હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિચાતુર્માસ: યોગનિદ્રા, કાળચક્ર અને સનાતન દર્શન... ભગવાન વિષ્ણુના નિદ્રાધીન થવાનો અર્થ શું...

ચાતુર્માસ: યોગનિદ્રા, કાળચક્ર અને સનાતન દર્શન… ભગવાન વિષ્ણુના નિદ્રાધીન થવાનો અર્થ શું છે?

ભગવાન વિષ્ણુની યોગનિદ્રા નિષ્ક્રિયતાનું પ્રતીક નથી, તે બ્રહ્માંડના શાશ્વત લયનું પ્રતીક છે. કદાચ એટલા માટે જ હજારો વર્ષ પહેલાં ભારતીય ઋષિઓએ ચાતુર્માસને માત્ર એક ધાર્મિક પરંપરા તરીકે નહીં, પરંતુ પ્રકૃતિ, સમય, ચેતના અને સમાજ વચ્ચે સંતુલન સ્થાપિત કરતી એક સંપૂર્ણ જીવનદૃષ્ટિ તરીકે સ્વીકાર્યો હતો.

- Advertisement -

અષાઢ શુક્લ એકાદશી આવે એટલે દેશભરનાં લાખો મંદિરોમાં એક જ વાત સંભળાય છે કે આજથી ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં પધારે છે. આ દિવસને દેવશયની એકાદશી (દેવપોઢી એકાદશી) કહેવામાં આવે છે અને ત્યારથી શરૂ થાય છે ચાતુર્માસ. ચાર મહિના સુધી લગ્ન-વિવાહ જેવાં માંગલિક કાર્યો ટાળવાની પરંપરા છે, સંતો-મહાત્માઓ એક જ સ્થાને વર્ષાવાસ કરે છે, ઉપાસના અને સંયમ પર ભાર મૂકવામાં આવે છે અને કાર્તિક શુક્લ એકાદશીએ, એટલે કે દેવઉઠી એકાદશીના દિવસે ભગવાનના ‘જાગવાના’ પ્રસંગ સાથે આ સમય પૂર્ણ થાય છે.

પરંતુ શું સનાતન ધર્મ ખરેખર એવું કહે છે કે બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે સૂઈ જાય છે? જો ભગવાન નિદ્રાધીન હોય તો આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કોણ કરે? શું આ વાતને માત્ર શાબ્દિક અર્થમાં સમજવાની છે કે પછી તેની પાછળ એક અત્યંત ઊંડી દાર્શનિક સંકલ્પના રહેલી છે? આ જ પ્રશ્ન આપણને સનાતન દર્શનના એવા દ્વાર સુધી લઈ જાય છે જ્યાં પુરાણોમાં વર્ણવાયેલી કથાઓનો અર્થ વેદો, ઉપનિષદો અને ભગવદ્ ગીતાના પ્રકાશમાં સમજાય છે.

અહીં એક વાત શરૂઆતમાં જ સમજી લેવી જરૂરી છે. સનાતન પરંપરામાં પુરાણો ‘શું થયું’ કહે છે, જ્યારે વેદો, ઉપનિષદો અને દર્શન ‘તેનો અર્થ શું છે’ સમજાવે છે. એટલે જ ભગવાન વિષ્ણુની યોગનિદ્રાને સમજવા માટે માત્ર પૌરાણિક કથા પૂરતી નથી, તેની પાછળ રહેલા દર્શન સુધી પહોંચવું પડે છે.

- Advertisement -

દેવશયની એકાદશી: એક પૌરાણિક પ્રસંગ કે તેનાથી ઘણું વધારે?

વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ અને ભાગવત મહાપુરાણ જેવી પરંપરાઓમાં વર્ણન મળે છે કે આષાઢ શુક્લ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગ પર યોગનિદ્રામાં પ્રવેશ કરે છે અને કાર્તિક શુક્લ એકાદશીએ પ્રબોધિત થાય છે. આ ચાર મહિનાનો સમય ચાતુર્માસ તરીકે ઓળખાય છે.

