5 જૂને વડા પ્રધાન મોદી સુરતમાં: ₹12,421 કરોડના નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ ખાસ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારને ₹12,421 કરોડના નેશનલ હાઈવેના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે. તેમના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે મહત્વના પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે અને અન્ય ચાર મોટા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરાશે.

આ પ્રકલ્પો અંતર્ગત ₹7,689 કરોડના ખર્ચે બનેલા વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ VI અને VIIનું લોકાર્પણ કરવામાં આવશે. આમાં 36 કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન અને 27.50 કિલોમીટર લાંબા ગણદેવીથી એના સેક્શનનો સમાવેશ થાય છે. આ 8-લેનના હાઈવે પર મુસાફરોની સુવિધા માટે બ્રિજ, ફ્લાયઓવર્સ, 70 અંડરપાસ, બે ઇન્ટરચેન્જ અને સાત અત્યાધુનિક રેસ્ટ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે, જેનાથી લૉજિસ્ટિક્સનો ખર્ચ ઘટશે અને સ્થાનિક ઉદ્યોગોને મોટો ફાયદો થશે.

આ ઉપરાંત, ₹4,732 કરોડના ખર્ચે NHAIના અન્ય 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ વડા પ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં NH-56 પર ધમાસીયાથી બિટાડા/મોવી અને નસરપોરથી મલોથા સેક્શનને ફોર-લેન બનાવવાની કામગીરી સામેલ છે. સાથે જ સુરત-હજીરા નેશનલ હાઇવે (NH-53) પર રિલાયન્સ નજીક 6-લેન વ્હીકલ અંડરપાસ (VUP) અને કાવાસ નજીક ફ્લાયઓવર બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવશે.

NH-56ના અપગ્રેડેશનને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમજ નર્મદા, તાપી, વલસાડ અને છોટા ઉદેપુર જેવા આદિજાતિ જિલ્લાઓ સુધી પહોંચવું ખૂબ જ સરળ બની જશે. આશરે 107.67 કિલોમીટર લંબાઈના આ ફોર-લેન રોડના નિર્માણથી વાહનોની સરેરાશ સ્પીડમાં 75 ટકાનો વધારો થશે અને મુસાફરીનો સમય 40 મિનિટ જેટલો ઘટી જશે. આ નવો માર્ગ આ વિસ્તારના ખેડૂતો, વેપારીઓ, ફાર્મા અને ફિશીંગ ક્લસ્ટર તેમજ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બંદરોને સીધો જોડશે.

અંતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-53 પર હજીરા પોર્ટ-સુરત સેક્શનમાં આશરે ₹149 કરોડના ખર્ચે નવા 6-લેન ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ હાથ ધરાશે. આ પ્રોજેક્ટથી હજીરા બંદર અને આસપાસના ભારે ઔદ્યોગિક વિસ્તારોમાં થતી માલવાહક ટ્રકો અને ભારે વાહનોની અવરજવર એકદમ સુગમ અને ટ્રાફિક મુક્ત બનશે. આના પરિણામે દરિયાઈ વેપારને વેગ મળશે અને સુરતના સ્થાનિક નાગરિકો માટે પણ મુસાફરી વધુ સલામત અને સરળ બની જશે.