હવે 11 જૂને અંકિત શર્મા હત્યા કેસનો ચુકાદો આપશે દિલ્હીની કોર્ટ: 2020નાં હિંદુવિરોધી રમખાણો દરમ્યાન થઈ હતી IB અધિકારીની હત્યા, AAP નેતા તાહિર હુસૈન સહિત 10 આરોપી

ફેબ્રુઆરી 2020માં સીએએ વિરોધી આંદોલનની આડમાં થયેલાં હિંદુવિરોધી રમખાણો દરમ્યાન થયેલી IB અધિકારી અંકિત શર્માની હત્યા મામલે દિલ્હીની કડકડડૂમા કોર્ટ ચુકાદો સંભળાવવા જઈ રહી છે. પહેલાં ચુકાદા માટે આજની (4 જૂન) તારીખ આપવામાં આવી હતી પરંતુ હવે નવી તારીખ અપાઈ છે. ચુકાદો હવે 11 જૂનના રોજ આપવામાં આવશે.

આ કેસમાં કુલ 11 આરોપીઓ છે, જેમાંથી એક આમ આદમી પાર્ટીનો પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન પણ છે. તાહિર હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

કેસ 25 ફેબ્રુઆરી, 2020ના રોજનો છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં પૂર્વાયોજિત રમખાણો ફાટી નીકળ્યાં અને તેમાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. દરમ્યાન આઈબી અધિકારી અંકિત શર્મા ગુમ થઈ ગયા હતા. બીજા દિવસે ચાંદ બાગ વિસ્તારમાંથી તેમનો મૃતદેહ એક ગટરમાંથી મળી આવ્યો. તેમના શરીર પર અનેક ઘા હતા.

બીજા દિવસે અંકિત શર્માના પિતાની ફરિયાદ પર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે તેમના વિસ્તારમાં સીએએ આંદોલન દરમ્યાન પથ્થરમારો, ગોળીબાર, આગચંપીની ઘટનાઓ બની હતી. સાથે જણાવવામાં આવ્યું કે ‘આપ’ નેતા તાહિર હુસૈનની ઑફિસ જ્યાં હતી એ જ વિસ્તારમાં આ ઘટનાઓ બની. તાહિર હુસૈનની ઑફિસ પરથી પણ પથ્થર અને પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા.

25 ફેબ્રુઆરીના રોજ આ ઘટનાઓ બની રહી હતી ત્યારે અંકિત શર્મા ઑફિસથી પરત ફરીને કશુંક કામ માટે બહાર નીકળ્યા હતા અને ઘરે પરત જ ન આવ્યા. ત્યારબાદ તેમના પિતાએ બીજા દિવસે ફરિયાદ નોંધાવી. ત્યારબાદ તેમને જાણવા મળ્યું કે તેમના પુત્રની હત્યા કરી નાખવામાં આવી હતી અને ચાંદબાગની એક મસ્જિદ નજીક લાશ ફેંકી દેવાઈ હતી. માથા, ચહેરા, છાતી, પીઠના ભાગે ઘા હતા અને શરીર પર એસિડ રેડવામાં આવ્યું હતું.

પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું કે અંકિત શર્માને ટોળાએ જાણીજોઈને ટાર્ગેટ કર્યા હતા અને હત્યા પાછળ એક મોટું ષડ્યંત્ર હતું. હત્યા તાહિર હુસૈનના ઘરની બહાર થઈ હતી અને છરીના ઘા માર્યા બાદ ટોળાએ મૃતદેહ ગટરમાં ફેંકી દીધો હતો.

આ કેસમાં તાહિર હુસૈન, હસીન, નાઝિમ, કાસિમ, સમીર, અનસ, ફિરોઝ, જાવેદ, ગુલફામ, શોએબ આલમ અને મુંતજીમ આરોપીઓ છે. કોર્ટે તમામ વિરુદ્ધ હત્યા, ગુનાહિત ષડ્યંત્ર, રમખાણો કરવાં અને બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય પેદા કરવાની કલમો હેઠળ આરોપ ઘડ્યા હતા.

કેસ છ વર્ષથી દિલ્હીની કોર્ટમાં ચાલી રહ્યો હતો અને હવે તેનો ચુકાદો આવશે.