આ કથાનું ધાર્મિક મહત્ત્વ નિર્વિવાદ છે. સદીઓથી ભારતીય સમાજે તેને આસ્થા અને ભક્તિ સાથે સ્વીકારી છે. પરંતુ સનાતન પરંપરાની વિશેષતા એ છે કે તે કથાને અંતિમ સત્ય માનીને અટકી જતી નથી. તે પૂછે છે કે આ કથાનો આંતરિક અર્થ શું છે?

ભારતીય ચિંતનમાં દેવતાઓ માત્ર ઐતિહાસિક પાત્રો નથી, તેઓ બ્રહ્માંડમાં કાર્યરત શક્તિઓનાં પ્રતીક પણ છે. તેથી ભગવાન વિષ્ણુની યોગનિદ્રાનો અર્થ સમજવો હોય તો ‘નિદ્રા’ શબ્દને સામાન્ય માનવીય ઊંઘ તરીકે જોવાને બદલે યોગ અને વેદાંતના પ્રકાશમાં જોવો પડે.

યોગનિદ્રા એટલે સામાન્ય ઊંઘ નહીં

અપણે જ્યારે ‘નિદ્રા’ શબ્દ સાંભળીએ છીએ ત્યારે શરીરનો થાક દૂર કરતી ઊંઘનો વિચાર આવે છે. પરંતુ યોગમાં ‘યોગનિદ્રા’નો અર્થ સંપૂર્ણપણે જુદો છે. ઉપનિષદો ચેતનાની ચાર અવસ્થાઓનું વર્ણન કરે છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. માંડૂક્ય ઉપનિષદ આ ચારેય અવસ્થાઓને આત્મસાક્ષાત્કારની દિશામાં સમજાવે છે. અહીં સુષુપ્તિનો અર્થ માત્ર ઊંઘ નથી, તે એવી અવસ્થા છે જેમાં બાહ્ય પ્રવૃત્તિ શાંત થાય છે, પરંતુ ચેતનાનું મૂળ અસ્તિત્વ નષ્ટ થતું નથી.

એટલે ભગવાન વિષ્ણુની યોગનિદ્રા કોઈ બેભાન સ્થિતિ નથી. તે સર્જનના પ્રવાહને થોભાવી દેતી નિષ્ક્રિયતા પણ નથી. તે બ્રહ્માંડની શક્તિના આંતર્મુખ થવાનું પ્રતીક છે, એક એવી અવસ્થા, જ્યાં ગતિ દેખાતી ઓછી હોય, પરંતુ વ્યવસ્થા સતત કાર્યરત રહેતી હોય.

યોગદર્શન પણ મનની વિવિધ અવસ્થાઓનું વર્ણન કરતી વખતે ચેતનાને ક્યારેય સંપૂર્ણપણે લુપ્ત માનતું નથી. સનાતન દર્શનમાં પરમચેતના ક્યારેય સૂતી નથી, માત્ર તેની અભિવ્યક્તિનો લય બદલાય છે. આ જ કારણ છે કે ભગવાન વિષ્ણુની યોગનિદ્રાને શાબ્દિક ઊંઘ તરીકે સમજવી એ સનાતન દર્શનના મૂળ અર્થને સીમિત કરી દે છે.

વેદોમાં ‘ઋત’: બ્રહ્માંડની શાશ્વત વ્યવસ્થા

યોગનિદ્રાને સમજવા માટે વેદોમાં વર્ણવાયેલી એક મહત્ત્વપૂર્ણ સંકલ્પના સમજવી જરૂરી છે- ‘ઋત’ (ऋत). વૈદિક સાહિત્યમાં ‘ઋત’નો અર્થ માત્ર નૈતિકતા નથી. તે સમગ્ર બ્રહ્માંડને ચલાવતી શાશ્વત વ્યવસ્થા છે. સૂર્યનો નિયમિત ઉદય, ઋતુઓનું પરિવર્તન, નદીઓનો પ્રવાહ, સમયનું ચક્ર, પ્રકૃતિનું સંતુલન, આ બધું ઋતનું પ્રગટીકરણ માનવામાં આવે છે.

