
નાશિક TCSથી સામે આવેલ જાતીય સતામણી અને બળજબરીપૂર્વક ધર્માંતરણની ઘટનાના કારણે ભારે હોબાળો મચ્યા બાદ સરકારે SITની રચના કરી હતી. હવે તપાસ કરી રહેલી SITએ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કેસની મુખ્ય ફરિયાદ કરનાર 23 વર્ષીય યુવતીએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તેને પાકિસ્તાની પ્રચારકો અને કટ્ટરપંથી વક્તાઓના વિડીયો બતાવીને તેનો ઇસ્લામ કબૂલવા માનસિક દબાણ કરવામાં આવતું હતું.
ચાર્જશીટ અનુસાર મુખ્ય આરોપી દાનિશ શેખે પીડિતાને ઇસ્લામિક ઉપદેશો તરફ વાળવા માટે પાકિસ્તાની મૌલવી તારિક જમીલના વિડીયો અને કટ્ટરપંથી ઝાકીર નાઈકનાં ભાષણો બતાવી રોજેરોજ દબાણ કર્યું હતું. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેને હિંદુ ધાર્મિક પ્રથાઓથી દૂર રાખવા માટે સતત પ્રયાસો કરવામાં આવતા હતા. તેને મંદિરે જતી રોકવામાં આવતી હતી અને ભગવાનના ભક્તિ ગીતો સાંભળવાની પણ મનાઈ કરવામાં આવી હતી.
મંદિર જવાની-ભગવાનના ગીતો સાંભળવાની કરવામાં આવતી મનાઈ
પીડિતાએ પોલીસને જણાવ્યું કે આરોપીઓએ તેની માનસિક નબળાઈનો ફાયદો ઉઠાવીને એક આયોજનબદ્ધ મનોવૈજ્ઞાનિક રમત રમી હતી. તેને એવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવી હતી કે જો તે ઇસ્લામ સ્વીકારશે તો તેનો માનસિક તણાવ ઓછો થઈ જશે. આરોપીઓના સતત દબાણ અને બ્રેઈનવોશના કારણે પીડિતા ધીમે-ધીમે તેમની વાતોમાં આવી ગઈ હતી અને માનવા લાગી હતી કે ધર્માંતરણ કરવાથી તેની ચિંતાઓ દૂર થઈ જશે. આ દરમિયાન જન્નત, જહન્નમ, કુર્બાની અને ઝમઝમ પાણી વિશે સમજાવવામાં આવતું હતું.
આ સમગ્ર મામલો દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ સાથે જોડાયેલો છે, જેમાં દાનિશ શેખ, તૌસિફ અત્તાર અને નિદા ખાનને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે દાનિશ શેખ પોતે પરિણીત હોવા છતાં તેને નિકાહની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કરતો હતો. જ્યારે યુવતીએ પોતાના ભવિષ્ય અને પરિવાર વિશે ચિંતા વ્યક્ત કરી, ત્યારે દાનિશ તેને કહેતો, “ડરવાની જરૂર નથી, અલ્લાહ આપણી સાથે છે. મંદિરે જવાનું અને ભગવાનના ગીતો સાંભળવાનું બંધ કરી દે, તારો તણાવ ઓછો થઈ જશે.”
તૌસિફ-નિદાને સોંપ્યું હતું હિંદુ પીડિતાને ઇસ્લામની માહિતી આપવાનું કામ
ચાર્જશીટમાં વધુમાં જણાવાયું છે કે દાનિશ શેખે તેના સાથી આરોપીઓ તૌસિફ અત્તાર અને નિદા ખાનને આ યુવતીને ઇસ્લામની વધુ માહિતી આપવાનું કામ સોંપ્યું હતું. તૌસિફ અત્તારે પીડિતાને તેના મોબાઈલ પર યુટ્યુબથી ઝાકીર નાઈક અને પાકિસ્તાની ઇસરાર અહેમદના વિડીયો શોધવા અને સાંભળવા માટે મજબૂર કરી હતી. પીડિતાએ આરોપીઓના ડર અને દબાણ હેઠળ આ તમામ વિડીયો જોયા હોવાની કબૂલાત કરી છે. આ ઉપરાંત આરોપી દાનિશે યુવતીના બેંક ખાતા અને UPI PINની વિગતો પણ મેળવી લીધી હતી.
SITએ આ કેસમાં પોતાની તપાસનો વ્યાપ વધાર્યો છે અને મુખ્ય ત્રણ આરોપીઓ સિવાય અન્ય લોકોની પણ સંડોવણી સામે આવી છે. જેમાં છત્રપતિ સંભાજીનગરના AIMIMના કોર્પોરેટર મતીન પટેલનું નામ પણ જોડવામાં આવ્યું છે. મતીન પટેલ પર આરોપ છે કે મુખ્ય આરોપી મહિલા નિદા ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી હોવાની જાણ હોવા છતાં તેણે નિદા ખાન ફરાર હતી ત્યારે તેને આશરો આપ્યો હતો અને કાયદાથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
106 સાક્ષીઓના નોંધ્યા નિવેદનો
આ કેસની ગંભીરતા જોતા મહારાષ્ટ્ર સરકારે રચેલી SITએ અત્યાર સુધીમાં 106 સાક્ષીઓના નિવેદનો નોંધીને મે મહિનામાં પ્રથમ ચાર્જશીટ રજૂ કરી હતી. આ સાક્ષીઓમાં પીડિતા, તેની માતા, TCSના કર્મચારીઓ અને કંપનીની POSHના સભ્યોનો સમાવેશ થાય છે. તપાસ આગળ વધતાં મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અન્ય 8 FIR સાથે સંબંધિત વધારાની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 મહિલા કર્મચારીઓ આવી ફરિયાદો સાથે આગળ આવી છે.
આ સમગ્ર વિવાદ અંગે TCSએ કડક વલણ અપનાવતા કેસમાં સંડોવાયેલા તમામ આરોપી કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે. કૃતિવાસને જણાવ્યું છે કે કંપની તેના કર્મચારીઓની સુરક્ષા, ગરિમા અને નૈતિક આચરણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. કંપનીમાં કોઈપણ પ્રકારની બળજબરી કે ગેરવર્તણૂક પ્રત્યે ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ છે અને ગુનેગારોને સજા અપાવવા માટે કંપની પોલીસ અને કાયદાકીય એજન્સીઓને પૂરેપૂરો સહયોગ આપી રહી છે.

