હમણાં થોડા દિવસ પહેલાં ગુજરાત પોલીસ, એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને બીજી એજન્સીઓએ મળીને પાછલાં વર્ષોમાં પકડેલા લગભગ ₹2153 કરોડની કિંમતના કુલ 13,249 કિલો ડ્રગ્સનો ખાત્મો કરાયો. છેલ્લાં પાંચ વર્ષના આંકડા લઈએ તો એજન્સીઓએ છેલ્લાં પાંચ વર્ષમાં (2021-26) ગુજરાતમાં ₹13,600 કરોડનું ડ્રગ્સ પકડ્યું. વજન લઈએ તો લગભગ 1.36 લાખ કિલો જેટલું થાય. કુલ 3700 કરતાં વધુ FIR દાખલ કરવામાં આવી અને પાંચ હજારથી વધુ આરોપીઓની ધરપકડ થઈ. ડ્રગ્સના આ કેસોમાં કન્વિક્શન રેટ લગભગ 65% આસપાસ છે, જેને સરકાર 100% સુધી લઈ જવા મથી રહી છે.
પાછલાં વર્ષોમાં આ ડ્રગ્સના કેસોના કારણે ગુજરાત અવારનવાર હેડલાઈનોમાં રહ્યું છે. જેના કારણે વિપક્ષ પણ ગુજરાતમાં આટલું બધું ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું હોવાની બૂમો પાડીને સરકારને ઘેરતો રહે છે. પણ આ હેડલાઈનો અને ચર્ચાઓનો અર્થ જ એ છે કે આપણને આ બધી જાણકારી જ એટલે મળે છે કારણ કે એજન્સીઓ ડ્રગ્સ પકડે છે. એજન્સીઓ કાર્યવાહી કરે છે એટલે હવે એ પ્રશ્નોના જવાબ પણ મળવાના શરૂ થયા છે કે આખરે આ ડ્રગ્સ આવે છે ક્યાંથી, કયા રૂટ પરથી આવે છે અને ગુજરાતમાં જ કેમ આવે છે.
પોરબંદરના કે કચ્છના દરિયાકાંઠે સેંકડો કિલો ડ્રગ્સ સાથે કોઈ પાકિસ્તાની બોટ પકડાય એના સમાચારો આપણને મળે છે કે કોઈ બંદરે કોઈ કન્ટેનર પકડાય એના પણ સમાચાર આવે છે. પણ વાર્તા અહીં અધૂરી રહી જાય છે. મૂળ પ્રશ્ન યથાવત રહે કે આ ડ્રગ્સ આવ્યું ક્યાંથી, જવાનું ક્યાં હતું અને ગુજરાત કેમ આ બધી વાર્તાઓના કેન્દ્રમાં રહે છે.
અંતિમ પ્રશ્નનો જવાબ ભૂગોળમાં છે. ગુજરાત પાસે સૌથી લાંબો દરિયાકાંઠો છે. ભૌગોલિક સ્થિતિ એવી છે કે રાજ્ય ભારતના પશ્ચિમ છેડે છે અને પાકિસ્તાનના મેરિટાઇમ ઝોનથી પણ નજીક છે. અનેક બંદરો છે જ્યાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર ચાલે છે. આમ તો પંજાબ પણ સરહદીય રાજ્ય છે, પણ તેની પાસે માત્ર લેન્ડ બોર્ડર છે, જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે. દરિયાઈ સીમામાં આંતરરાષ્ટ્રીય ટ્રાફિકિંગ નેટવર્ક ચલાવવું લોજિસ્ટિકલ રીતે પ્રમાણમાં સરળ છે. છતાં ડ્રગ્સ પકડાય છે એનો અર્થ એ કે એજન્સીઓ પડકારજનક સ્થિતિમાં પણ પોતાનું કામ કરી રહી છે.
