
ગુજરાત સરકારે સોમવારે (27 જુલાઈ) ‘ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી- 2026’નું વિધિવત લૉન્ચિંગ કર્યું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પોલિસી બહાર પાડી.
સરકારનું કહેવું છે કે આ પોલિસી તેની વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેકનોલોજી, સસ્ટેબલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી નીતિઓની મદદથી ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે પ્રસ્થાપિત કરશે.
રાજ્યનું વિકસિત બંદર માળખું, મજબૂત ઔદ્યોગિક પરિસ્થિતિ અને સમૃદ્ધ દરિયાઈ વારસો એ આ નીતિના મુખ્ય આધારસ્તંભો છે. આ નીતિ હેઠળ મુખ્ય સ્તંભો પર આધારિત બહુઆયામી વિકાસ વ્યૂહરચના અપનાવવામાં આવશે, જેમાં શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને ગ્રીન શિપયાર્ડ્સને પ્રોત્સાહન, શિપયાર્ડ્સને સ્માર્ટ શિપયાર્ડ્સમાં રૂપાંતરિત કરવું તથા શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને R&Dને પ્રોત્સાહન વગેરેનો સમાવેશ થાય છે.
ઉપરાંત આ નીતિ હેઠળ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક (IMSP)નો વિકાસ કરવામાં આવશે. આ પાર્કને વિશ્વસ્તરીય દરિયાઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવશે, તેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર્સ, પરીક્ષણ સુવિધાઓ, લોજિસ્ટિક્સ સપોર્ટ, R&D કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓનો પણ સમાવેશ થશે.
આ પહેલાં ભારત સરકારે પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે. આ અંગેના DPR પણ મેરિટાઈમ બોર્ડ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થતાં પ્રોજેક્ટ અમલીકરણમાં વેગ આવશે. આ ક્લસ્ટરમાં બેથી ત્રણ વિશ્વસ્તરીય શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનું મજબૂત નેટવર્ક વિકસાવવામાં આવશે. આ શિપયાર્ડ્સના વિકાસથી પણ અંદાજે ₹23,700 કરોડનું ખાનગી રોકાણ આકર્ષિત થવાની સંભાવના છે.
આ વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને બળ આપવા માટે આશરે ₹3,300 કરોડની સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવાશે. આ હેતુસર ભારત સરકારની Shipbuilding Development Scheme (SbDS) યોજના તથા ગુજરાત સરકાર દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓમાં બ્રેકવોટર્સ, ફ્લોટિંગ ક્રેન્સ, હેવી લિફ્ટ શિપસ, ડ્રેજિંગ, હાર્બર બેસિન વિકાસ, નેવિગેશન ચેનલો, રસ્તાઓ, વીજળી, પાણી પુરવઠો અને અન્ય સંયુક્ત ઉપયોગની સુવિધાઓનો સમાવેશ કરાશે.
આ સમગ્ર સંકલિત અભિગમને પરિણામે રોકાણકારો માટે માળખાકીય ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા પ્રોજેક્ટ અમલીકરણ ઝડપી બનશે અને વૈશ્વિક શિપબિલ્ડિંગ તથા મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર તરીકે ગુજરાતની સ્પર્ધાત્મકતા પણ વધશે.
રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ હેઠળ વિવિધ નાણાંકીય અને બિન-નાણાંકીય પ્રોત્સાહનો આપવામાં આવશે, તેમાં મૂડી સહાય, સ્ટેમ્પ ડ્યુટીની પરતફેર, વ્યાજ સહાય, ડ્રેજિંગ સહાય, MSMEs પાસેથી ખરીદીને પ્રોત્સાહિત કરવા સબસિડી, વીજળી દરમાં સહાય, પાણીના ચાર્જમાં સબસિડી, મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ માટે વિશેષ પ્રોત્સાહનો ઉપરાંત, નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસકાર્યો શરૂ કરનારા અર્લી બર્ડ રોકાણકારો માટે વિશેષ પ્રોત્સાહનો અપાશે.
આ પોલિસી હેઠળ સરળ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તથા સમર્પિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ વિકસાવવામાં આવશે, તેનાથી ઉદ્યોગોને સરળતાથી જરૂરી મંજૂરીઓ મળી રહેશે અને પ્રોજેક્ટ્સનું સમયસર અમલીકરણ થઈ શકેશે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ પોલિસી અંગેની ગાઈડલાઈન્સ પણ તૈયાર કરી દેવામાં આવી છે. જેથી ડેવલપર્સ અને રોકાણકારો માટે અરજી કરવા સહિતની પ્રક્રિયાઓ વધુ સરળ થશે તેમજ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશનમાં પણ ગતિ આવશે.

