
બુધવારે (3 જૂન) ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ‘વાયર ફ્રી સિટી’ મિશનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી. આ મિશન હેઠળ રાજ્યનાં તમામ શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ પાથરીને વીજ નેટવર્ક તૈયાર કરવામાં આવશે અને શહેરને વાયરમુક્ત બનાવવામાં આવશે. સરકારે પ્રથમ તબક્કા માટે ₹500 કરોડની ફાળવણી કરી છે.
આ મિશન અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વર્ષ 2030 સુધીમાં રાજ્યનાં તમામ શહેરોને તબક્કાવાર રીતે ‘વાયર ફ્રી’ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ગુજરાતની તમામ 17 મહાનગરપાલિકાઓ અને 151 નગરપાલિકા વિસ્તારોને આવરી લેવાશે. તેમણે કહ્યું, “આ યોજનાથી શહેરો લટકતા વાયરોથી મુક્ત થઈને વધુ સુંદર અને સુરક્ષિત બનશે.”
મંત્રીએ આપેલી જાણકારી અનુસાર, આ યોજના હેઠળ શહેરોમાં અત્યારે દેખાતા વીજળીના ખુલ્લા વાયરોને સ્થાને સંપૂર્ણપણે જમીનની અંદર એટલે કે અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે. આ માટે 14,600 સર્કિટ કિલોમીટરથી વધુ હાઈટેન્શન અને 31,400 સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન લાઈનોને તબક્કાવાર જમીનમાં અન્ડરગ્રાઉન્ડ કરાશે. શરૂઆતમાં 11 કે.વી.ની ઓવરહેડ લાઈનોને અને ત્યારબાદ નાની વીજ લાઈનોને અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે.
જીતુ વાઘાણીએ ઉમેર્યું કે, આ અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ થવાથી ભવિષ્યમાં વાવાઝોડા કે ભારે વરસાદ જેવી કુદરતી આફતો સમયે વીજળીના વાયર તૂટવાની કે શોર્ટ સર્કિટ થવાની દુર્ઘટનાઓ સાવ બંધ થઈ જશે. ટેકનિકલ ફોલ્ટ ઘટવાના કારણે નાગરિકોને કોઈ પણ જાતના અવરોધ વગર સતત અને સારી ગુણવત્તાવાળી વીજળી મળતી રહેશે.

