સોશિયલ મીડિયા પર નવી ઊગી નીકળેલી કોકરોચ જનતા પાર્ટી હવે 6 જૂને દિલ્હીના જંતર-મંતર મેદાન પર એક પ્રદર્શન કરવા જઈ રહી છે. પરંતુ આ પ્રદર્શન માટે ન દિલ્હી પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે ન પરવાનગી મેળવવા માટે કોઈ પ્રક્રિયા કરવામાં આવી છે. કોકરોચ પાર્ટીના માણસો કહી રહ્યા છે કે 6 જૂનની સવારે તેમનો સ્થાપક અભિજીત દીપકે અમેરિકાથી આવે ત્યારબાદ નવી દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ મથકે જઈને પરવાનગી મેળવવામાં આવશે.
પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસને જ્યારે એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે જંતર-મંતર એક ‘ડેઝિગ્નેટેડ પ્રોટેસ્ટ સાઇટ’ છે અને તેના માટે પોલીસ પરવાનગી લેવાની શું જરૂર છે? પરંતુ હકીકત એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી પોલીસ લગભગ સાત વર્ષ પહેલાં જંતર-મંતર અને અન્ય અમુક સ્થળોએ પ્રદર્શનો માટે ગાઈડલાઈન તૈયાર કરી ચૂકી છે.
Question- Why doesn't CJP take Police Permission before when that's the Rule?
— Ankur Singh (@AnkurSingh) June 4, 2026
Saurav Dass- Do you think Police will give us permission?
Question- Then why go to Police for permission on 6th June?
Saurav Dass- Because we believe police will give us permission.
These CJP… pic.twitter.com/Em7ylnA4jE
દિલ્હી પોલીસની આ ગાઈડલાઇન અનુસાર ‘જંતર મંતર’ પર પ્રદર્શન કરવું હોય તો સાત દિવસ પહેલાં પોલીસને લેખિતમાં જાણ કરવી પડે છે. આ નિયમ હમણાંનો નહીં 2018થી લાગુ છે અને સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ લાગુ કરવામાં આવ્યો હતો.
શું કહે છે દિલ્હી પોલીસનો 2018નો આદેશ?
પોલીસે 2018ના એક આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ જંતર-મંતર પર કોઈ પણ પ્રદર્શન કે જાહેર કાર્યક્રમોને લેખિત પરવાનગી વગર મંજૂરી આપવામાં આવશે નહીં. કોઈ પણ આયોજન પહેલાં 7 દિવસ અગાઉ નવી દિલ્હી ડિસ્ટ્રીક્ટ પોલીસના DCP કક્ષાના અધિકારીને લેખિતમાં અરજી આપવાની રહેશે.

પોલીસે એ સ્પષ્ટતા પણ કરી હતી આ અરજી આપવામાં આવ્યા બાદ સ્થળની ઉપલબ્ધતા, પરિસ્થિતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પૂરતા સમયની ઉપલબ્ધતા વગેરેને ધ્યાનમાં લઈને સ્પેશિયલ બ્રાન્ચ, ટ્રાફિક પોલીસ, નવી દિલ્હી ડિસ્ટ્રિક્ટ પોલીસ વગેરે વચ્ચે પરામર્શ બાદ પરવાનગી આપવામાં આવશે. ઉપરાંત એકથી વધુ અરજી આવી હોય તો ‘વહેલા તે પહેલા’ના ધોરણે મંજૂરી અપાશે એવી પણ સ્પષ્ટતા પોલીસ કરી ચૂકી છે.
પોલીસે ગાઈડલાઈનમાં એ પણ જણાવ્યું હતું કે અરજી મળ્યા બાદ પ્રદર્શનોથી ટ્રાફિકને થતી અડચણો, સુરક્ષામાં જોખમ, માનવજીવને જોખમ વગેરે જેવાં પાસાં પણ ચકાસવામાં આવશે. આવી સંભાવનાઓ ચકાસ્યા બાદ પોલીસ પરવાનગી આપવી કે રદ કરવી તેનો નિર્ણય કરશે. ઉપરાંત એક વખત પરવાનગી આપી દીધા પછી કોઈ ઘટનાક્રમ અચાનક બન્યો કે VIP સુરક્ષાનો પ્રશ્ન હોય કે ઇન્ટેલિજન્સ ઇનપુટ હોય તો પોલીસ પછીથી પણ તાત્કાલિક અસરથી પરવાનગી રદ કરી શકે છે.
ટૂંકમાં આ આદેશમાં દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે જંતર-મંતર પર આમ જ જઈને પ્રદર્શનો ન કરી શકાય અને તે પહેલાં કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, પરવાનગી લેવી પડે છે. આ પરવાનગી લેવા માટે 7 દિવસ પહેલાં પોલીસને લેખિતમાં જાણ કરવી પડે છે કારણ કે પોલીસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વગેરે ચકાસવાનાં હોય છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?
