રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, ગુજરાતના પણ ચારેય ઉમેદવારોની ઘોષણા: પહેલી વખત તમામ 11 સાંસદો હશે ભાજપના, કોંગ્રેસ હવે શૂન્ય

આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી છે. ગુજરાતમાં ખાલી પડી રહેલી ચારેય બેઠકો પર ઉમેદવારોની ઘોષણા કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં રાજુભાઈ શુકલા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયા રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારો હશે.

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો ખાલી પડી રહી છે અને વિધાનસભામાં સંખ્યાબળ જોતાં તમામ બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે.

ખાલી પડી રહેલી ચારમાંથી ત્રણ બેઠકો પર ભાજપના સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે, જ્યારે એક બેઠક હાલ કોંગ્રેસ પાસે હતી. શક્તિસિંહ ગોહિલ સાંસદ હતા.

આ ચાર બેઠકો પર ભાજપની જીત સાથે પહેલી વખત રાજ્યસભામાં ગુજરાતના તમામ 11 સાંસદો ભાજપના હશે. કોંગ્રેસ આ વખતે એક બેઠક પણ જીતી શકે તેમ નથી. હમણાં સુધી વિધાનસભામાં સંખ્યાબળને જોતાં રાજ્યસભામાં કોંગ્રેસ બેઠકો જાળવી રાખતી હતી.

અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો ભાજપે મધ્ય પ્રદેશથી પાર્ટીના વરિષ્ઠ નેતા તરુણ ચુગને ટિકિટ આપી છે.

મણિપુરનાં ભાજપ અધ્યક્ષ શારદા દેવી પણ રાજ્યસભા ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.

રાજસ્થાનથી ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતા સતીશ પુનિયાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ઓડિશામાં યોજાય રહેલી પેટાચૂંટણીમાં ભાજપે દેબાશીષ સામંતરાયને ટિકિટ આપી છે. સામંતરાય તાજેતરમાં જ બીજુ જનતા દળ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.