બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસનું ઑપરેશન, મોડી રાત્રે એકસાથે અનેક શહેરોમાં દરોડા: અમદાવાદમાંથી 290ની અટકાયત, રાજકોટ-ભરૂચમાં પણ કાર્યવાહી

ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત પોલીસે મંગળવારે (2 જૂન) મોડી રાત્રે એક વિશેષ ઑપરેશન હાથ ધર્યું હતું, જેમાં અમદાવાદ સહિતનાં શહેરોમાંથી અનેક શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદમાં મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જેમાં ખાસ કરીને ચંડોળા, ગુલામબનગર, દાણીલીમડા અને ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં પોલીસે કામગીરી કરી. આ દરમ્યાન 290 શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આ તમામના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને તેમની નાગરિકતાની પણ ખરાઈ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ અનુસાર 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય 160ની હાલ ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં જ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ભરૂચ અને રાજકોટ વગેરે શહેરોમાં પણ આવી કામગીરી હાથ ધરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.

રાજકોટમાં પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે રાત્રિ દરમ્યાન હાથ ધરેલા ઑપરેશનમાં 31 શંકાસ્પદની અટકાયત કરી હતી, જેમની હાલ પૂછપરછ ચાલી રહી છે.

ભરૂચમાં પણ આ પ્રકારનું ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું, જ્યાં પણ અમુક શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.

ઑપરેશન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે: હર્ષ સંઘવી

કાર્યવાહી અંગે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ ગૃહ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા વગેરે મોટાં શહેરો સહિત સમગ્ર રાજ્યમાં કાર્યવાહી ચાલી રહી છે અને તેમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG અને અન્ય એજન્સીઓ ઑપરેશનમાં જોડાઈ છે.” તેમણે જણાવ્યું કે, સમગ્ર રાત્રિ દરમ્યાન ચાલેલાં ઑપરેશનમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે અને ભવિષ્યમાં પણ આ ઑપરેશન ચાલુ રહેશે.