દિલ્હી પોલીસનો આદેશ પણ સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે પોલીસને જાહેર સ્થળોએ પ્રદર્શન મામલે ચોક્કસ દિશાનિર્દેશોનું માળખું તૈયાર કરવા માટે જણાવ્યું હતું.
2017માં મજદૂર કિસાન શક્તિ સંગઠને સુપ્રીમ કોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરીને દિલ્હી પોલીસના CrPC 144 હેઠળના આદેશો પડકાર્યા હતા જેમાં સંસદ અને અમુક સરકારી કચેરીઓ નજીક પ્રદર્શનો અને દેખાવો કરવા પર રોક લગાવવામાં આવી હતી. ઉપરાંત અરજીમાં NGTના પણ એક આદેશ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. NGTના આ આદેશમાં સ્થાનિકોની ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિક વગેરેની ફરિયાદને આધારે જંતર-મંતર રોડ પર પ્રદર્શનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કોર્ટે જુલાઈ 2018માં આપેલા ચુકાદામાં ઠરાવ્યું કે ‘શાંતિપૂર્ણ પ્રદર્શન’ એ મૂળભૂત અધિકાર છે પણ એ સંપૂર્ણ નથી અને તેમાં પણ અમુક મર્યાદાઓ છે. સાથે-સાથે સ્થાનિકોના ‘રાઇટ ટૂ લીવ’ના અધિકારોનું પણ ધ્યાન રાખવામાં આવે એ જરૂરી છે. આખરે સંતુલિત વલણ અપનાવતાં કોર્ટે ઠરાવ્યું કે જંતર-મંતર પર પ્રદર્શનો પર સંપૂર્ણ રોક ન લગાવી શકાય પરંતુ તેના માટે એક ચોક્કસ ગાઈડલાઈન તૈયાર કરવી જોઈએ.
ત્યારબાદ કોર્ટે જંતર-મંતરનો પ્રદર્શનો કરવા માટે ઉપયોગ કરવા માટેની એક ગાઈડલાઈન તૈયાર કરવા માટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો હતો અને આ આદેશમાં પણ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસને લેખિત જાણ કરવામાં આવે તેવી જોગવાઈ ગાઈડલાઈનમાં ઉમેરવામાં આવે.
સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ દિલ્હી પોલીસે ગાઈડલાઈન તૈયાર કરી, જે અનુસાર પ્રદર્શનના 7 દિવસ પહેલાં લેખિત પરવાનગી લેવી પડે છે.
AAP નેતા આતિશી માર્લેનાની એક અરજીના જવાબમાં પણ આ સમજાવી ચૂકી છે દિલ્હી પોલીસ
રસપ્રદ વાત એ છે કે આ બાબતની જાણ આમ આદમી પાર્ટીને બહુ સારી રીતે છે. કારણ કે 2020માં જ્યારે આતિશી માર્લેના સહિતના આમ આદમી પાર્ટી નેતાઓએ પ્રદર્શનોની જ બાબતમાં દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી ત્યારે તેના જવાબમાં દાખલ કરેલ એફિડેવિટમાં દિલ્હી પોલીસે આ જ ગાઈડલાઇનનો સંદર્ભ આપ્યો હતો.
વાસ્તવમાં ડિસેમ્બર 2020માં આમ આદમી પાર્ટી નેતાઓએ ગૃહ મંત્રીના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન કરવા માટે પરવાનગી માગી હતી. ત્યારે દિલ્હી પોલીસે એક એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગૃહ મંત્રીના નિવાસસ્થાનની બહાર પ્રદર્શનની પરવાનગી આપી શકાય નહીં. આ એફિડેવિટમાં 2018ની એ ગાઈડલાઈન પણ સામેલ કરવામાં આવી હતી, જેમાં સાત દિવસ પહેલાં પરવાનગી જરૂરી હોવાની વાત લખવામાં આવી છે.
કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક અભિજિત દીપકે પણ આમ આદમી પાર્ટી સાથે જ સંકળાયેલો છે. આમ આદમી પાર્ટીના નેતાઓને જ દિલ્હી પોલીસ અગાઉ ગાઈડલાઈન સમજાવી ચૂકી છે કે પ્રદર્શનના સાત દિવસ પહેલાં પરવાનગી લેવી જરૂરી છે. છતાં હવે કોકરોચ જનતા પાર્ટી, જે આમ આદમી પાર્ટીના જ માણસોએ ઊભું કરેલું તૂત છે, પરવાનગી વગર પ્રદર્શનો કરવાની ફિરાકમાં છે. તેમને જ્યારે પોલીસ નિયમો સમજાવશે ત્યારે શક્યતાઓ છે કે મીડિયા સામે રડારોળ કરવા માંડશે, પણ એ નહીં કહે કે નિયમોનું પાલન તેમણે નથી કર્યું.


