. CJIના આદેશ પર પછીથી દિલ્હી હાઇકોર્ટના CJ જસ્ટિસ વર્માને મળ્યા, જે મુલાકાત 17 માર્ચની સવારે દિલ્હી હાઇકોર્ટના ગેસ્ટ હાઉસમાં થઈ.
જસ્ટિસ વર્માએ મુખ્ય ન્યાયાધીશને જણાવ્યું કે જ્યાં આગ લાગી હતી એ રૂમ સ્ટોર રૂમ તરીકે વપરાય છે અને ત્યાં કર્મચારીઓ, માળીઓ તમામ જઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘટના સમયે તેઓ ભોપાલમાં હતા અને આગની જાણકારી તેમની પુત્રી આપી હતી. ત્યારબાદ જસ્ટિસ ઉપાધ્યાયે તેમને એ ફોટોગ્રાફ અને વિડીયો બતાવ્યા, જે તેમને દિલ્હી પોલીસ કમિશનરે મોકલ્યા હતા અને જેમાં ચલણી નોટો જોવા મળે છે. તેને લઈને જસ્ટિસ વર્માએ તેમને કહ્યું કે આ તેમના વિરુદ્ધ કોઈ કાવતરું હોય શકે છે.
આ ફોટો અને વિડીયો પછીથી CJI ખન્નાને પણ મોકલવામાં આવ્યા. દિલ્હી હાઇકોર્ટ CJએ રિપોર્ટમાં આગળ જણાવ્યું છે કે, 20 માર્ચે CJI સંજીવ ખન્ના તરફથી તેમને જણાવવામાં આવ્યું કે જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ હાઇકોર્ટ પરત મોકલવાની વિચારણા ચાલી રહી છે, જેને ન્યાયના હિતમાં તેમણે પોતે પણ સમર્થન આપ્યું.

અંતિમ અને મહત્વના ફકરામાં દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ લખે છે કે, ઘટનાના અહેવાલો, ઉપલબ્ધ સામગ્રી અને જસ્ટિસ વર્માના જવાબ પરથી એ તારણ નીકળે છે કે, કમિશનરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે જસ્ટિસ વર્માના ઘરે ફરજ પર હાજર ગાર્ડ અનુસાર આગ લાગી ત્યારપછીની એટલે કે 15 માર્ચની સવારે અમુક કાટમાળ અને અન્ય અડધી સળગેલી ચીજો રૂમમાંથી હટાવવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ પરથી લાગે છે કે બંગલામાં જેઓ રહે છે તેમના સિવાય ત્યાં કોઈ જઈ-આવી શકે એમ નથી. જેથી આ મામલે વિસ્તૃત તપાસની જરૂર જણાય છે.
CJI ખન્નાએ માંગી વધુ માહિતી: પૈસા ક્યાંથી આવ્યા? કોણે હટાવ્યા?
દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ઉપાધ્યાયનો રિપોર્ટ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ 21 માર્ચના રોજ તેમને એક પત્ર લખીને જસ્ટિસ વર્મા પાસેથી અમુક બાબતોને લઈને વધુ સ્પષ્ટતા માંગવાની સૂચના આપી.

- પરિસરમાંથી મળી આવેલી રોકડ રકમનો તેમની પાસે શું હિસાબ છે?
- આ પૈસા ક્યાંથી આવ્યા?
- 15 માર્ચ, 2025ની સવારે રૂમમાંથી રોકડ રકમ અને સળગી ગયેલી નોટો કોણે હટાવી હતી?
સાથે એ પણ આદેશ આપવામાં આવ્યા કે જસ્ટિસ વર્માના ઘરે છેલ્લા છ મહિનામાં જે સ્ટાફ મૂકવામાં આવ્યો તેની પણ વિગતો મેળવવામાં આવે અને અધિકારીઓ અને જસ્ટિસના ફોન રેકોર્ડ્સ પણ કાઢવામાં આવે. જસ્ટિસ વર્માએ સૂચના આપવામાં આવે કે તેઓ મોબાઇલ ફોન નષ્ટ કરી શકશે નહીં કે તેમાંથી કોઈ પણ ડેટા આમતેમ કરી શકશે નહીં.
જસ્ટિસ વર્માએ શું જવાબ આપ્યો?
દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને રજૂ કરેલા જવાબમાં જસ્ટિસ યશવંત વર્માએ પોતાની ઉપરના તમામ આરોપો નકારી દીધા છે અને તેમને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે તેમના બંગલાના પરિસરમાંથી મળી આવેલી રોકડ રકમ તેમની કે પરિવારની નથી.
જસ્ટિસ વર્મા જવાબમાં કહે છે કે, રૂમ ખુલ્લો જ હતો અને આગલા દરવાજા અને સ્ટાફ ક્વાર્ટરના પાછલા દરવાજાથી આવ-જા કરી શકાતી હતી. સાથે એવું પણ કહ્યું કે એ મુખ્ય નિવાસસ્થાનનો ભાગ નથી. આગની ઘટના વિશે કહ્યું કે, રાત્રે આગ લાગી હતી અને તેની જાણ તેમની પુત્રી અને પ્રાઇવેટ સેરેક્ટરીએ ફાયર વિભાગને કરી હતી. આગ ઓલવતી વખતે ઘરના સભ્યો અને કર્મચારીઓને બહાર નીકળી જવા માટે કહેવામાં આવ્યું. આગ ઓલવાઈ અને તેઓ પરત સ્થળ પર પહોંચ્યા તો તેમને સ્થળ પર કોઈ ચલણી નોટો મળી ન હતી તેવો દાવો જસ્ટિસ વર્માએ કર્યો છે.

