કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પરીક્ષા ફ્રોડ અને પેપર લીક અટકાવવા અને કાયદાકીય માળખું વધારે મજબૂત કરવા માટે 2024ના પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એક્ટમાં સુધારો કરી રહી છે. આ માટે સોમવારે (27 જુલાઈ) સંસદમાં બિલ લાવવામાં આવશે.
આ સુધારા બિલને શુક્રવારે મળેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી હતી. તે પહેલાં ગુરુવારે વડા પ્રધાન મોદીએ એક સોશિયલ મીડિયા વિડીયોમાં જણાવ્યું હતું કે સરકાર પેપર લીક અને પરીક્ષાની બાબતોને ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં કડક પગલાં લેવામાં આવશે. ત્યારબાદ સરકારે તાત્કાલિક બિલ લાવવાનો નિર્ણય કર્યો હતો.
સુધારા બિલમાં પેપર લીક અને પરીક્ષા સંબંધિત ગુનાઓ માટે વધુ સજા, વધુ દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત પેપર લીક અને એક્ઝામ ફ્રોડના કેસ માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા અને જરૂર પડ્યે તપાસ માટે ટાસ્ક ફોર્સ બનાવવાની પણ જોગવાઈ ઉમેરવામાં આવી છે. સંગઠનાત્મક ગુનાઓ માટે પણ અલગથી જોગવાઈ થઈ છે.
સજા અને દંડ વધ્યાં
અત્યારના કાયદામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ગુનામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજાની જોગવાઈ છે. સરકાર તેમાં સુધારો કરીને ઓછામાં ઓછી સજા 5 વર્ષ અને વધુમાં વધુ સજા 10 વર્ષ કરી રહી છે.
આ સિવાય હાલ વધુમાં વધુ દંડ ₹10 લાખ હતો, તે હવે સીધો પાંચ ગણો વધારી દેવામાં આવ્યો છે. હવે આવા ગુનાઓમાં ગુનેગારોને ₹50 લાખ સુધી દંડ ફટકારી શકાશે.
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, સર્વિસ પ્રોવાઇડરો માટે કડક જોગવાઇઓ
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ માટે પણ અલગથી કડક જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. આવા ઓર્ગેનાઇઝ્ડ એક્ઝામ ફ્રોડ બદલ ઓછામાં ઓછી સજા પહેલાં પાંચ વર્ષ હતી, જે વધારીને 7 વર્ષ કરવામાં આવી છે. જ્યારે પહેલાં વધુમાં વધુ દંડ ₹1 કરોડ સુધીનો હતો, જે હવે ₹5 કરોડ સુધી કરવામાં આવ્યો છે.
જ્યારે કોઈ સર્વિસ પ્રોવાઇડર આવા ગુનાઓમાં સંડોવાય તો આવાં એકમોને ₹5 કરોડ સુધીનો દંડ થઈ શકશે. ઉપરાંત તેમની ઉપર જાહેર પરીક્ષાઓ યોજવા પર આઠ વર્ષ સુધીનો પ્રતિબંધ પણ લગાવી શકાશે. આ સર્વિસ પ્રોવાઇડરના ડાયરેક્ટર, સિનિયર મેનેજર કે અન્ય માણસો સંડોવાયેલા હોવાનું જણાય તો તેમને ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા થશે. ઉપરાંત ₹5 કરોડ સુધીનો દંડ ફટકારી શકાશે.
ટાસ્કફોર્સ બનાવી શકાશે, સ્પેશિયલ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે કેસ
સમયસર તપાસ થઈને ચુકાદો આવે તે માટે સરકાર કાયદામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાની પણ જોગવાઈ કરી રહી છે. ઉપરાંત આવા કેસોને કેન્દ્રીય એજન્સીઓને ટ્રાન્સફર કરી શકાશે. આ કેસોની તપાસ બે મહિનામાં પૂર્ણ કરવાની રહેશે.
ચાર્જશીટ દાખલ કરવામાં આવે તેના ત્રણ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાની રહેશે. તેના માટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવામાં આવશે અને આ કોર્ટ માત્ર આ એક્ટ હેઠળના ગુનાઓની જ સુનાવણી કરશે. કોર્ટ દરરોજ સુનાવણી હાથ ધરીને ત્રણ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરશે.
હાલ આ એક્ટ હેઠળ જે કોઈ કેસ અદાલતોમાં પેન્ડિંગ છે તે તમામ કેસો પણ આ કાયદો પસાર થયા બાદ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ હેઠળ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આ કોર્ટના ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટની ઓછામાં ઓછી બે જજની બેન્ચ વિરુદ્ધ અપીલ દાખલ કરવાની રહેશે અને હાઇકોર્ટ ત્રણ મહિનામાં આવી અપીલનો નિકાલ કરશે.
કેસો ઝડપી ચાલે તે માટે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવશે.
સરકારે બિલના ઉદ્દેશ્યોમાં જણાવ્યું છે કે જાહેર પરીક્ષાઓની પારદર્શિતા, વિશ્વસનીયતા અને અખંડિતતા જળવાય રહે તે માટે સુધારા કરવામાં આવી રહ્યા છે. આ સુધારાઓથી સમયસર તપાસ, ઝડપી ટ્રાયલ અને ઓર્ગેનાઈઝ્ડ એક્ઝામ ફ્રોડ વિરુદ્ધ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાશે.
બિલ સોમવારે (27 જુલાઈ) કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘ લોકસભામાં રજૂ કરશે. ત્યારબાદ રાજ્યસભામાં રજૂ કરાશે. દરમ્યાન સરકાર-વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થવાની પણ સંભાવના છે. સંસદનું સત્ર 20 જુલાઈથી શરૂ થઈ ચૂક્યું છે પરંતુ જંતર-મંતર પર ચાલેલા કોકરોચોના આંદોલનના કારણે એક પણ દિવસ કામકાજ ચાલી શક્યું ન હતું અને કાર્યવાહી સતત સ્થગિત થતી રહી.