વેસ્ટર્ન કોરિડોર: અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન
અફીણના વૈશ્વિક વ્યાપાર અને ટ્રાફિકિંગ નેટવર્કના કેન્દ્રમાં અફઘાનિસ્તાન વર્ષોથી રહ્યું છે. અહીંથી હેરોઇન માટેનું રૉ મટિરિયલ પૂરું પાડવામાં આવે છે. અફઘાનિસ્તાન પાસે દરિયાકાંઠો નથી, પરંતુ તેની પાડોશમાં પાકિસ્તાન અને ઈરાન છે. અફઘાનિસ્તાનથી હેરોઇન-અફીણ ઈરાન અને પાકિસ્તાન મોકલવામાં આવે છે અને અહીંનાં બંદરોએથી અરબ સાગરમાં ચાલતા મેરિટાઇમ ટ્રાફિકિંગ નેટવર્કમાં ઘૂસાડાય છે.
ભારતમાં પણ ડ્રગ્સ ઘૂસાડવા માટે આ રૂટનો ઉપયોગ થઈ ચૂક્યો છે. સપ્ટેમ્બર 2021માં મુન્દ્રા બંદરેથી ભારતના ઇતિહાસમાં એકસાથે ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો પકડાયો હતો. બંદરે આવેલાં કન્ટેનરોની તપાસ કરતાં બે કન્ટેનરોમાં મળીને લગભગ 2,988 કિલો હેરોઇન પકડી પાડવામાં આવ્યું હતું. તેની બજાર કિંમત લગભગ ₹21000 કરોડ આંકવામાં આવી હતી.

NIAએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) જ્યારે કેસની તપાસ હાથ પર લીધી તો જાણવા મળ્યું કે કન્સાઈનમેન્ટ મૂળ અફઘાનિસ્તાનથી મોકલવામાં આવ્યું હતું અને વાયા ઈરાનના બંદર અબ્બાસ થઈને આવ્યું હતું. આમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કના ઘણા માણસો સંડોવાયેલા હતા, જેમનો ઇરાદો અફઘાનિસ્તાનથી ઈરાન થઈને ભારતમાં ડ્રગ્સ ઘૂસાડીને જુદાં-જુદાં રાજ્યોમાં પહોંચાડવાનો હતો. પણ એ પહેલાં જ પકડાઈ ગયું.
આ ડ્રગ્સ બોટ મારફતે કે છૂપી રીતે નહીં પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારની પદ્ધતિનો જ ઉપયોગ કરીને કાર્ગો જહાજ મારફતે મોકલાયું હતું. હજારો કાર્ગો કન્ટેનરો વચ્ચે ડ્રગ્સ ભરેલાં કન્ટેનરો મોકલી દેવાયાં હતાં. કાર્ગોની આડમાં થતા આવા ટ્રાફિકિંગના બીજા પણ કેસો સામે આવી ચૂક્યા છે.
એપ્રિલ 2022માં પીપાવાવમાં DRI અને ગુજરાત ATSએ એક કન્ટેનર પકડ્યું હતું. જેમાં સૂતળી હોવાનું કહેવાયું હતું. ચકાસણી કરતાં લગભગ 395 કિલો સૂતળી મળી આવી. તપાસમાં જાણવા મળ્યું કે સૂતળીને હેરોઇનના સોલ્યુશનમાં ડુબાડીને, સૂકવીને તેની ગાંઠ બાંધવામાં આવી હતી. લિક્વિડ ફોર્મમાં પછીથી લગભગ 80 કિલો હેરોઇન મળી આવ્યું હતું. એટલે ઉપરથી જે સૂતળી દેખાતી હતી તેમાં વાસ્તવમાં ડ્રગ્સ સપ્લાય થઈ રહ્યું હતું.
પાકિસ્તાન અને અરબ સાગરનો રૂટ
આ રૂટ સીધો છે– પાકિસ્તાનના દરિયાકાંઠેથી અરબ સાગર મારફતે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે. ગુજરાત ATS, એનસીબી અને કોસ્ટગાર્ડનાં સંયુક્ત ઑપરેશનો આ વિસ્તારમાં ચાલતાં રહે છે.
