વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થાએ પકડી ગતિ: 2025-26માં GDP વૃદ્ધિ દર 7.7%, GVAમાં 7.9%નો વધારો

ભારતની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વધુ એક મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોવિઝનલ એસ્ટિમેટ્સ અનુસાર દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2024-25ના 7.1 ટકાના વૃદ્ધિ દર કરતાં વધુ છે. આ સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવામાં સફળ રહ્યું છે.

મંત્રાલયના આંકડા અનુસાર 2025-26 દરમિયાન સ્થિર કિંમતો (2022-23 આધાર વર્ષ) પર ભારતનો વાસ્તવિક GDP ₹323.12 લાખ કરોડ સુધી પહોંચ્યો છે, જ્યારે એક વર્ષ અગાઉ તે ₹299.89 લાખ કરોડ હતો. બીજી તરફ વર્તમાન કિંમતો પર દેશનો નામાંકિત GDP ₹346.36 લાખ કરોડ નોંધાયો છે, જે અગાઉના વર્ષના ₹318.07 લાખ કરોડની સરખામણીએ 8.9 ટકાનો વધારો દર્શાવે છે.

GDP ઉપરાંત ગ્રોસ વેલ્યુ એડેડમાં (GVA) પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. 2025-26 દરમિયાન વાસ્તવિક GVA ₹294.91 લાખ કરોડ રહ્યો છે, જે અગાઉના વર્ષના ₹273.36 લાખ કરોડની સરખામણીએ 7.9 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે નામાંકિત GVA 9.1 ટકા વધીને ₹314.87 લાખ કરોડ થયો છે.

નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં પણ અર્થવ્યવસ્થાની ગતિ યથાવત રહી હતી. જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન વાસ્તવિક GDP 7.8 ટકાના દરે વધીને ₹87.77 લાખ કરોડ સુધી પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન GVAમાં પણ 7.9 ટકાનો વધારો નોંધાયો હતો.

અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાંથી પણ સકારાત્મક સંકેતો મળ્યા છે. કૃષિ, પશુપાલન, વન અને માછીમારી જેવા પ્રાથમિક ક્ષેત્રોને સારા અનાજ ઉત્પાદનનો લાભ મળ્યો હતો. કુલ ખાદ્ય અનાજ ઉત્પાદન વર્ષ દરમિયાન 5.3 ટકા વધ્યું હતું, જ્યારે અનાજ ઉત્પાદનમાં 5.2 ટકાનો વધારો નોંધાયો હતો.

મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ મજબૂત પ્રદર્શન કર્યું હતું. સિમેન્ટ ઉત્પાદન 8.7 ટકા વધ્યું, સ્ટીલ વપરાશમાં 8 ટકા વધારો થયો, જ્યારે કોમર્શિયલ વાહનોનાં વેચાણમાં 12.6 ટકા અને થ્રી-વ્હીલર્સના વેચાણમાં 12.8 ટકાનો વધારો નોંધાયો હતો.

સેવા ક્ષેત્ર પણ અર્થવ્યવસ્થાનું મુખ્ય ગ્રોથ એન્જિન બની રહ્યું. CGST વસૂલાતમાં 6.4 ટકાનો વધારો નોંધાયો, જ્યારે માલ અને સેવાઓની નિકાસમાં 9.3 ટકાની વૃદ્ધિ થઈ હતી. વાહનોની નોંધણી, એર ટ્રાફિક અને બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં થયેલો વધારો પણ આર્થિક પ્રવૃત્તિઓમાં તેજીનો સંકેત આપે છે.

આંકડા દર્શાવે છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ, ઉત્પાદન ક્ષમતામાં વધારો, વધતી સ્થાનિક માંગ અને નિકાસ ક્ષેત્રમાં થયેલી પ્રગતિના કારણે ભારતીય અર્થવ્યવસ્થા સતત મજબૂત બની રહી છે. 7.7 ટકાનો વૃદ્ધિ દર માત્ર ગયા વર્ષની સરખામણીએ સુધારો નથી, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતની આર્થિક સ્થિરતા અને વિકાસ ક્ષમતાનું મહત્વપૂર્ણ પ્રતિબિંબ છે.