કર્ણાટક સરકારમાં પાંચ કેબિનેટ બર્થની મુસ્લિમ નેતાઓની માંગ, કોંગ્રેસને આપી ‘ગંભીર પરિણામો’ની ચેતવણી

કર્ણાટકમાં કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદેથી રાજીનામું અપાવીને કમાન ડીકે શિવકુમારને સોંપી અને નવી સરકાર પણ બની ગઈ પણ વધુ એક સમસ્યા આવીને ઊભી રહી છે. રાજ્યના અમુક મુસ્લિમ મૌલવીઓ અને મજહબી નેતાઓએ માંગ કરી છે કે કેબિનેટમાં મુસ્લિમ સમુદાયના પાંચ સભ્યોને સ્થાન આપવામાં આવે. જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસે ગંભીર રાજકીય પરિણામો ભોગવવાં પડશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મજહબી નેતાઓનું કહેવું છે કે 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારોએ એકજૂથ થઈને કોંગ્રેસને પૂર્ણ બહુમતી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સમુદાયના સમર્થનને કારણે જ આજે કોંગ્રેસ સત્તા પર આવી છે, તેથી સરકારમાં તેમને યોગ્ય અને પૂરતું પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ.

કોંગ્રેસના વરિષ્ઠ મુસ્લિમ નેતાઓ જેવા કે બી. ઝેડ. ઝમીર અહમદ ખાન, એન. એ. હેરિસ, તનવીર સૈત અને સલીમ અહમદને કેબિનેટ મંત્રી બનાવવા માટેની માંગ ઉઠાવવામાં આવી રહી છે. મૌલવીઓએ જણાવ્યું કે યુ. ટી. ખાદરને પહેલાથી જ વિધાનસભા સ્પીકર જેવું બંધારણીય પદ મળ્યું છે, તેથી હવે બાકીના ચાર વરિષ્ઠ નેતાઓને પણ મંત્રીમંડળમાં સામેલ કરવા જોઈએ.

મુસ્લિમ સમુદાયના નેતાઓની બેઠકમાં હાજર વક્તાઓએ કહ્યું હતું કે પાર્ટીના આ નેતાઓ છેલ્લાં લગભગ 35થી 40 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે વફાદારીપૂર્વક જોડાયેલા છે અને તેમણે પક્ષ તેમજ સમુદાય માટે મોટું યોગદાન આપ્યું છે. ચૂંટણીમાં આપેલા સમર્થન બદલ કોંગ્રેસે મુસ્લિમ સમુદાયનું આ ‘ઋણ’ ચૂકવવું જ પડશે તેમ નેતાઓએ જણાવ્યું હતું.

કેટલાક મજહબી નેતાઓએ આક્રમક વલણ અપનાવતા ચેતવણી આપી હતી કે જો પાંચ મંત્રી પદ આપવામાં નહીં આવે તો તેઓ પોતાની રાજકીય તાકાત બતાવશે. જો કોંગ્રેસ હાઈકમાન્ડ આ માંગણીઓ સ્વીકારવામાં નિષ્ફળ રહેશે તો આગામી દિવસોમાં સમગ્ર કર્ણાટક રાજ્યમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.