જૂનાગઢ અને ગીર પટ્ટામાં ઘેઘૂર આંબાવાડીઓને પાલવતા ખેડૂતોને કદાચ ખબર પણ નહીં હોય કે થોડા જ દિવસોમાં તેની કેરીઓને લંડનના સુપરમાર્કેટમાં કાચના પ્રકાશ નીચે સજાવવામાં આવશે. ગીરના ખેતરમાંથી તૂટી નીકળેલી આ કેરી હવે માત્ર એક ઋતુપ્રધાન ફળ નથી રહી. આજે તે ગુજરાતની ઓળખ છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ઉભી થયેલી એક ભારતીય બ્રાન્ડ છે અને એ ચર્ચાનું કેન્દ્ર છે કે કેવી રીતે એક સ્થાનિક કૃષિ ઉપજ વૈશ્વિક ઓળખ મેળવી શકે.
વર્ષો સુધી ‘ગીર કેસર’નાં નામે દેશના અનેક બજારોમાં વેચાતી નકલી કેરીઓ, અવ્યવસ્થિત વેપાર અને મધ્યસ્થીઓના જાળામાં ફસાયેલા ખેડૂતો વચ્ચે ગીરની અસલ કેસર માટે પોતાની અલગ ઓળખ મેળવવી સરળ નહોતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ બદલાઈ છે. હવે ‘ગીર કેસર’ માત્ર એક નામ નથી, પરંતુ એક પ્રમાણિત ઓળખ છે અને આ પરિવર્તનની ચર્ચા વચ્ચે ફરી એકવાર GI ટેગ એટલે શું અને ગીરની કેસર માટે તે કેટલું મહત્વનું સાબિત થયું તેની ચર્ચા તેજ બની છે.
આખરે GI ટેગ છે શું?
ભારતમાં ઘણી એવી વસ્તુઓ છે જે માત્ર એક ઉત્પાદન નથી, પરંતુ કોઈ વિસ્તારની ઓળખ, પરંપરા અને ઇતિહાસ સાથે જોડાયેલી છે. દાર્જીલિંગની ચા હોય, બનારસી સાડી હોય કે કચ્છનું બાંધણીકામ, આ વસ્તુઓને માત્ર બજારમાં વેચાતી ચીજ તરીકે જોવી ખોટું કહેવાય. કારણ એની પાછળ આખા પ્રદેશની ઓળખ, લોકોની કુશળતા અને વર્ષોની પરંપરા જોડાયેલી હોય છે. આવી વસ્તુઓને કાનૂની રીતે વિશેષ ઓળખ આપવા માટે જ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI ટેગ આપવામાં આવે છે.
સરળ ભાષામાં કહીએ તો GI ટેગ એ એવી સત્તાવાર ઓળખ છે જે કહે છે કે કોઈ ઉત્પાદન તેની વિશિષ્ટ ગુણવત્તા, પરંપરા અથવા સ્વાદ માટે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સાથે જ જોડાયેલું છે. એટલે કે દરેક કેરી ‘ગીરની કેસર’ બની શકતી નથી. માત્ર ગીર અને તેની આસપાસના નિર્ધારિત વિસ્તારમાં ઉગાડાયેલી અસલ કેસર જ આ ઓળખ મેળવી શકે. આ ટેગનો સૌથી મોટો લાભ એ થાય છે કે નકલી ઉત્પાદનો સામે રક્ષણ મળે છે, ગ્રાહકને અસલ વસ્તુની ખાતરી મળે છે અને સ્થાનિક ઉત્પાદકોને તેમની મહેનતનો યોગ્ય ભાવ મળવાની શક્યતા વધે છે.
પરંતુ GI ટેગને માત્ર કાનૂની સર્ટિફિકેટ માની લેવું ભૂલ થશે. હકીકતમાં આ બ્રાન્ડિંગનું હથિયાર છે. દુનિયાના બજારમાં જ્યાં ઇટાલિયન પાર્મેસન ચીઝ, ફ્રેન્ચ શેમ્પેન અથવા સ્વિસ ઘડિયાળો જેવી ઓળખો પ્રીમિયમ કેટેગરીમાં ગણાય છે, ત્યાં ભારત પણ પોતાની પરંપરાગત ઉપજને આવી જ રીતે વૈશ્વિક ઓળખ આપવા માંગે છે. ગીરની કેસર આ મોડલનું સૌથી રસપ્રદ ઉદાહરણ બની રહી છે.
નોંધવા જેવું છે કે ભારતમાં GI ટેગ આપવાનું કામ ચેન્નાઈ સ્થિત ‘જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ રજિસ્ટ્રી’ દ્વારા કરવામાં આવે છે, જે કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. કોઈ ઉત્પાદનની વિશિષ્ટ ગુણવત્તા, પરંપરા, ઇતિહાસ અને ભૌગોલિક ઓળખને આધારે તેને આ સત્તાવાર માન્યતા આપવામાં આવે છે.