ઑક્ટોબર 2022માં કોસ્ટગાર્ડ અને ATSએ કચ્છના દરિયાકાંઠા નજીક એક પાકિસ્તાનની બોટ સાથે 6ને પકડી પાડ્યા હતા. સાથે ₹350 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. માર્ચ 2024માં પોરબંદરના દરિયાકાંઠા નજીક છ ક્રૂ મેમ્બરોની એક પાકિસ્તાની બોટ ઇન્ટરસેપ્ટ કરાઈ હતી. લગભગ એક અઠવાડિયા પછી બીજા 14 પાકિસ્તાની 86 કિલો હેરોઇન સાથે પકડાયા હતા.
જમીની સરહદો પરથી સ્મગલિંગ શક્ય નથી પરંતુ મેરિટાઇમ રૂટનો તસ્કરો ફાયદો ઉઠાવી જાય છે. દરિયામાં જહાજો મેરિટાઇમ બાઉન્ડ્રી સુધી આવે છે, ત્યાંથી બીજાં જહાજોમાં કન્સાઈનમેન્ટ ટ્રાન્સફર કરીને જતાં રહે છે. એટલે તેઓ મેરિટાઇમ સરહદો પાર કર્યા વગર ડ્રગ્સ આમથી તેમ કરી શકે છે.
એપ્રિલ 2025માં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે એક ઑપરેશન પાર પાડીને લગભગ 300 કિલો મેથ પકડી પાડ્યું હતું, જેની બજાર કિંમત ₹1800 કરોડ થતી હતી. આ ડ્રગ્સ પહેલાં પાકિસ્તાનથી મેરિટાઇમ બોર્ડર સુધી એક જહાજમાં આવ્યું, ત્યાં જથ્થો ખાલી કરાયો અને ત્યાંથી પરત ફર્યું હતું.
આ ઑપરેશન એ પણ દર્શાવે છે કે માત્ર હેરોઇન જ નહીં પણ આ રૂટ પરથી મેથાફેટામાઈન, કોકેન અને અન્ય નાર્કોટિક્સ પણ ઘૂસાડવામાં આવે છે. મે 2026માં જ ATS અને કોસ્ટગાર્ડે એક ઑપરેશનમાં મુન્દ્રા પાસેથી 115 કિલો કોકેન પકડી પાડ્યું હતું.
પાકિસ્તાનનાં નેટવર્ક ભારતમાં નાર્કોટિક્સ કેમ ઘૂસાડે છે?
આમ તો ડ્રગ્સના વેપાર પાછળ એક મોટું કારણ પૈસો છે. નાર્કોટિક્સ નફો કરી આપે છે. પરંતુ પાકિસ્તાન કારણ કે આતંકવાદી રાષ્ટ્ર છે તો ત્યાં આતંકવાદનું પાસું પણ જોવું પડે. ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું મોટું કારણ છે નાર્કો ટેરર ફાઇનાન્સિંગ. ડ્રગ્સના વ્યાપારના પૈસાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓના ફન્ડિંગ માટે કરવામાં આવે છે.
ઑક્ટોબર 2025માં એક કેસમાં NIAએ પાકિસ્તાનથી ગુજરાત મોકલવામાં આવેલું લગભગ 500 કિલો હેરોઇન પકડી પાડ્યું હતું. ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ઘણોખરો જથ્થો પંજાબ મોકલવામાં આવનાર હતો. આ પૈસાનો ઉપયોગ લશ્કર-એ-તૈયબા માટે કરવામાં આવતો હતો.
પ્રશ્ન એ પણ થઈ શકે કે પંજાબ સીધું કેમ નહીં? એ પણ પાકિસ્તાનનું પાડોશી છે. અહીં ફરી કારણ ભૂગોળનું આવે છે. પંજાબ પાસે દરિયાકાંઠો નથી અને જમીન માર્ગે સ્મગલિંગ કઠિન કામ છે. વાર્તામાં ગુજરાત પણ એટલે જ આવે છે.
જમીન માર્ગે અને વિમાન માર્ગે પણ થાય છે સ્મગલિંગ, પણ પ્રમાણ ઓછું
એવું પણ નથી કે બધું જ ડ્રગ્સ દરિયાઈ માર્ગે જ આવે છે. બીજા પણ અમુક માર્ગો છે. ઉપરાંત હવે ગુજરાતમાં પણ અમુક ભેજાબાજોએ ફેક્ટરીઓ નાખવા માંડી છે. પરંતુ આ ફેક્ટરીઓ જ્યારે એજન્સીઓ પકડે છે ત્યારે ખબર પડે છે કે આવું પણ રાજ્યમાં અને પાડોશી રાજ્યોમાં ચાલતું હતું.
મેફેડ્રોન જેવા સિન્થેટિક ડ્રગ્સ માટે અફઘાન રૉ મટિરિયલની જરૂર પડતી નથી. અમુક કેમિકલ અને સાધન-સરંજામ મળી રહે તો લેબમાં પણ બનાવી શકાય છે. એપ્રિલ 2024માં ATS અને એનસીબીએ ગુજરાત અને રાજસ્થાનમાં આવાં એમડી ડ્રગ્સ બનાવતાં યુનિટ ઝડપી પાડ્યાં હતાં, જ્યાંથી ડ્રગ્સ અને કાચો માલ પણ મળ્યાં હતાં.
ઑગસ્ટ 2024માં ગુજરાત ATSએ મહારાષ્ટ્રના ભિવંડીમાં દરોડા પાડીને આવું યુનિટ પકડી પાડ્યું હતું, જ્યાંથી 11 કિલો એમડી ડ્રગ્સ અને 781 કિલો લિક્વિડ મળી આવ્યું હતું. જુલાઈ 2026માં DRIએ અંકલેશ્વરમાં એક લેબ પકડી હતી. અર્થાત્, આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઉપરાંત હવે સ્થાનિક રીતે પણ મેન્યુફેક્ચરિંગ નેટવર્ક ઊભું કરવાના પ્રયાસ થઈ રહ્યા છે, પણ એજન્સીઓ સમયાંતરે કાર્યવાહી કરીને આ ચેઇન તોડતી રહે છે.
આ સિવાય જમીન અને વિમાન માર્ગે પણ સ્મગલિંગના કેસો આવ્યા છે. એપ્રિલ 2025માં DRI અને કસ્ટમ્સ વિભાગે બેંગકોકથી આવેલા ચાર મુસાફરોને પકડીને તેમની પાસેથી 37.2 કિલો ડ્રગ્સ પકડ્યું હતું. નવ દિવસ પહેલાં અન્ય એક બેંગકોકથી આવેલા પેસેન્જર પાસેથી 17.5 કિલો ડ્રગ્સ મળ્યું હતું. મે 2025માં અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 95 કિલો ડ્રગ્સ પકડાયું હતું.
ઑક્ટોબર 2020માં સુરતના કિમમાં એક ટ્રક ઝડપાઈ હતી, જેમાં ઓડિશાથી ગાંજો મોકલવામાં આવ્યો હતો. જુલાઈ 2026માં જ આ કેસમાં ત્રણને 10-10 વર્ષની કેદની સજા થઈ.
શું આ બધું ડ્રગ્સ માત્ર ગુજરાત માટે જ આવે છે?
આ તમામ કેસો સૂચવે છે કે આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે એનો અર્થ એ નથી કે એ ગુજરાત માટે જ હોય છે. અગાઉ કહ્યું એમ, ગુજરાતનો ગેટ વે તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અહીંથી જુદા-જુદા માર્ગોએ આખા દેશમાં પહોંચાડવાનું કાવતરું હોય છે. પરંતુ ગુજરાતમાં પકડાય છે એટલે આગળ વધતું અટકે છે.
