રવિવારે (26 એપ્રિલ) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાય તે પહેલાં અખબાર દિવ્ય ભાસ્કરે અંદરના પાને એક સમાચાર પ્રકાશિત કર્યા. સમાચારની હેડલાઇન છે– ‘PM મોદી આજે મતદાન નહીં કરે, અમિત શાહ ગુજરાત પહોંચી ગયા.’
રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણીની વ્યસ્તતા અને મન કી બાત કાર્યક્રમના આયોજનને કારણે ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન કરવા નહીં આવી શકે. તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના રાણીપના મતદાતા તરીકે નોંધાયેલા છે.’ ત્યારબાદ અમિત શાહ પરિવાર સાથે અમદાવાદમાં મતદાન કરશે એમ જણાવવામાં આવ્યું છે.

આટલું વાંચીને વાચકમાં અનેક ભ્રમ પેદા થઈ શકે. એક એ કે વડા પ્રધાન પોતે આટલા ઊંચા બંધારણીય પદ પર હોવા છતાં મતદાન કરતા નથી. બીજું, તેઓ અને તેમની પાર્ટી દરેક ચૂંટણીમાં લોકોને મતદાન કરવા માટે અપીલ કરતાં રહે છે પરંતુ પોતે અમલ કરતા નથી. અહીં ‘મન કી બાત’નો ઉલ્લેખ છે. ‘મન કી બાત’ વિશે પહેલેથી ઘણો પ્રોપગેન્ડા ચાલે છે અને વિપક્ષી ઇકોસિસ્ટમ કાયમ એને મોદી પોતાની છબી સુધારવા માટે સરકારી કાર્યક્રમનો ઉપયોગ કરતા હોવાના પાયાવિહોણા આરોપ લગાવતી રહે છે.
અહીં ‘મન કી બાત’નો ઉલ્લેખ વાંચીને લાગી શકે કે વડા પ્રધાન માટે મતદાન કરતાં ‘મન કી બાત’ વધારે મહત્ત્વની છે.
વાસ્તવમાં ભાસ્કરે લખેલી વાતો અર્ધસત્ય છે. વડા પ્રધાન પોતે મતદાન કરવા નહીં આવે એ વાત સાચી, પણ એનો અર્થ એ નથી કે તેમણે મતદાન કર્યું જ નથી. તેમણે પોતાનો મત પોસ્ટલ બેલેટથી મોકલી આપ્યો છે.
આ વાત કોઈ મોટી સિક્રેટ હોય એમ પણ નથી. ભાસ્કરના પત્રકારોએ મહેનત કરી હોત તો તેમને પણ જાણકારી મળી ગઈ હોત. એ પણ શક્ય છે કે જાણકારી હોવા છતાં લખ્યું નહીં હોય.
અનેક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. વડા પ્રધાને વ્યસ્તતાના કારણે પોતાનો મત પોસ્ટલ બેલેટથી મોકલી આપ્યો હતો. એવું પણ નથી કે તેમણે પહેલી વખત આમ કર્યું છે. આ અગાઉની સ્થાનિક ચૂંટણીઓમાં પણ તેમણે વૉટ પોસ્ટલ બેલેટથી આપ્યો હતો. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં તેઓ પોતે મતદાન માટે આવે છે.
દિવ્ય ભાસ્કરે રિપોર્ટમાં ક્યાંય પોસ્ટલ બેલેટવાળી વાત લખી નથી અને માત્ર ‘મોદી વ્યસ્તતાના કારણે મતદાન માટે નહીં આવે’ એમ લખીને પૂરું કરી દીધું છે. અન્ય આવૃત્તિઓમાં પણ આ સમાચાર થોડા વિગતવાર છપાયા છે, પરંતુ ત્યાં પણ પીએમ મોદી પોતાનો વૉટ પોસ્ટલ બેલેટથી આપશે એ હકીકત જણાવવામાં આવી નથી.

પહેલાં મુખ્યધારાના મીડિયાની, અખબારોની આવી બદમાશી ચાલી જતી હતી, હવેના સમયમાં સમાચારના અનેક સ્ત્રોત, માધ્યમો છે એટલે આ બદમાશી ઉઘાડી પડી જાય છે. છતાં શ્વાનની પૂંછડી સીધી થતી નથી.