આ દૃષ્ટિએ જોવામાં આવે તો ભગવાન વિષ્ણુનું કાર્ય દરેક ક્ષણે હાથથી દુનિયા ચલાવવાનું નથી, પરંતુ બ્રહ્માંડની વ્યવસ્થાને અખંડિત રાખવાનું છે. એટલે જ યોગનિદ્રા દરમિયાન પણ ઋત અટકતું નથી. વરસાદ સમયસર આવે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે. ઋતુચક્ર બદલાતું રહે છે. જીવન આગળ વધતું રહે છે. અર્થાત્ ભગવાનની યોગનિદ્રા વ્યવસ્થાના અંતનું નહીં, પરંતુ વ્યવસ્થાની અવિરતતાનું પ્રતીક છે.

ગીતામાં સમય અને ચેતનાનો અર્થ

ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः॥ (ગીતા 2.69)

અર્થાત્, જે અવસ્થા સામાન્ય લોકો માટે રાત્રિ સમાન છે, તેમાં સંયમી પુરુષ જાગૃત રહે છે અને જેમાં સામાન્ય લોકો જાગતા હોય છે, તે જ અવસ્થા જ્ઞાની માટે રાત્રિ સમાન હોય છે. આ શ્લોકનો સીધો સંબંધ ચાતુર્માસ સાથે નથી, પરંતુ તે ભારતીય દર્શનની એક મહત્ત્વપૂર્ણ દૃષ્ટિ સમજાવે છે કે ચેતના હંમેશાં દેખાતી ગતિથી માપી શકાતી નથી.

અહીં જ યોગનિદ્રાનો તાત્વિક અર્થ સ્પષ્ટ થવા લાગે છે. ભગવાન સૂતા નથી, તેઓ એવી ચેતનાનું પ્રતીક છે, જે બહારથી શાંત દેખાય છે, પરંતુ અંદરથી સમગ્ર અસ્તિત્વને સંચાલિત કરતી રહે છે.

ભારતીય દર્શનમાં સમય સીધી રેખા નહીં, પરંતુ કાળચક્ર છે

પશ્ચિમી વિચારધારામાં સમયને ઘણી વખત એક સીધી રેખા તરીકે જોવામાં આવે છે- શરૂઆત, મધ્ય અને અંત. ભારતીય દર્શન સમયને ચક્ર તરીકે જુએ છે. દિવસ પછી રાત. રાત પછી દિવસ. વસંત પછી ગ્રીષ્મ. વરસાદ પછી શરદ. યુગો. કલ્પ. સૃષ્ટિ. પ્રલય. ફરી સર્જન.

આ સમગ્ર દૃષ્ટિને ‘કાળચક્ર’ કહેવામાં આવે છે. ચાતુર્માસ પણ આ કાળચક્રનો એક ભાગ છે. જ્યારે પ્રકૃતિ પોતાનો લય બદલે છે, ત્યારે મનુષ્યને પણ પોતાનો જીવનલય બદલવાનું આમંત્રણ આપવામાં આવે છે. આથી જ ચાતુર્માસનો ભાર બહારના ઉત્સવો પર નહીં, પરંતુ આંતરિક અનુશાસન પર મૂકવામાં આવ્યો છે.

દર્શનમાંથી જન્મેલી જીવનપદ્ધતિ

જો ચાતુર્માસ માત્ર પૌરાણિક કથા હોત તો કદાચ તેની અસર મંદિરો સુધી મર્યાદિત રહેત. પરંતુ ભારતીય સમાજે તેને સમગ્ર જીવનવ્યવસ્થાનો ભાગ બનાવી દીધો. ચોમાસામાં લાંબી યાત્રાઓ મુશ્કેલ બનતી હોય છે. ઋષિ-મુનિઓ એક સ્થળે વર્ષાવાસ કરતા. શિષ્યોને શિક્ષણ આપતા. શાસ્ત્રચર્ચાઓ થતી. પુરાણવાચન થતું. સાધના માટે અનુકૂળ વાતાવરણ બનતું.