ગુજરાતને ‘ગેટ વે’ બનાવવા માગતા તસ્કરો, ‘બેરિયર’ બનાવતી એજન્સીઓ
ટ્રાફિકરો ગુજરાતને ‘ગેટ વે’ બનાવવા માંગે છે, પણ ગુજરાત પોલીસ અને એજન્સીઓની મહેનતે રાજ્ય ‘બેરિયર’ બની રહ્યું છે અને એટલે કાયમ ડ્રગ્સ આગળ વધતું અટકાવી શકાય છે.
ગુજરાત પોલીસ અને ખાસ કરીને ATSએ તગડું નેટવર્ક બનાવી રાખ્યું છે, જ્યાંથી ડ્રગ્સ સ્મગલિંગ વિશે માહિતી મળતી રહે છે. ત્યારબાદ કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સીઓની મદદથી ઑપરેશન પાર પાડવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાર્ગો મારફતે ડ્રગ્સ મોકલાવાતું હોય તો DRI અને કસ્ટમ્સની મદદ લેવાય છે. આ એજન્સીઓ ડ્રગ્સ પકડે પછી NCB અને NIA જેવી એજન્સીઓ તપાસ કરે છે. દરમ્યાન ગુજરાત પોલીસ અને ATS સ્થાનિક સ્તરે આ નેટવર્ક ફૂલેફાલે નહીં તેની પૂરતી કાળજી લેતાં રહે છે. જેની ઉપર સતત ગુજરાત સરકારની, ગૃહ વિભાગની નજર રહે છે.
આનો અર્થ એ પણ છે કે એજન્સઓનું કામ માત્ર કોઈ એક બોટ પકડવા સુધી કે ક્રૂને જેલભેગું કરવા સુધી સીમિત રહેતું નથી અને તેઓ સાથે મળીને આખા એક નેટવર્કને તોડવાનું કામ કરી રહ્યા છે.
સમગ્ર કથાનો ટૂંકસાર એટલો છે કે એક તરફ સતત સામે આવતા રહેતા કેસો દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય અને દેશની અંદર પણ સક્રિય ડ્રગ્સ નેટવર્ક દ્વારા ગુજરાતની ભૌગોલિક સ્થિતિનો ફાયદો ઉઠાવવાના પ્રયત્નો સતત ચાલતા રહે છે. પણ બીજી તરફ સતત ચાલતી એજન્સીઓની કાર્યવાહી દર્શાવે છે કે એજન્સીઓ સતત ડ્રગ્સ ટ્રેક કરી રહી છે અને અનેક કિસ્સાઓમાં ડ્રગ્સ મંજિલ સુધી પહોંચે એ પહેલાં જ પકડી લેવાય છે.
અફઘાનિસ્તાનથી આવતું હેરોઇન ક્યાંથી આવે છે, પાકિસ્તાન અરબ સાગરના નેટવર્કનો દુરુપયોગ કરીને ગુજરાત મારફતે દેશમાં ટેરર ફાઇનાન્સિંગ કરે છે, અન્ય માર્ગોનો પણ ઉપયોગ થાય છે– આ બધી જ જાણકારી આપણા સુધી એટલા માટે પહોંચે છે કારણ કે એજન્સીઓ સતત એક્ટિવ રહી છે.
એટલે આ સમગ્ર ચર્ચા માત્ર ત્યાં ન અટકાવી દેવાય કે ગુજરાતમાં કેટલા કિલો કે કેટલા કરોડનું ડ્રગ્સ પકડાયું, મૂળ પ્રશ્ન એ છે કે ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું, ક્યાં પહોંચવાનું હતું, તેની પાછળ નેટવર્ક કયું હતું એન આ નેટવર્ક તોડવામાં એજન્સીઓ કેટલી સફળ રહે છે.
ગુજરાતના ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધનું સાચું ચિત્ર આ જ છે– એક તરફ તસ્કરો કાયમ ગુજરાતને ‘ગેટ વે’ બનાવવાની ફિરાકમાં રહે છે, પણ એજન્સીઓ આ રસ્તા બંધ કરીને ગુજરાતને ‘બેરિયર’ બનાવવામાં લાગેલી છે.


