હોમપેજરાજકારણમાત્ર વિકાસ નહીં, ભારતના ખોવાયેલા આત્મવિશ્વાસ, રાષ્ટ્રગૌરવ અને હિંદુ સંસ્કૃતિના પુનર્જાગરણની ગાથા...

માત્ર વિકાસ નહીં, ભારતના ખોવાયેલા આત્મવિશ્વાસ, રાષ્ટ્રગૌરવ અને હિંદુ સંસ્કૃતિના પુનર્જાગરણની ગાથા છે મોદી યુગનાં 12 વર્ષ

રસ્તાઓ, એરપોર્ટો અને ડિજિટલ ક્રાંતિની બહાર પણ એક મોટી ગાથા ચાલી રહી હતી, એક એવી ગાથા જેમાં ભારત પોતાના ખોવાયેલા આત્મવિશ્વાસ, રાષ્ટ્રગૌરવ અને સનાતન સંસ્કૃતિને ફરી જીવંત કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું અને કદાચ આ જ કારણ છે કે 26 મે 2014 માત્ર એક શપથવિધિની તારીખ બનીને નથી રહી, તે ઘણા લોકો માટે ભારતના નવા અધ્યાયની શરૂઆત બની ગઈ છે.

- Advertisement -

ભારતના રાજકીય ઇતિહાસમાં કેટલીક તારીખો એવી હોય છે, જે ફક્ત સત્તા પરિવર્તનની ઘટના બનીને રહેતી નથી, પરંતુ દેશના સામૂહિક મન પર ઊંડી અસર છોડી જાય છે. 26 મે 2014 એવી જ એક તારીખ હતી. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે દિલ્હીમાં માત્ર નવી સરકાર નહોતી રચાઈ, પણ એક એવો રાજકીય અને સાંસ્કૃતિક યુગ શરૂ થયો હતો, જેણે આગામી વર્ષોમાં ભારતની ભાષા, વિચારધારા અને આત્મવિશ્વાસને જ બદલી નાખ્યો.

તે પહેલાંના વર્ષોમાં દેશની અંદર એક પ્રકારની થાકેલી નિરાશા ફેલાઈ ગઈ હતી. ભ્રષ્ટાચારના કૌભાંડો, નીતિગતિહિનતા, આતંકવાદી હુમલાઓ, કેન્દ્ર સરકારની નબળી છબી અને વંશવાદી રાજકારણથી સામાન્ય ભારતીય કંટાળી ગયા હતા. લોકોને લાગતું હતું કે ભારત પાસે ક્ષમતા તો છે, પરંતુ ઇચ્છાશક્તિ નથી. દેશ પાસે યુવા શક્તિ છે, સંસ્કૃતિ છે, ઇતિહાસ છે, પરંતુ તેને વિશ્વાસપૂર્વક વ્યક્ત કરનાર નેતૃત્વ નથી. એવા સમયમાં ગુજરાતમાંથી આવેલા એક નેતાએ માત્ર ચૂંટણી નહોતી જીતી, પરંતુ લોકોના મનમાં દબાઈ ગયેલી આશાને ફરી જગાડી હતી.

હિંદુઓ માટે 2014 માત્ર એક રાજકીય વિજય નહોતો. તેઓ તેને એક એવા ટર્નિંગ પોઈન્ટ તરીકે જુએ છે, જ્યાં ભારતે લાંબા સમય પછી પોતાની જાતને ફરી ગંભીરતાથી જોવાનું શરૂ કર્યું. કદાચ આ જ કારણ છે કે મોદી યુગની ચર્ચા માત્ર વિકાસ સુધી સીમિત રહેતી નથી. તેમાં રાષ્ટ્રવાદ છે, સંસ્કૃતિ છે, ઐતિહાસિક સ્મૃતિ છે અને સૌથી મહત્વપૂર્ણ ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવાની ભાવના છે.

- Advertisement -

કોંગ્રેસયુગની માનસિકતા સામે ઉભું થયેલું એક નવું ભારત

દાયકાઓ સુધી ભારતીય રાજકારણમાં એક ખાસ પ્રકારની બુદ્ધિજીવી માનસિકતા હાવી રહી હતી. દેશમાં આધુનિકતા અને પશ્ચિમીકરણને ઘણીવાર સમાન ગણવામાં આવતું હતું. પોતાની સંસ્કૃતિ વિશે ગર્વથી બોલવું ‘પછાત’ ગણાતું, હિંદુ સંસ્કૃતિ વિશે ખુલ્લેઆમ વાત કરવી ‘સાંપ્રદાયિક’ ઠેરવાતી અને રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કરનારને ઘણીવાર શંકાની નજરે જોવામાં આવતો. આ માહોલમાં ભારતનો બહુમતી સમાજ ઘણીવાર પોતાના જ દેશની જાહેર ચર્ચામાં અજાણ્યો લાગતો હતો.

