‘થોડી વધુ વાર રહ્યો હોત તો ઉપદ્રવી ટોળું મારી નાખત’: CJP પ્રદર્શન દરમિયાન હુમલાનો દિલ્હી પોલીસ ઇન્સ્પેક્ટરનો આરોપ, વ્યક્તિગત FIR નોંધાવશે

દિલ્હીમાં NEET પેપર લીક મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ફરજ પર તહેનાત દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર નંદ કિશોરે દાવો કર્યો છે કે પ્રદર્શન દરમિયાન તેમના પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો અને જો તેઓ સમયસર ત્યાંથી નીકળી શક્યા ન હોત તો ટોળું તેમને મારી નાખત. CNN-News18 સાથે વાત કરતા તેમણે કહ્યું કે આખી ઘટનામાં તેમનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો.

ઇન્સ્પેક્ટર નંદ કિશોરના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ છેલ્લું પોલીસ બેરિકેડ તોડી સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પથ્થરમારો કરનારા અને ચોરીમાં સામેલ કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ હુમલા માટે તેઓ પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસોથી અલગ પોતાની વ્યક્તિગત FIR પણ નોંધાવશે.

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે આ હિંસા દરમિયાન રેપિડ એક્શન ફોર્સ (RAF), CRPF અને દિલ્હી પોલીસના અન્ય જવાનો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમના પરિવાર પર પણ તેની ગંભીર માનસિક અસર પડી હોવાનું તેમણે જણાવ્યું. તેમની પુત્રીએ વિડીયો જોયા બાદ પરિવાર ખૂબ જ આઘાતમાં આવી ગયો હતો.

ઇન્સ્પેક્ટરે એવો પણ દાવો કર્યો કે પ્રદર્શનમાં કેટલાક અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા અને સુરક્ષાદળો પર હુમલા કર્યા હતા. તેમણે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે 20 જુલાઈએ મોનસૂન સત્રના પ્રથમ દિવસે સંસદ તરફ કૂચ કરી રહેલા CJP પ્રદર્શન દરમિયાન સ્થિતિ હિંસક બની ગઈ હતી. પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સુરક્ષાદળો પર હુમલા કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ હિંસામાં સ્પેશિયલ CP અને જોઈન્ટ CP સહિત 118થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

આ દરમિયાન દિલ્હી પોલીસની ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા જંતર-મંતર વિસ્તારમાં 2,000થી વધુ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની ઓળખ કરવામાં આવી હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય પ્રદર્શનકારીઓને નહીં, પરંતુ કાયદો-વ્યવસ્થાને ખોરવી શકે તેવા તત્વોને ઓળખવા માટે કરવામાં આવી રહ્યો છે.