આ સમય દરમિયાન ખેતી પણ પોતાના નિર્ણાયક તબક્કામાં પ્રવેશતી. સમાજનું ધ્યાન ઉત્પાદન, સંરક્ષણ અને સંયમ તરફ વળતું. તેથી જ માંગલિક કાર્યક્રમો કરતાં આધ્યાત્મિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓને વધુ પ્રાધાન્ય મળ્યું.

એટલે લગ્ન ન કરવાનું કારણ માત્ર ધાર્મિક પ્રતિબંધ નહોતું, તે પ્રકૃતિ, સમાજ અને જીવન વચ્ચેનું સંતુલન જાળવવાનો એક વ્યવહારુ ઉપાય પણ હતો. અહીં સનાતન દર્શનની સૌથી મોટી વિશેષતા દેખાય છે. દર્શન માત્ર પુસ્તકોમાં રહેતું નથી, તે જીવનપદ્ધતિ બની જાય છે.

પુરાણ, ઉપનિષદ અને સમાજ- ત્રણેય એક જ પરંપરાના અંગ

ઘણી વખત એવું માનવામાં આવે છે કે પુરાણો અને ઉપનિષદો અલગ-અલગ વાત કરે છે. વાસ્તવમાં એવું નથી. વેદો સિદ્ધાંત આપે છે. ઉપનિષદો તે સિદ્ધાંતનો આંતરિક અર્થ સમજાવે છે. દર્શનશાસ્ત્ર તેને તર્ક અને વિચારનો આધાર આપે છે અને પુરાણો એ જ સત્યને કથા, પ્રતીક અને ઉપમાઓ દ્વારા સામાન્ય સમાજ સુધી પહોંચાડે છે.

ભગવાન વિષ્ણુની યોગનિદ્રા પણ આ જ પરંપરાનો એક ભાગ છે. જો આપણે માત્ર કથામાં અટકી જઈએ તો તેનો એક અર્થ મળે છે. જો દર્શન સુધી પહોંચીએ તો એ જ કથા બ્રહ્માંડ, સમય, ચેતના અને માનવજીવન વિશેની અત્યંત ઊંડી સમજ આપી જાય છે.

ચાતુર્માસનો સાચો સંદેશ

ચાતુર્માસનો અર્થ ભગવાન ચાર મહિના માટે દુનિયાથી વિમુખ થઈ જાય છે એવો નથી. તેનો અર્થ એ પણ નથી કે આ સમય માત્ર ધાર્મિક વિધિઓ માટે જ બનાવવામાં આવ્યો છે.

સનાતન દર્શનના પ્રકાશમાં જોઈએ તો ચાતુર્માસ આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિ જ્યારે પોતાની ગતિમાં પરિવર્તન લાવે છે ત્યારે મનુષ્યે પણ પોતાની અંદર ઝાંખી કરવી જોઈએ. બહારની દોડધામ વચ્ચે થોડો વિરામ લઈને જીવનના કેન્દ્ર સાથે ફરી જોડાવું જોઈએ. સંયમ, સ્વાધ્યાય, સાધના અને આત્મચિંતન માટે સમય કાઢવો જોઈએ.

ભગવાન વિષ્ણુની યોગનિદ્રા નિષ્ક્રિયતાનું પ્રતીક નથી, તે બ્રહ્માંડના શાશ્વત લયનું પ્રતીક છે. કદાચ એટલા માટે જ હજારો વર્ષ પહેલાં ભારતીય ઋષિઓએ ચાતુર્માસને માત્ર એક ધાર્મિક પરંપરા તરીકે નહીં, પરંતુ પ્રકૃતિ, સમય, ચેતના અને સમાજ વચ્ચે સંતુલન સ્થાપિત કરતી એક સંપૂર્ણ જીવનદૃષ્ટિ તરીકે સ્વીકાર્યો હતો.

આજે પણ જ્યારે દેવશયની એકાદશી આવે છે અને આપણે સાંભળીએ છીએ કે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં પધાર્યા ત્યારે કદાચ એ પ્રશ્ન ફરી પૂછવો જોઈએ કે શું ભગવાન સૂતા છે, કે પછી તેઓ આપણને જાગવાનું આમંત્રણ આપી રહ્યા છે?

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં