બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપને ફરી સમન્સ: 23 સપ્ટેમ્બરે સુરત કોર્ટમાં હાજર થવાનો આદેશ

‘ફિલ્મ ડિરેક્ટર’ અનુરાગ કશ્યપ સામે બ્રાહ્મણ સમાજ વિશે કરવામાં આવેલી વાંધાજનક સોશિયલ મીડિયા ટિપ્પણીના કેસમાં કાનૂની મુશ્કેલીઓ વધુ વધી છે. સુરતની સ્થાનિક અદાલતે તેને ફરી સમન્સ પાઠવી 23 સપ્ટેમ્બર, 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

આ મામલે એડવોકેટ કમલેશ રાવલે બ્રાહ્મણ સમાજ વતી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ અનુરાગ કશ્યપે 19 માર્ચ, 2025ના રોજ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટથી બ્રાહ્મણ સમાજની ધાર્મિક અને સામાજિક લાગણી દુભાઈ હતી. ફરિયાદમાં એવો પણ આરોપ છે કે આ પોસ્ટ દ્વારા દેશમાં શાંતિ અને સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ફરિયાદના આધારે સુરત કોર્ટે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 196, 352 અને 353(2) હેઠળ ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. કેસમાં અગાઉ પણ અનુરાગ કશ્યપને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે કોર્ટમાં હાજર રહ્યો નહોતો.

તેણે અગાઉના સમન્સનો જવાબ ન આપતા કોર્ટે હવે ફરી સમન્સ જારી કર્યું છે અને 23 સપ્ટેમ્બર, 2026ના રોજ વ્યક્તિગત રીતે હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. હવે આગામી સુનાવણી દરમિયાન અનુરાગ કશ્યપ કોર્ટમાં હાજર રહે છે કે નહીં તેના પર આ કેસની આગળની કાર્યવાહી નિર્ભર રહેશે.

શું હતો વિવાદ?

સમગ્ર મામલો એપ્રિલ 2025નો છે, જ્યારે ફિલ્મ ‘ફૂલે’ મામલે મહારાષ્ટ્રમાં વિવાદ ચાલી રહ્યો હતો. તે સમયે અનુરાગ કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને મહારાષ્ટ્રનાં બ્રાહ્મણ સમૂહો દ્વારા ફિલ્મ  વિરુદ્ધ થતા આઉટરેજ સામે લાંબો નિબંધ લખ્યો હતો. આ પોસ્ટ નીચે એક યુઝરે અનુરાગ કશ્યપની મજાક ઉડાડતાં તેણે જવાબમાં ‘બ્રાહ્મિન પે મૂ^ગા, કોઈ પ્રોબ્લેમ?’ કહીને ટિપ્પણી કરી હતી.

આ ટિપ્પણીઓ મામલે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જાયા બાદ અનુરાગ કશ્યપે ફરી એક પોસ્ટ કરીને માફી માગી લીધી હતી અને કહ્યું હતું કે ગુસ્સામાં આવીને પોતે પોસ્ટ કરી દીધી હતી અને આખા બ્રાહ્મણ સમાજ વિશે બોલી નાખ્યું હતું, જેના કારણે અનેક લોકોને ઠેસ પહોંચી છે, જેમની પોતે માફી માગે છે.