2014 પછી પહેલી વખત કેન્દ્રમાં એવી સરકાર આવી જેણે આ માનસિક માળખાને સીધો પડકાર આપ્યો. મોદી યુગે વિકાસની સાથે રાષ્ટ્રગૌરવની ભાષાને મુખ્યપ્રવાહમાં ભેળવી. હવે જાહેર મંચો પર ‘ભારત માતા કી જય’ કે ‘જય શ્રીરામ’ બોલવું રાજકીય રીતે અયોગ્ય ગણાતું નથી. મંદિર, તીર્થસ્થળો, હિંદુ પરંપરા અને સભ્યતાગત વારસાની ચર્ચા હવે રાષ્ટ્રીય ચર્ચાનો ભાગ બની ગઈ.

વિરોધીઓ માટે આ આક્રમક રાષ્ટ્રવાદ હોય શકે, પરંતુ હિંદુઓ અને દેશના નાગરિકો માટે આ સાંસ્કૃતિક આત્મવિશ્વાસની પુનઃપ્રાપ્તિ હતી. વર્ષો સુધી પોતાના જ દેશમાં પોતાના જ પ્રતીકોને લઈને સંકોચ અનુભવતો સમાજ હવે જાહેરના પોતાની ઓળખ વ્યક્ત કરતો થયો. કદાચ આ જ કારણે મોદી યુગને સિવિલાઇઝેશનલ કરેક્શન તરીકે પણ વર્ણવવામાં આવે છે.

રામ મંદિરથી પાવાગઢ સુધી: સંસ્કૃતિને ફરી કેન્દ્રસ્થાને લાવવાનો પ્રયાસ

મોદી યુગની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેણે ભારતની સાંસ્કૃતિક સ્મૃતિને ફરી જીવંત કરવાનો પ્રયત્ન કર્યો. દાયકાઓ સુધી દેશના ઘણા ઐતિહાસિક અને ધાર્મિક પ્રતીકો રાજકીય વિવાદોમાં ફસાયેલાં રહ્યાં હતાં. પરંતુ છેલ્લા 12 વર્ષમાં પહેલી વખત એવું લાગ્યું કે રાજ્ય અને સંસ્કૃતિ વચ્ચેનો તૂટેલો સંબંધ ફરી જોડાઈ રહ્યો છે.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ આ સમગ્ર પરિવર્તનનું સૌથી મોટું પ્રતીક બનીને ઉભર્યું. કોટિ કોટિ હિંદુઓ માટે આ માત્ર મંદિરનું નિર્માણ નહોતું, આ તેમની ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્મૃતિનું પુનઃસ્થાપન હતું. દાયકાઓ સુધી કોર્ટ, રાજકારણ અને બુદ્ધિજીવી ચર્ચાઓમાં અટવાયેલો પ્રશ્ન આખરે પૂર્ણ થયો અને જ્યારે પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે કરોડો લોકો માટે તે ભાવનાત્મક રીતે ઐતિહાસિક ક્ષણ બની ગઈ.

પરંતુ આ પરિવર્તન માત્ર અયોધ્યા સુધી મર્યાદિત નહોતું. કાશી વિશ્વનાથ કોરિડોરે કાશીને નવી ઓળખ આપી. મહાકાલ લોકે મહાકાલના પ્રાચીન આધ્યાત્મિક કેન્દ્રને ભવ્ય સ્વરૂપ આપ્યું અને ગુજરાતના પાવાગઢના મહાકાળી મંદિરમાં સદીઓ બાદ શિખર પર ફરી ભગવો ફરક્યો તે ક્ષણ લાખો લોકો માટે એક પ્રતીકાત્મક સભ્યતાગત ઘટના બની. એવી ઘટના કે જેને કહી શકાય ‘ન ભૂતો ન ભવિષ્યતિ’

પાવાગઢની ઘટના માત્ર ધાર્મિક પ્રસંગ નહોતી. તે જાણે ઇતિહાસના ઘા છતાં જીવંત રહેલી સંસ્કૃતિની ઘોષણા હતી. હિંદુઓ માટે આ એક એવો સંદેશ હતો કે ભારત હવે પોતાની સંસ્કૃતિથી દૂર ભાગતું રાષ્ટ્ર નહીં, પરંતુ તેને ગૌરવથી સ્વીકારતું રાષ્ટ્ર બની રહ્યું છે.

આર્ટીકલ 370થી સર્જિકલ સ્ટ્રાઈક સુધી: બદલાતી રાષ્ટ્રીય ઇચ્છાશક્તિ

મોદી યુગની બીજી મોટી ઓળખ રાષ્ટ્રીય સુરક્ષા અને રાજકીય નિર્ધારિતતા રહી છે. વર્ષો સુધી આતંકવાદી હુમલાઓ પછી ભારતની પ્રતિક્રિયા ઘણીવાર નિવેદનો અને કડક નિંદા સુધી મર્યાદિત રહેતી હતી. પરંતુ 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની એર સ્ટ્રાઈક પછી દેશમાં પહેલી વખત એવો માહોલ ઉભો થયો કે ભારત હવે માત્ર હુમલા સહન કરનાર દેશ નહીં, જવાબ આપનાર દેશ પણ છે.

આ કાર્યવાહીનો પ્રભાવ માત્ર સૈન્ય મર્યાદામાં નહોતો. તે માનસિક રીતે પણ બહુ મોટો હતો. સામાન્ય ભારતીય માટે આ એક એવા રાષ્ટ્રની છબી હતી, જે પોતાના સન્માન અને સુરક્ષાને લઈને વધુ મક્કમ બની રહ્યું હતું. સમર્થકો માટે આ કાર્યવાહી ભારતના બદલાયેલા આત્મવિશ્વાસનું પ્રતીક હતી.

તે જ રીતે આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય પણ દાયકાઓથી અશક્ય માનવામાં આવતી બાબત હતી. કાશ્મીરને લઈને ભારતના રાજકારણમાં જે સ્ટેટસ ક્વો વર્ષો સુધી ચાલતો રહ્યો હતો, તેને મોદી સરકારે એક જ નિર્ણયથી બદલી નાખ્યો. સમર્થકો માટે આ માત્ર કાનૂની કે બંધારણીય મુદ્દો નહોતો, તે ભારતના રાષ્ટ્રીય એકીકરણની અધૂરી પ્રક્રિયા પૂર્ણ થવાની ક્ષણ હતી.

ગરીબ કલ્યાણ અને રાષ્ટ્રવાદનો અનોખો સમન્વય

મોદી યુગને માત્ર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદથી સમજવો અધૂરો અભિગમ રહેશે. કારણ કે આ 12 વર્ષમાં એક સાથે બે સમાનાંતર નેરેટિવ ચાલ્યા. એક તરફ રાષ્ટ્રગૌરવ અને સાંસ્કૃતિક પુનર્જાગરણ અને બીજી તરફ ગરીબ કલ્યાણ અને રાજ્યસંચાલનની નવી પદ્ધતિ.

ઉજ્જ્વલા યોજના, જનધન ખાતાઓ, શૌચાલય અભિયાન, DBT, ડિજિટલ પેમેન્ટ્સ, મફત અનાજ યોજના અને ગ્રામિણ વિસ્તારો સુધી પહોંચતી કલ્યાણકારી યોજનાઓએ કરોડો લોકોના જીવન પર સીધી અસર કરી. મોદી સરકારે પહેલી વખત ગરીબોને માત્ર મતદાર તરીકે નહીં, પરંતુ રાજ્યના સીધા હકદાર તરીકે જોવાનો પ્રયાસ કર્યો.

ખાસ કરીને ડિજિટલ ઇન્ડિયા અભિયાન પછી ભારતની પ્રશાસનિક સંસ્કૃતિમાં મોટો ફેરફાર આવ્યો. એક સમય એવો હતો જ્યારે સરકારી સહાય મેળવવા માટે ભ્રષ્ટાચાર અને મધ્યસ્થીઓનો સામનો કરવો પડતો. આજે DBT અને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા સીધા ખાતામાં પૈસા પહોંચાડવાની વ્યવસ્થાએ સરકાર અને સામાન્ય નાગરિક વચ્ચેનું અંતર ઘટાડ્યું.

આ જ કારણ છે કે મોદી યુગમાં રાષ્ટ્રવાદ માત્ર ભાષણોમાં નહીં, પરંતુ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાયેલો દેખાયો. એક તરફ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું તો બીજી તરફ ગામડાં સુધી નળનું પાણી અને મફત અનાજ પણ પહોંચતું હતું. કદાચ આ બંનેનો સમન્વય જ મોદીની સૌથી મોટી રાજકીય શક્તિ બન્યો.

વિશ્વમંચ પર બદલાતું ભારત

મોદી યુગ પહેલાં ભારત ઘણીવાર વૈશ્વિક મંચ પર એક કોશિયસ પાવર તરીકે દેખાતું હતું. પરંતુ છેલ્લા 12 વર્ષમાં ભારતે પોતાની વિદેશ નીતિમાં વધુ આત્મવિશ્વાસપૂર્ણ અભિગમ અપનાવ્યો. આજે ભારત અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારી જાળવીને પણ રશિયા સાથે સંબંધ રાખે છે, મધ્યપૂર્વમાં સંતુલન સાધે છે અને QUAD જેવા ગઠબંધનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

G20 સમિટ દરમિયાન ભારતે પોતાની સભ્યતાગત ઓળખને વૈશ્વિક રાજનીતિ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. ‘ભારત’ નામને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ પ્રબળ રીતે રજૂ કરવું હોય કે વૈશ્વિક દક્ષિણના નેતા તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ આ બધું મળીને એક નવા ભારતની છબી ઊભી કરતું હતું.

આ પરિવર્તન બહુ મહત્વપૂર્ણ છે. કારણ કે વર્ષો પછી ભારતે વિશ્વ સામે પોતાની ઓળખ ગૌરવપૂર્વક રજૂ કરવાનું શરૂ કર્યું છે. હવે ભારત માત્ર બજાર કે વિકાસશીલ દેશ તરીકે નહીં, પરંતુ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતા આત્મવિશ્વાસી રાષ્ટ્ર તરીકે જોવાઈ રહ્યું છે.

મોદી: માત્ર નેતા નહીં, એક ફિનોમેનન

આ બધાની વચ્ચે સૌથી રસપ્રદ બાબત કદાચ ખુદ નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ છે. ભારતીય રાજકારણમાં ભાગ્યે જ કોઈ નેતા એવો આવ્યો હશે, જેણે સમર્થકોમાં આટલું તીવ્ર ભાવનાત્મક જોડાણ ઉભું કર્યું હોય. એક સામાન્ય ચા વેચનારથી દેશના સૌથી શક્તિશાળી નેતા સુધીની તેમની યાત્રા લાખો લોકો માટે પ્રેરણાનું પ્રતીક બની ગઈ.

તેમની ભાષા, તેમની નીતિ, સીધા લોકો સાથે કનેક્ટ થવાની ક્ષમતા અને સતત ચૂંટણી જીતવાની કળાએ તેમને માત્ર રાજકીય નેતા નહીં, પરંતુ રાષ્ટ્રીય ફિનોમેનનમાં ફેરવી દીધા. વિરોધીઓ સતત ટીકા કરે છે, પરંતુ એ પણ સત્ય છે કે 12 વર્ષ પછી પણ મોદી ભારતીય રાજકારણના કેન્દ્રમાં છે.

કદાચ આ જ કારણ છે કે લાખો સમર્થકો માટે મોદી માત્ર વડા પ્રધાન નથી. તેઓ એક એવા યુગના પ્રતીક છે, જેમાં ભારતે લાંબા સમય પછી પોતાની જાતને ફરી શોધવાનો પ્રયાસ કર્યો. રસ્તાઓ, એરપોર્ટો અને ડિજિટલ ક્રાંતિની બહાર પણ એક મોટી ગાથા ચાલી રહી હતી, એક એવી ગાથા જેમાં ભારત પોતાના ખોવાયેલા આત્મવિશ્વાસ, રાષ્ટ્રગૌરવ અને સનાતન સંસ્કૃતિને ફરી જીવંત કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું અને કદાચ આ જ કારણ છે કે 26 મે 2014 માત્ર એક શપથવિધિની તારીખ બનીને નથી રહી, તે ઘણા લોકો માટે ભારતના સભ્યતાગત પુનર્જાગરણના નવા અધ્યાયની શરૂઆત બની ગઈ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં