ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) અત્યાર સુધી ચંદ્ર, મંગળ અને સૂર્ય સુધી પહોંચીને વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. પરંતુ હવે ભારતના ખાનગી સ્પેસ સેક્ટરે પણ એક નવો ઇતિહાસ રચી દીધો છે. શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’એ (Skyroot Aerospace) દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ લૉન્ચ વ્હીકલ ‘વિક્રમ-1’નું (Vikram-1) સફળ લૉન્ચિંગ કર્યું છે. આ સફળતા ભારતના કોમર્શિયલ સ્પેસ ઈકોસિસ્ટમ માટે એક સીમાચિહ્નરૂપ ઘટના સાબિત થશે.
શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટર પરથી સવારે 11:30 વાગ્યે ‘મિશન આગમન’ (Mission Aagaman) અંતર્ગત આ ફોર-સ્ટેજ રોકેટે સફળ ઉડાન ભરી હતી. આ લૉન્ચિંગ સાથે જ સ્કાયરૂટ એરોસ્પેસ લો-અર્થ ઓર્બિટમાં (LEO) પેલોડ્સ સ્થાપિત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપની બની ગઈ છે. વર્ષ 2020માં કેન્દ્ર સરકારે સ્પેસ સેક્ટરને પ્રાઈવેટ કંપનીઓ માટે ખુલ્લું મૂક્યા બાદ આ સૌથી મોટી અને ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે.
We'll be going live for India's first private orbital launch. 🚀
— Skyroot Aerospace (@SkyrootA) July 18, 2026
Watch Vikram-1's Test Flight-1 — Mission Aagaman — live on YouTube today.
Set your reminder and fly with us. ▶️🔗https://t.co/xNes7DbvcM #Vikram1 #MissionAagaman #SkyrootAerospace #OpeningSpaceForAll pic.twitter.com/dp9ofq5uTc
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ક્ષણને બિરદાવતા તેને ભારતીય સ્પેસ સેક્ટરની એક નવી સરહદ ગણાવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું હતું કે વિક્રમ-1 રોકેટ નાના સેટેલાઇટ્સને ઝડપી અને ઓન-ડિમાન્ડ લૉન્ચિંગ સુવિધા આપવા માટે તૈયાર કરાયું છે.
A historic new frontier for India’s space journey!
— Narendra Modi (@narendramodi) July 18, 2026
At 11:30 AM today, Skyroot Aerospace will undertake the maiden orbital launch of Vikram-1, India’s first privately developed launch vehicle.
This four-stage rocket is designed to provide rapid and on-demand launch services.… pic.twitter.com/1qFVTwNOuZ
તેમણે ઉમેર્યું કે આ મિશન ભારતના યુવાનોની પ્રતિભા અને સાહસિકતાનું પ્રતીક છે અને દેશના સ્પેસ રિફોર્મ્સની સફળતા દર્શાવે છે. ઇસરોના પૂર્વ ચેરમેન એસ. સોમનાથે પણ સ્કાયરૂટની ટીમને અભિનંદન આપતા કહ્યું કે આ માત્ર એક રોકેટ લૉન્ચ નથી, પરંતુ ભારતમાં પ્રાઈવેટ રોકેટ નિર્માણ ક્ષમતાની વિધિવત શરૂઆત છે.
સ્કાયરૂટની યાત્રા અને ‘સ્પેસ કેબ’ વિઝન
વર્ષ 2018માં સ્થપાયેલી સ્કાયરૂટ એરોસ્પેસ આજે ભારતની ખાનગી સ્પેસ ક્રાંતિનો મુખ્ય ચહેરો બની ગઈ છે. તાજેતરમાં જ કંપની 1.1 બિલિયન ડૉલરના મૂલ્યાંકનને પાર કરીને ભારતની પ્રથમ સ્પેસ-ટેક ‘યુનિકોર્ન’ (Unicorn) બની છે, જે તેને દેશનું સૌથી મૂલ્યવાન પ્રાઈવેટ સ્પેસ સ્ટાર્ટઅપ બનાવે છે. વૈશ્વિક કક્ષાએ સ્પેસ માર્કેટમાં ભારતનું નામ રોશન કરવામાં આ કંપની મોખરે રહી છે.
આ કંપનીની સ્થાપના પવન કુમાર ચંદના અને નાગા ભરત ડાકા નામના બે ભૂતપૂર્વ ઇસરો (ISRO) એન્જિનિયરોએ કરી હતી. બંનેએ દેશ સેવા અને પોતાનાં સપનાંને સાકાર કરવા માટે સરકારી નોકરીના સુરક્ષિત રસ્તા છોડીને જોખમ ખેડવાનું નક્કી કર્યું હતું. તેમનો દ્રઢ વિશ્વાસ હતો કે ભારતમાં વૈશ્વિક સ્તરે નાના સેટેલાઇટ લૉન્ચિંગ માર્કેટમાં સ્પર્ધા કરવા માટે પૂરતી એન્જિનિયરિંગ પ્રતિભા અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ઉપલબ્ધ છે.

