
બિહારના પટનામાં કોચિંગ સેન્ટર ચલાવતા અને ઈન્ટરનેટ પર જાણીતા ‘ખાન સર’ના કોચિંગ સેન્ટર પર ફાયરિંગ થવાના કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. પોલીસે ખાન સરના સેન્ટરના જ બે ગાર્ડની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. જાણવા મળી રહ્યું છે કે ફાયરિંગ તો થયું હતું પણ એ ખાન સરના બે ગાર્ડે જ કર્યું હતું. આ બંને કહી રહ્યા છે કે તેમણે ખાન સરના કહેવાથી ફાયરિંગ કર્યું હતું.
સમગ્ર વિવાદ બે દિવસ પહેલાંનો છે. ખાન સરે દાવો કર્યો હતો કે તેમના કોચિંગ સેન્ટર પર ગોળીબાર થયો છે. શરૂઆતમાં પોલીસે કહ્યું કે તોડફોડ અને પથ્થરમારો થયાં છે પણ ફાયરિંગની પુષ્ટિ થઈ નથી. પછીથી ખાન સરે પણ ફેરવી તોળ્યું અને કહ્યું કે માહોલ એવો સર્જાયો હતો કે તેઓ કંઈ સમજી ન શક્યા અને ગાર્ડે તેમને જણાવ્યું એ કહી દીધું હતું.
ગુરુવારે (4 જૂન) ઘટનામાં નવો એક વિડીયો સામે આવ્યો જેમાં અમુક શખ્સ ફાયરિંગ કરતા જોવા મળ્યા. પોલીસનું કહેવું છે કે આ ખાન સરના કોચિંગ સેન્ટરના જ ગાર્ડ છે. પોલીસે આ બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેનું કહેવું છે કે ખાન સરના કહેવાથી તેમણે ગોળીબાર કર્યો હતો. હાલ પોલીસ આ દાવાની સત્યતા ચકાસી રહી છે. આ મામલે ખાન સરની પણ પૂછપરછ થઈ શકે છે.
વાસ્તવમાં આ આખો કેસ કોચિંગ સેન્ટરો વચ્ચેની અદાવતનો છે. પોલીસ આ કેસમાં ત્રણની ધરપકડ કરી ચૂકી છે, જેમાં પટનાના જ જ્ઞાન બિંદુ કોચિંગ સેન્ટરના ડાયરેક્ટર રૌશન આનંદનો પણ સમાવેશ થાય છે. આનંદનું કહેવું છે કે કોચિંગ સેન્ટરને બદનામ કરવા માટે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જ્યારે ખાન સરનું કહેવું છે કે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી ઓછી ફી લેતા હોવાના કારણે અમુક કોચિંગ સંચાલકો તેમનાથી નારાજ છે. હાલ પોલીસ તમામ એન્ગલની તપાસ કરી રહી છે.

