
સંસદના ચોમાસુ સત્રના બીજા સપ્તાહના પ્રથમ દિવસે, સોમવારે (27 જુલાઈ) કેન્દ્ર સરકારે લોકસભામાં એન્ટી-પેપર લીક બિલ રજૂ કર્યું. જોકે બિલ રજૂ થતાની સાથે જ INDI ગઠબંધનના સાંસદોએ હોબાળો અને નારેબાજી શરૂ કરી દીધી હતી અને વિરોધ શરૂ કરી દીધો હતો. હોબાળાની વચ્ચે જ કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંઘે બિલ રજૂ કર્યું, પરંતુ ત્યારબાદ તેના પર ચર્ચા શરૂ થઈ શકી નહોતી અને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
આ પહેલાં પણ પ્રશ્નકાળ શરૂ થતાં જ વિરોધ પક્ષના સભ્યો લોકસભાના વેલમાં આવી ગયા હતા. સ્પીકર ઓમ બિરલાએ અનેક વખત સભ્યોને પોતાની બેઠક પર પરત જઈ પ્રશ્નકાળ ચાલવા દેવાની અપીલ કરી હતી. તેમણે ચેતવણી પણ આપી હતી કે આ પ્રકારનું વર્તન લોકશાહી મૂલ્યોને અનુરૂપ નથી, પરંતુ હોબાળો ચાલુ રહેતાં અંતે કાર્યવાહી 5 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
રાજ્યસભામાં પણ સમાન સ્થિતિ જોવા મળી હતી. વિરોધ પક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી હતી.
સરકાર દ્વારા રજૂ કરાયેલા એન્ટી-પેપર લીક બિલમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીક સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહીનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવિત જોગવાઈઓ અનુસાર દોષિતો સામે ₹10 કરોડ સુધીનો દંડ, 10 વર્ષ સુધીની જેલ તેમજ આવા કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ છે.
સરકારનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ભરતી પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ કાયદો લાવવામાં આવ્યો છે, જેથી પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જળવાઈ રહે. બીજી તરફ, વિરોધ પક્ષે બિલ રજૂ થવા દરમિયાન જ હોબાળો કર્યો, આ જ લોકો કાલે કડક કાર્યવાહીની વાત કરી રહ્યા હતા અને હવે બિલ પર ચર્ચા થવા દેવા પણ તૈયાર નથી!