સ્કાયરૂટનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિક્ષમાં નાના સેટેલાઇટ્સ મોકલવા માંગતા ગ્રાહકોને એક સમર્પિત ‘ઓન-ડિમાન્ડ’ સેવા પૂરી પાડવાનો છે. ગ્રાહકોએ મોટા લૉન્ચ વ્હીકલ માટે મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવી ન પડે તે માટે કંપની કામ કરી રહી છે. કંપનીના સીઈઓ પવન ચંદનાએ આ બિઝનેસ મોડલને રાઇડ-હેલિંગ સર્વિસ જેમ કે ઉબેર કે ઓલા કેબ સાથે સરખાવતા કહ્યું હતું કે, જેમ ટૂંકા અંતર માટે ટ્રેનની જગ્યાએ ટેક્સી બુક કરવામાં આવે છે, તેમ અમારું રોકેટ અંતરિક્ષ માટે એક ‘કેબ સર્વિસ’ તરીકે કામ કરશે.
ઇસરોના અનુભવથી યુનિકોર્ન સુધીની સફર
નોંધનીય છે કે સ્કાયરૂટની સફળતાનો પાયો વાસ્તવમાં ઇસરોની અંદર જ નખાયો હતો. પવન ચંદના અને ભરત ડાકા બંને ઇસરોના હેવી-લિફ્ટ લૉન્ચ વ્હીકલ પ્રોગ્રામમાં કામ કરતા હતા. આ પ્રોગ્રામ બાદમાં LVM3 તરીકે ઓળખાયો અને ચંદ્રયાન-3ને ચંદ્ર પર લઈ ગયો. ત્યાં કામ કરતી વખતે જ તેમણે ગ્લોબલ પ્રાઈવેટ સ્પેસ ઈન્ડસ્ટ્રીના વિકાસ પર નજર રાખી હતી અને ભારતમાં પણ આવું જ કશુંક નવું કરવાનો સંકલ્પ કર્યો હતો.
#WATCH | Andhra Pradesh: Visuals from the Satish Dhawan Space Centre in Sriharikota; India's first privately developed orbital-class rocket, Vikram-1, will be launched from here shortly
— ANI (@ANI) July 18, 2026
Built by Hyderabad-based Skyroot Aerospace, Vikram-1 is powered by three solid-fuel stages… pic.twitter.com/f0ch6KvahX
વર્ષ 2018માં ઇસરો છોડ્યા બાદ 2020માં ભારત સરકારે લાવેલ ઐતિહાસિક સ્પેસ સુધારાઓ તેમના માટે વરદાન સાબિત થયા. આ સુધારાઓ હેઠળ ખાનગી કંપનીઓને રોકેટ અને સેટેલાઇટ બનાવવાની તથા ઇસરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાની છૂટ મળી. ‘ઇન-સ્પેસ’ના (IN-SPACe) અહેવાલ મુજબ, આ રિફોર્મ્સ પહેલા દેશમાં માંડ અડધો ડઝન સ્પેસ સ્ટાર્ટઅપ્સ હતા, જેની સંખ્યા આજે વધીને 400થી વધુ થઈ ગઈ છે.
સ્કાયરૂટે આ પહેલાં નવેમ્બર 2022માં ‘વિક્રમ-એસ’ (Vikram-S) સબઓર્બિટલ રોકેટ લૉન્ચ કરીને ભારતની પ્રથમ પ્રાઈવેટ સ્પેસ કંપની બનવાનું ગૌરવ મેળવ્યું હતું. તે મિશને કંપનીની સ્વદેશી ટેકનોલોજીની ક્ષમતા સાબિત કરી આપી હતી. આજે હૈદરાબાદમાં કંપનીના વિશાળ મેક્સ-ક્યુ (Max-Q) ફેસિલિટી અને ઇન્ફિનિટી કેમ્પસમાં લગભગ 1,000 કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં કામ કરે છે. કંપનીનો ટાર્ગેટ દર મહિને એક રોકેટ બનાવવાનો અને ગણતરીના 72 કલાકમાં તેને લૉન્ચિંગ માટે તૈયાર કરવાનો છે.
વિક્રમ-1 રોકેટની વિશેષતાઓ
ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી બનેલું ‘વિક્રમ-1’ રોકેટ 24 મીટર (અંદાજે 22 મીટર પ્રિન્ટેડ સ્ટ્રક્ચર) ઊંચું છે. તે મુખ્યત્વે હલકા વજનના કાર્બન-કમ્પોઝિટ મટીરિયલથી તૈયાર કરવામાં આવ્યું છે. આ ફોર-સ્ટેજ રોકેટના પ્રથમ ત્રણ સ્ટેજમાં સોલિડ-ફ્યુઅલ પ્રોપલ્શન અને છેલ્લા સ્ટેજમાં લિક્વિડ-ફ્યુઅલ ઓર્બિટલ એડજસ્ટમેન્ટ મોડ્યુલ છે, જે સેટેલાઇટને ચોક્કસ કક્ષામાં સ્થાપિત કરવામાં મદદ કરે છે. તે 350 કિલો સુધીના પેલોડને લો-અર્થ ઓર્બિટમાં લઈ જવા સક્ષમ છે.
Vikram-1 Test Flight-1's journey from lift-off at the historic first launch pad in Sriharikota 🚀#Vikram1 #OpeningSpaceForAll #SkyrootAerospace pic.twitter.com/DNMOyrdLjF
— Skyroot Aerospace (@SkyrootA) July 18, 2026
‘મિશન આગમન’ અંતર્ગત ભારતીય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો જેમ કે ગ્રાહા સ્પેસ, કોસ્મોસર્વ, ડીક્યુબ્ડ વગેરેના અનેક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન પેલોડ્સ મોકલવામાં આવ્યા હતા. આ મિશનમાં બેંગલુરુના કોસ્મોસ ડાયમંડ્સનું ‘ડાયમંડ લોટસ’ નામનું માઇક્રો-આર્ટ ઇન્સ્ટોલેશન પણ સામેલ હતું, જે ભારતની કલાત્મકતા દર્શાવે છે. આ ઉપરાંત ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને નોબેલ વિજેતા સર સી.વી. રામનની નાની પ્રતિકૃતિઓ પણ મોકલાઈ હતી.
આ ઐતિહાસિક મિશનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાથથી લખેલું એક પોસ્ટકાર્ડ પણ મોકલવામાં આવ્યું હતું, જેના પર ‘વંદે માતરમ્’ લખેલું હતું. તેની સાથે ભારતીય વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને અવકાશયાત્રીઓની સિગ્નેચરવાળી નોટ્સ પણ સામેલ હતી. આ મિશનનો મુખ્ય હેતુ પેલોડ સ્થાપિત કરવાની સાથે વિક્રમ-1ની નેવિગેશન, ગાઈડન્સ અને ફ્લાઇટ સિસ્ટમને સંપૂર્ણપણે ચકાસવાનો હતો.
ભવિષ્યના લક્ષ્યો અને દેશનો ગર્વ
સ્કાયરૂટ એરોસ્પેસ માટે આ મિશન માત્ર એક શરૂઆત છે. કંપની કોમર્શિયલ ઑપરેશન શરૂ કરતા પહેલાં હજી એક ટેસ્ટ ફ્લાઇટનું આયોજન કરશે. હાલમાં કંપની ‘વિક્રમ-2’ (Vikram-II) નામના વધુ શક્તિશાળી લૉન્ચ વ્હીકલ પર પણ કામ કરી રહી છે, જે વધારે વજન ધરાવતા સેટેલાઇટ્સને ઊંચી કક્ષામાં લઈ જઈ શકશે. લાંબાગાળે કંપની સ્પેસએક્સની જેમ રિયુઝેબલ રોકેટ બનાવવાની ટેકનોલોજી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ભારત જ્યારે ગગનયાન, 2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મોકલવાના મહત્વાકાંક્ષી લક્ષ્યો તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સ્કાયરૂટ જેવી ખાનગી કંપનીઓ ઇસરોનો કોમર્શિયલ લોડ ઓછો કરવામાં મોટી ભૂમિકા ભજવશે. આ સફળતા દેશના સ્પેસ માર્કેટને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવશે.
અંતમાં, વિક્રમ-1નું આ મિશન ભારતીય સ્પેસ ઈન્ડસ્ટ્રી માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું છે. વર્ષો પહેલાં સુરક્ષિત સરકારી નોકરીઓ છોડીને એક સપનું જોનારા બે યુવા વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે ભારતની સ્પેસ યાત્રામાં હવે માત્ર સરકારી એજન્સી જ નહીં, પણ દેશના સામાન્ય યુવાનો અને ખાનગી કંપનીઓ પણ ગર્વભેર નેતૃત્વ કરી શકે છે.