પહેલાં શું સમસ્યા હતી?
ગુજરાતમાં કેસર કેરીનું નામ વર્ષોથી લોકપ્રિય હતું. પરંતુ બજારમાં ‘ગીરની કેસર’ નામનો દુરુપયોગ પણ એટલો જ મોટો હતો. દેશના અનેક રાજ્યોમાં ઉગાડાયેલી સામાન્ય કેરીઓ પણ ‘ગીર કેસર’ તરીકે વેચાતી હતી. મોટા શહેરોના બજારમાં ગ્રાહક માટે એ ઓળખવું મુશ્કેલ હતું કે ખરેખર ગીરની અસલ કેસર કઈ છે. વેપારીઓ માટે ‘ગીર કેસર’ એક બ્રાન્ડ બની ગઈ હતી, પરંતુ એ બ્રાન્ડનો સૌથી ઓછો લાભ મૂળ ખેડૂતોને મળતો હતો.
ખેડૂતો વર્ષભર મહેનત કરીને જે ઉપજ તૈયાર કરતા, તેની પ્રીમિયમ વેલ્યૂ ઘણીવાર વચેટિયા અને વેપારીઓ લઈ જતા. બીજી બાજુ એક્સપોર્ટ માર્કેટમાં પણ મોટો પ્રશ્ન હતો. વિદેશી ખરીદદારોને પ્રોડક્ટ ટ્રેસેબિલિટી જોઈએ. તેઓ જાણવા માંગતા કે ફળ ક્યાં ઉગાડાયું, કેવી રીતે પ્રોસેસ થયું અને તેની ગુણવત્તા શું છે. પરંતુ જ્યારે બજારમાં નકલી ગીરની કેસર ભરેલી હોય ત્યારે વિદેશી ખરીદદારો માટે વિશ્વાસ ઉભો કરવો મુશ્કેલ બની જાય.
એટલે જ GI ટેગ ગીરની કેસર માટે માત્ર એક પ્રમાણપત્ર નહોતું, પરંતુ ઓળખના સંકટનો ઉકેલ હતું. એકવાર ‘ગીર કેસર’ને સત્તાવાર ઓળખ મળી, ત્યારથી આ નામની આસપાસ ઓથેન્ટિસિટીનું કવચ ઊભું થવા લાગ્યું. હવે વેપારીઓ માટે કોઈ પણ કેરીને ‘ગીર કેસર’ તરીકે વેચવી સરળ નહોતું. ગ્રાહક માટે પણ આ નામ પ્રીમિયમ ટ્રસ્ટ સાથે જોડાવા લાગ્યું.
ગીરની કેસર કેવી રીતે બની પ્રીમિયમ બ્રાન્ડ?
કોઈપણ ઉત્પાદન ઇન્ટરનેશનલ બ્રાન્ડ માત્ર જાહેરાતોથી નથી બનતું. તેની પાછળ સપ્લાય ચેઇન, સર્ટિફિકેશન, પ્રોસેસિંગ અને માર્કેટિંગનો આખો ઢાંચો ઉભો કરવો પડે છે. ગીરની કેસર સાથે પણ એ જ થયું. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકારે, APEDA જેવી સંસ્થાઓએ અને સ્થાનિક ખેડૂતોના સંગઠિત ઉત્પાદક જૂથો એટલે કે FPOsએ મળીને એક એવી એક્સપોર્ટ ઇકોસિસ્ટમ ઊભી કરી કે જેમાં ગીરની કેસર ધીમે-ધીમે વૈશ્વિક બજારમાં પ્રવેશવા લાગી.
અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં ફળ એક્સપોર્ટ કરવા સહેલું નથી. ત્યાં ફૂડ સેફ્ટી નોર્મ્સ કડક હોય છે. ફળમાં જીવાત, બેક્ટેરિયા અથવા કેમિકલ અંગે કડક તપાસ થાય છે. તેથી જ એક્સપોર્ટ પહેલાં હોટ વોટર ટ્રીટમેન્ટ અને ઇરેડિયેશન જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. ઘણા સામાન્ય લોકો માટે આ શબ્દો ટેક્નિકલ લાગી શકે, પરંતુ ગીરની કેસરના વૈશ્વિક પ્રવાસમાં આ પ્રક્રિયાઓએ જ મોટો ભાગ ભજવ્યો છે.
આજે જ્યારે ગીરની કેસર લંડન, દુબઈ અથવા ન્યૂ જર્સીના સ્ટોર્સમાં પહોંચે છે, ત્યારે તેની પાછળ માત્ર ખેતી નથી, પરંતુ આખી વૈજ્ઞાનિક અને વેપારી પ્રક્રિયા કામ કરતી હોય છે. ફળ તોડવાથી લઈને સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકેજિંગ, સર્ટિફિકેશન અને કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સ સુધી દરેક પગલું મહત્વનું હોય છે. એક સમય હતો જ્યારે ભારતીય કૃષિ ઉપજ મોટાભાગે સ્થાનિક હાટ બજારો સુધી મર્યાદિત રહેતી. હવે એ જ ઉત્પાદન પ્રીમિયમ ઇન્ટરનેશનલ શેલ્ફ્સ સુધી પહોંચી રહ્યું છે.
