કૅશ કાંડથી ચર્ચામાં આવેલા દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ કેન્દ્ર સરકાર મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે તેવું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આગામી ચોમાસું સત્રમાં સરકાર આ પ્રસ્તાવ લાવશે તેવી ચર્ચા છે. જોકે હજુ સત્તાવાર પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિએ CJIની ભલામણને લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભા ચેરમેન સમક્ષ મોકલી આપી છે. મુખ્ય ન્યાયાધીશે મહાભિયોગની ભલામણ કરી હોવાના કારણે આગળની પ્રક્રિયા સંસદમાંથી કરવી પડશે. તેથી બંને ગૃહના અધ્યક્ષો પાસે મામલો પહોંચાડવામાં આવ્યો છે.
હવે સ્પીકર અને રાજ્યસભા ચેરમેન વિપક્ષી નેતાઓનો પણ સંપર્ક કરશે અને આ પ્રસ્તાવ માટે સહમતિ મેળવશે. કારણકે નિયામુસાર લોકસભામાં ઓછામાં ઓછા 100 અને રાજ્યસભામાં 50 સભ્યોની સહમતિ હોય તો જ પ્રસ્તાવ ધ્યાન પર લઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે માર્ચમાં જસ્ટિસ વર્માના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે એક સમિતિ નીમી હતી. આ સમિતિએ મુખ્ય ન્યાયાધીશને એક રિપોર્ટ સોંપ્યો અને આરોપો સાચા હોવાનું ઠેરવ્યું હતું. ત્યારબાદ CJIએ જસ્ટિસ વર્માને રાજીનામું આપવા માટે કહ્યું, પરંતુ ન્યાયાધીશે ઇનકાર કરતાં મામલો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સમક્ષ મોકલી આપવામાં આવ્યો હતો.