દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માના (Justice Yashvant Varma) નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગ્યા બાદ મોટી માત્રામાં રોકડ રકમ મળી આવવા મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા નિર્મિત ત્રણ જજોની પેનલે પોતાનો રિપોર્ટ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાને સોંપ્યો હતો. આ રિપોર્ટ હવે સામે આવ્યો છે. જેમાં પેનલે તમામ તપાસ, સાક્ષીઓનાં નિવેદનો, તથ્યો અને પુરાવાઓને રેકર્ડ પર લઈને નોંધ્યું છે કે જસ્ટિસ વર્માના ઘરેથી પૈસા મળી આવ્યા હતા એ પુરવાર થયું છે અને તેના વિશે તેઓ પર્યાપ્ત ખુલાસા આપી શક્યા નથી.
સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની પેનલે કુલ 55 સાક્ષીઓની ઉલટતપાસ કરી, વિડીયો અને ફોટોગ્રાફ વગેરે ધ્યાને લીધા અને 64 પાનાંનો સમગ્ર રિપોર્ટ CJIને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં પેનલે જસ્ટિસ વર્મા વિરુદ્ધ લાગેલા આરોપોને સાચા ઠેરવીને તેમને દૂર કરવાની માંગ કરી હતી. જેને પછીથી CJIએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મોકલી આપ્યો હતો. હવે નિર્ણય સરકારે કરવાનો છે. સરકાર આગામી ચોમાસું સત્રમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ લાવી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. કારણ કે જસ્ટિસ વર્મા રાજીનામું આપવાનો ઇનકાર કરી ચૂક્યા છે.
પેનલના રિપોર્ટની વાત કરવામાં આવે તો અંતિમ બે ફકરા અતિમહત્ત્વના છે. જેમાં જણાવવામાં આવ્યું કે, “કમિટી એ નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે જસ્ટિસ વર્માને ફાળવવામાં આવેલા નવી દિલ્હીના 30 તુગલક રોડ પરના નિવાસસ્થાનના સ્ટોર રૂમમાંથી રોકડ રકમ મળી આવી હતી. સ્ટોર રૂમ ઉપર સંપૂર્ણ પણે જસ્ટિસ વર્મા અને તેમના પરિવારનું જ નિયંત્રણ હતું અને તમામ પુરાવાઓ પરથી એ પણ સાબિત થાય છે કે 15 માર્ચની સવાર સુધીમાં રૂમમાંથી રોકડ રકમ દૂર કરી દેવામાં આવી હતી.”
સમિતિ આગળ કહે છે કે, “ડાયરેક્ટ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓના આધારે સમિતિ એ ઠોસ નિષ્કર્ષ ઉપર પહોંચી છે કે 22 માર્ચ, 2025ના મુખ્ય ન્યાયાધીશના પત્રમાં જે આરોપોની ચર્ચા કરવામાં આવી હતી તેનો ઠોસ આધાર જોવા મળે છે અને જે ગેરરીતિ સામે આવી છે તેને જોતાં જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવવી જોઈએ.”

સમિતિએ પણ પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે જસ્ટિસ વર્મા જે રૂપિયા પોતાના ન હોવાનો દાવો કરી રહ્યા છે, તેને પુરવાર કરી શક્યા નથી. બીજી તરફ રેકર્ડ ઉપર ઉપલબ્ધ પુરાવાઓ અને તથ્યોને જોતાં એ બાબત સ્પષ્ટ છે કે રોકડ રકમ મળી આવી હતી. સમિતિએ કહ્યું કે, હવે જ્યારે રૂમમાં રોકડ રકમ મળી આવી હોવાની વાત પુરવાર થઈ ચૂકી છે તો એ પૈસા ક્યાંથી આવ્યા એ જણાવવાનું કામ જસ્ટિસ વર્માનું છે. જે તેઓ જણાવી શક્યા નથી અને પૈસા તેમના ન હોવાની અને બીજા કોઈએ મૂકી દીધા હોવાની વાતની પણ ક્યાંય સાબિતી આપી શક્યા નથી.
સમિતિએ રૂપિયા હટાવવામાં આવ્યા હોવાની વાત પણ રિપોર્ટમાં જણાવી છે. જેમાં કહેવામાં આવ્યું કે, સાક્ષીઓનાં નિવેદનો, ઇલેક્ટ્રોનિક પુરાવા અને તથ્યો તેમજ જસ્ટિસ વર્મા અને તેમના સ્ટાફ દ્વારા નિવેદનોમાં જે વિસંગતતા જોવા મળી રહી છે તેને જોતાં સમિતિ એ નિષ્કર્ષ ઉપર પહોંચી છે કે જસ્ટીસ વર્માના પ્રાઇવેટ સેક્રેટરી અને અન્ય વિશ્વાસુ સ્ટાફ દ્વારા 15 માર્ચની સવારે અડધી બળી ગયેલી ચલણી નોટો દૂર કરી દેવામાં આવી હતી.
સમગ્ર વિવાદ વિશે ટૂંકમાં ચર્ચા કરીએ તો, ગત 14 માર્ચની રાત્રે (જ્યારે હોળી હતી) જસ્ટિસ વર્માના (જેઓ ત્યારે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ હતા) તુગલક રોડ સ્થિત સરકારી નિવાસસ્થાને આગ લાગી ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી. ફાયર વિભાગે જઈને જોયું તો જે સ્ટોર રૂમમાં આગ લાગી હતી ત્યાંથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી, જેમાં અડધી ચલણી નોટો બળી ગઈ હતી. ત્યારબાદ આ મામલે પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી, જેમણે પછીથી દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને જાણ કરી અને તેમણે તત્કાલીન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સંજીવ ખન્નાને જાણ કરી.
બીજી તરફ, ઘટનાના એક અઠવાડિયા પછી અખબારો અને મીડિયામાં આ વિગતો આવી ગઈ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એક સમિતિ નીમીને મામલાની તપાસ સોંપી હતી. સમિતિએ થોડા સમય પહેલાં પોતાનો રિપોર્ટ જસ્ટિસ ખન્નાને સોંપી દીધો હતો. સમિતિએ પોતાના રિપોર્ટમાં જસ્ટિસ વર્માને હટાવવાની ભલામણ કરી હતી. ત્યારબાદ CJI ખન્નાએ જસ્ટિસ વર્માને રાજીનામું આપવા માટે જણાવ્યું હતું, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો. જેના કારણે રિપોર્ટ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યો. હવે જો સરકાર મહાભિયોગ પ્રસ્તાવ લાવે તો જસ્ટિસ વર્માએ તેનો સામનો કરવો પડશે અને જો પસાર થઈ ગયો તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે.