વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં ઉમર ખાલિદ અને શરજીલ ઈમામનાં પોસ્ટર, ગોવા બાદ બેંગલુરુમાં પણ ઘટના: પોલીસે નોંધી FIR

કર્ણાટકના બેંગલુરુમાં વિદ્યાર્થીઓના એક પ્રદર્શન દરમ્યાન ઉમર ખાલિદ અને શરજીલ ઈમામનાં પોસ્ટરો લહેરાવવામાં આવ્યા બાદ પોલીસે એક અજાણી મહિલા વિરુદ્ધ FIR દાખલ કરી છે.

મામલો શુક્રવારનો (24 જુલાઈ) છે. બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં કર્ણાટક વિદ્યાર્થી સંગઠનના એક પ્રદર્શનનું આયોજન થયું હતું. પ્રદર્શન કથિત રીતે દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમ્યાન થયેલા પોલીસ લાઠીચાર્જની વિરુદ્ધ હતું અને પોલીસ અનુસાર 1000-1500 માણસો એકઠા થયા હતા.

આ પ્રદર્શન દરમ્યાન શરજીલ ઇમામ અને ઉમર ખાલિદનાં પોસ્ટરો પણ જોવા મળ્યા. એક મહિલા આ પોસ્ટરો લઈને આવી હતી, જેમાં બંનેના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા અને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે પોલીસ વિશે પણ ભડકાઉ નારા લખવામાં આવ્યા હતા. પોલીસ વિશે લખવામાં આવ્યું હતું- ‘ઉખાડ લે બેંગલુરુ પોલીસ.’

પોલીસે જ ફરિયાદી બનીને નોંધી FIR

આ મામલે એક સબ ઇન્સ્પેક્સ્ટરે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે મહિલા વિરુદ્ધ FIR દાખલ કરી. FIRમાં જણાવવામાં આવ્યું છે કે UAPA હેઠળ જેલમાં બંધ આરોપીઓના સમર્થનમાં ભડકાઉ નારાબાજી થઈ હતી અને પોસ્ટરો દર્શાવવામાં આવ્યાં હતાં, જેનાથી જાહેર શાંતિનો ભંગ થવાની શક્યતા છે.

પોલીસે કહ્યું કે પ્રદર્શનકારીઓ ટોળામાં હતા અને પોલીસને જોઈને ગાયબ થઈ ગયા હતા એટલે સ્થળ પરથી ધરપકડ ન થઈ શકી. ત્યારબાદ પોલીસે સીસીટીવી અને અન્ય વિડીયો ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં એક મહિલાની ઓળખ કરવામાં આવી હતી.

પોલીસે આ મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 192 (રમખાણો કરવાના ઇરાદે ઉશ્કેરણી કરવી) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે આવો એક કેસ તાજેતરમાં ગોવામાં પણ સામે આવી ચૂક્યો છે, જ્યાં ખાલિદ અને શરજીલનાં પોસ્ટરો લહેરાવવામાં આવ્યાં હતાં. જેનાથી એક પ્રશ્ન એ પણ ઉદભવે છે કે કથિત રીતે વિદ્યાર્થીઓ માટે ચાલતા આ આંદોલનમાં UAPAના, રમખાણો કરાવવાના અને દેશ તોડવાની વાતો કરનારા તત્ત્વોનાં પોસ્ટર ક્યાંથી આવી રહ્યાં છે?