જવાબમાં તેઓ કહે છે કે, “હું સ્પષ્ટપણે જણાવું છું કે સ્ટોરરૂમમાં મારા કે મારા પરિવારના કોઈ પણ સભ્ય દ્વારા કોઈ રોકડ રકમ મૂકવામાં આવી ન હતી અને તે પૈસા અમારા છે તેવા આરોપોને હું સદંતર નકારી કાઢું છું. આ રોકડ રકમ અમારા દ્વારા ત્યાં મૂકવામાં આવી હતી એવા આરોપો મૂર્ખતાપૂર્ણ છે. કોઈ પણ વ્યક્તિ આ રીતે ખુલ્લામાં, કોઈ પણ જઈ શકતું હોય ત્યાં અને સામાન્ય ઉપયોગ માટેના સ્ટોરરૂમમાં પૈસા મૂકે નહીં.”
જવાબમાં જસ્ટિસ વર્મા આગળ જણાવે છે કે, કમિશનર દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો-ફોટોગ્રાફમાં જે દર્શાવવામાં આવ્યું છે એમાંનું ત્યારે તેમણે બીજા દિવસે આવીને જોયું ત્યારે કશું જ ન હતું. તેઓ આગળ કહે છે કે, “મને લાગે છે કે આ મને બદનામ કરવાનું કાવતરું છે. આ પૈસા મારા કે મારા પરિવારના કોઈ સભ્ય દ્વારા મૂકવામાં આવ્યા નથી. તેમજ અમે જે કોઈ નાણાકીય વ્યવહારો કરીએ છીએ તે રેગ્યુલર બેન્કિંગ ચેનલ દ્વારા થાય છે.”
જસ્ટિસ વર્મા કહે છે કે, “જ્યારે સ્થળ અમને પરત સોંપવામાં આવ્યું ત્યારે પણ અમને કોઈ ચલણી નોટો મળી ન હતી કે ફાયર વિભાગના કર્મચારીઓ કે પોલીસે સ્થળ છોડ્યું ત્યારે પણ આ પ્રકારે કોઈ ચલણી નોટ મળી આવી હોવાની જાણ કરવામાં ન આવી. ચીફ ફાયર ઑફિસરના નિવેદન પરથી પણ આ સ્પષ્ટ થાય છે.” જોકે એ નોંધવું જોઈએ કે ફાયર ઑફિસરે પોતે સ્થળ પરથી પૈસા ન મળ્યા હોવાનું મીડિયામાં જણાવ્યું હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે આવું કોઈ નિવેદન પોતે આપ્યું નથી.
જજ કહે છે કે જો આવી કોઈ ચલણી નોટો મળી આવી હોય તો તેનું અસ્તિત્વ હાલ કેમ નથી? ઉપરાંત મારી પુત્રી કે સેક્રેટરીને પણ આવી કોઈ ચલણી નોટો બતાવવામાં આવી નથી. હું મારા એ સ્ટેન્ડ પર અડગ છું કે સ્ટોરરૂમમાં કોઈ ચલણી નોટો ન હતી. તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને પોતાને આરોપોમાંથી મુક્ત કરવાની વિનંતી કરી છે.
આ ઘટનાક્રમમાં અત્યાર સુધી આટલી વિગતો સામે આવી છે. વધુ તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્મિત સમિતિ કરી રહી છે.
(નોંધ: અહેવાલમાં સામેલ સુપ્રીમ કોર્ટના ડોક્યુમેન્ટ્સમાં અમુક ગોપનીય માહિતી છતી ન થાય તે માટે ઢાંકી દેવામાં આવી છે. સંપૂર્ણ અહેવાલ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરથી મેળવી શકાશે.)