
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાને યોગ્ય ઠેરવીને સરકાર અને ચૂંટણી પંચને લીલી ઝંડી આપી છે.
જૂન 2025માં બિહારમાં SIR પ્રક્રિયાની શરૂઆત થયા બાદ કોર્ટમાં ઢગલેબંધ અરજીઓ કરીને આ પ્રક્રિયાની વૈધતાને પડકારવામાં આવી હતી. લાંબી સુનાવણીને અંતે ચુકાદામાં કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ પાસે આ પ્રક્રિયા કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને કોર્ટ તેમાં કોઈ સમસ્યા જોઈ રહી નથી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો.
ચુકાદામાં કોર્ટે કહ્યું કે SIR હાથ ધરવા પાછળ ચૂંટણી પંચે આપેલાં કારણોથી સુપ્રીમ કોર્ટ સંપૂર્ણપણે સંતુષ્ટ છે. છેલ્લે SIR થયાને લગભગ ચારેક દાયકા વીતી ચૂક્યા હતા અને આટલાં વર્ષોમાં અનેક નામો મતદાર યાદીમાં ઉમેરાયાં, દૂર થયાં, શહેરીકરણ ખૂબ ઝડપથી થયું, લોકો મોટી સંખ્યામાં સ્થળાંતરિત થયા, જેના કારણે રિપિટેશન અને યાદીમાં ખામી જેવી સમસ્યા આવે એ સ્વાભાવિક હતું અને એટલે જ આ પ્રક્રિયા કરવી અનિવાર્ય હતી.
Supreme Court upholds the decision of Election Commission of India’s (ECI) to undertake Special Intensive Revision (SIR) of voter rolls that started in Bihar.
— ANI (@ANI) May 27, 2026
A bench led by CJI Surya Kant has held that the SIR exercise cannot be struck down as ultra vires (illegal) just… pic.twitter.com/YLBr1V8bF4
‘ફ્રી એન્ડ ફેર ઈલેક્શન’ એટલે માત્ર મતદાન યોગ્ય રીતે થાય એમ નહીં, મતદાર યાદી પણ શુદ્ધ હોવી જોઈએ: કોર્ટ
કોર્ટે કહ્યું કે, SIRથી તો બંધારણમાં જે ‘ફ્રી એન્ડ ફેર ઈલેક્શન’ની વાત કરવામાં આવી છે એ જ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. ‘ફ્રી એન્ડ ફેર ઈલેક્શન’ એટલે માત્ર મતદાન યોગ્ય રીતે થાય એ જ નહીં, તેમાં મતદાર યાદીની શુદ્ધતા, ચોકસાઈ અને વિશ્વસનીયતા પણ જોવાની હોય છે અને એ જ લોકતાંત્રિક પ્રક્રિયાના પાયાની બાબતો ગણાય છે.
શું ચૂંટણી પંચ કોઈ વ્યક્તિની નાગરિકતા પર નિર્ણય કરી શકે કે કેમ, એ મુદ્દો આ વિવાદમાં મુખ્ય હતો. કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ આ બાબતે ચોક્કસપણે નિર્ણય કરી શકે છે પરંતુ તેની મર્યાદા જે-તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ કે ન હોવું જોઈએ એ નક્કી કરવા સુધીની છે. કોર્ટે ઉમેર્યું કે જો વ્યક્તિએ પૂરી પાડેલી માહિતી સંતોષકારક ન લાગે અને શંકા ઉત્પન્ન કરે તો ચૂંટણી પંચને પૂરેપૂરો અધિકાર છે કે જે-તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ન ઉમેરે કે પહેલેથી હોય તો હટાવવાની કાર્યવાહી કરી શકે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહીનો અર્થ એ ન થાય કે જે-તે વ્યક્તિ ભારતનો નાગરિક નથી.
મામલો ગત વર્ષે બિહારમાં હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા બાદ કોર્ટમાં પહોંચ્યો હતો. અમુક NGO, આંદોલનજીવીઓ અને મહુઆ મોઈત્રા જેવા વિપક્ષી નેતાઓએ પ્રક્રિયાને કોર્ટમાં પડકારી હતી અને દલીલ આપી હતી કે ચૂંટણી પંચને આનો અધિકાર નથી. કોર્ટે સુનાવણી કરી પરંતુ પ્રક્રિયા પર રોક લગાવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ નવી યાદીના આધારે બિહારની વિધાનસભા ચૂંટણી થઈ. પછીથી ચૂંટણી પંચે ગજરાત, બંગાળ, UP સહિતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આ પ્રક્રિયા હાથ ધરી. આખરે ત્રીજા તબક્કામાં બાકીનાં રાજ્યોમાં SIRની ઘોષણા કરવામાં આવી છે, જે આ વર્ષના અંત સુધી ચાલશે.

