
ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગના (IPL) પૂર્વ ચેરમેન લલિત મોદીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતાઓ અને ખાસ કરીને સાંસદ શશિ થરૂર વિરુદ્ધ આરોપો લગાવ્યા છે. લલિત મોદીએ કહ્યું કે IPLની કોચી ફ્રેન્ચાઇઝમાં સુનંદા પુષ્કરની સંડોવણી મામલે પ્રશ્ન કરવા પર શશિ થરૂરે તેમને EDની રેડની ધમકી આપી હતી. આ એ સમય હતો જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી.
ANIનાં સંપાદક સ્મિતા પ્રકાશ સાથેના એક ઇન્ટરવ્યુમાં લલિત મોદીએ આ વાતો કહી. તેમણે કહ્યું કે પોતે અમુક શેડો શેરહોલ્ડરોની ઓળખ પૂરેપૂરી જાણવા ન મળે ત્યાં સુધી ફ્રેન્ચાઇઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ શશિ થરૂરનો તેમની ઉપર કૉલ આવ્યો અને થરૂરે ધમકી આપી હતી. જોકે લલિત મોદી કહે છે કે તેમ છતાં તેમણે સહી કરી ન હતી.
લલિત મોદી કહે છે, “મને શશિ થરૂરનો ફોન આવ્યો. તેમણે કહ્યું હતું, લલિત, સુનંદા પુષ્કર વિશે વધારે પ્રશ્ન નહીં કર. એ મારી સારી મિત્ર છે. મેં કારણ પૂછ્યું અને તેમણે કહ્યું, જો વધારે પૂછ્યું તો આવતીકાલે સવારે તારે ત્યાં હું રેડ પડાવીશ. મેં તેમને કહ્યું તમે છો કોણ? તમે ભલે વિદેશ મંત્રી હો પણ મને આ રીતે ધમકી આપવાની વાત ન કરો. મેં પછી ફોન મૂકી દીધો અને સ્પષ્ટ કહી દીધું કે હું સહી નહીં કરું.”
#WATCH | On the 2010 IPL Kochi scandal, IPL founder and first chairman Lalit Modi says, "Sonia Gandhi was backing Shashi Tharoor. I got calls from Ahmed Patel and Pranab Mukherjee in those days. You had that p@** Rajeev Shukla coming up to me and say 'Chalo Ahmed Patel aa raha… pic.twitter.com/eYX8zIXu4h
— ANI (@ANI) June 4, 2026
આગળ લલિત મોદી કહે છે, “મને સુનંદા પુષ્કર કોણ છે તેની કોઈ ખબર ન હતી. મેં પછીથી અન્ય લોકોને પૂછ્યું. એકે કહ્યું કે તેઓ કોઈ ઓટોમોબાઈલ ડીલરનાં પુત્રી છે. બીજા દિવસે જાણવા મળ્યું કે સુનંદા પુષ્કરનાં શશિ થરૂર સાથે લગ્ન થવા જઈ રહ્યાં છે.
લલિત મોદીનું કહેવું છે કે તેમણે સહી કરવાની એટલા માટે ના પાડી હતી કારણ કે સુનંદા પુષ્કરનું IPLની કોચી ટીમમાં કોઈ રોકાણ ન હતું અને તેમ છતાં તેમને માલિકી આપવાની વાત થતી હતી. લલિત મોદી કહે છે, “ત્યાં બધા જ શેરધારકો હતા પણ આ મહિલા ન હતી. તમે કોઈ મહિલાને 25% શેર આપી રહ્યા છો, પણ એ છે કોણ? 75% શેરધારકો 100% ખર્ચ આપશે અને એક વ્યક્તિ મફતમાં 25% ફ્રી ઇક્વિટી મેળવશે?”
જે-તે સમયે આ બધામાં શશિ થરૂરને સોનિયા ગાંધી તરફથી પણ પ્રોત્સાહન મળ્યું હોવાનું લલિત મોદીએ જણાવ્યું છે. ઉપરાંત તેમનું કહેવું છે કે પ્રણબ મુખર્જી અને અહેમદ પટેલ જેવા નેતાઓના પણ તેમને ફોન આવતા હતા.
લલિત મોદી 2010ની ઘટનાની વાત કરી રહ્યા હતા. તેઓ ત્યારે IPL કમિશનર હતા. તેમણે નવી સામેલ થતી કોચી ટીમના રોકાણકાર સમૂહના ઇક્વિટી સ્ટ્રક્ચર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમાં સુનંદા પુષ્કરને 25% ફ્રી ઇક્વિટી અને રેવન્યુમાં 15% શેર મળતો હતો જ્યારે તેમનું રોકાણ નહિવત હતું.
લલિત મોદીએ ડીલને મંજૂરી આપી ન હતી અને કારણ આપતાં કહ્યું હતું કે જે રીતે નાણાકીય વ્યવસ્થા કરવામાં આવી એ લાંબો સમય ટકી શકે એમ નથી અને ભવિષ્યમાં સમસ્યા પણ સર્જશે. આખરે એ જ થયું અને 2011માં માત્ર એક સીઝન રમીને કોચીની ટીમને કરાર ઉલ્લંઘન બદલ BCCIએ રદ કરી દીધી. મામલો આખરે રાજકારણ સુધી પણ પહોંચ્યો અને શશિ થરૂરે વિદેશ રાજ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું.
સુનંદા પુષ્કર શશિ થરૂરનાં પત્ની હતાં, જેઓ જાન્યુઆરી 2014માં એક હોટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. આ મામલે પછીથી કેસ પણ ચાલ્યા પણ ઑગસ્ટ 2021માં દિલ્હીની સ્પેશિયલ કોર્ટે શશિ થરૂરને ડિસ્ચાર્જ કરી દીધા હતા.