લંડનથી મિડલ-ઈસ્ટ સુધી કેમ વધી માંગ?
જો કોઈને પૂછવામાં આવે કે વિશ્વમાં ભારતીય કેરીનું સૌથી મોટું નામ શું છે તો ઘણા લોકો તરત આલ્ફોન્સોનું (હાપુસ) નામ લે. વર્ષો સુધી હાપુસે પ્રીમિયમ મેંગો માર્કેટ પર એકછત્ર રાજ કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગીરની કેસર ધીમે-ધીમે પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે.
કેસરની વિશેષતા તેનો રંગ, મીઠાશ અને સુગંધ છે. ‘કેસર’ નામ જ તેની અંદરના કેસરિયા ગૂદાને કારણે પડ્યું હોવાનું કહેવાય છે. જ્યારે આ કેરી સંપૂર્ણ રીતે પાકે છે ત્યારે તેનો રંગ અને સુગંધ બંને તેને અલગ બનાવે છે. ખાસ કરીને ગુજરાતી ડાયસ્પોરામાં તેની માંગ ભારે છે. UK, મિડલ-ઈસ્ટ અને અન્ય દેશોમાં વસતા ગુજરાતીઓ માટે ગીરની કેસર માત્ર ફળ નથી, પરંતુ પોતાના પ્રદેશ સાથેનો ભાવનાત્મક સંબંધ પણ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં યુરોપિયન બજારમાં પણ ભારતીય કેરી માટેનો આગ્રહ વધ્યો છે. રસપ્રદ બાબત એ છે કે પ્રીમિયમ ફ્રૂટ માર્કેટમાં હવે લોકો માત્ર ટેસ્ટ નહીં, પરંતુ ઓરિજિન ઇતિહાસ પણ ખરીદે છે. જેમ કોઈ વ્યક્તિ ઇટાલિયન ઓલિવ ઓઇલ માટે તેની જમીન અને પરંપરા વિશે જાણે છે, તેમ હવે ‘ગીર કેસર’ પણ પોતાની ઓરિજિન આઇડેન્ટી સાથે વેચાઈ રહી છે. GI ટેગ અહીં માર્કેટિંગ નેરેટિવ બની જાય છે.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી ગીર કેસર કેરીની 3000 મેટ્રિક ટનથી વધુ નિકાસ અમેરિકા, કેનેડા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં થઈ હોવાનું સરકારી આંકડાઓમાં જણાવાયું છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી વિસ્તારનો ‘કેસર બેલ્ટ’ હવે માત્ર સ્થાનિક બજાર પૂરતો મર્યાદિત રહ્યો નથી. GI ટેગ મળ્યા પછી ગીર કેસરની ઓળખ વધુ મજબૂત બની છે અને નિકાસ માટે હોર્ટીનેટ રજિસ્ટ્રેશન, ઇરેડિયેશન સુવિધા તથા ગુણવત્તા પ્રમાણપત્ર જેવી વ્યવસ્થાઓ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
નકલી ‘કેસર’ સામે કેવી રીતે મળ્યું રક્ષણ?
ગીરની કેસરને લઈને સૌથી મોટી સમસ્યાઓમાંથી એક હતી ફેક બ્રાન્ડિંગ. ઘણા વેપારીઓ બીજી જગ્યાની કેરીને પણ ‘ગીર કેસર’ તરીકે વેચતા હતા. સામાન્ય ગ્રાહક માટે એ સમજવું મુશ્કેલ હતું કે જે કેરી તે ખરીદી રહ્યો છે તે ખરેખર ગીરની છે કે નહીં.
GI ટેગ મળ્યા પછી આ સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો. હવે ‘ગીર કેસર’ નામ માત્ર નિર્ધારિત વિસ્તારમાં ઉગાડાયેલી કેરી માટે જ વાપરી શકાય છે. આથી બ્રાન્ડ માટેની સુરક્ષા મજબૂત બની. ખેડૂતો અને એક્સપોર્ટ એસોસિએશન્સ માટે પણ આ મોટી જીત હતી. કારણ કે હવે વિદેશી ખરીદદારોને અસલ પ્રોડક્ટની ખાતરી આપવી સરળ બની.
આ મુદ્દો માત્ર નામનો નથી. બ્રાન્ડ વેલ્યૂનો છે. જો કોઈ પણ વેપારી નકલી પ્રોડક્ટને પ્રીમિયમ નામથી વેચી શકે તો અસલ ઉત્પાદકની વેલ્યૂ ઘટી જાય છે. GI ટેગ એ વેલ્યૂ પાછી ખેડૂતો તરફ ખસેડવાનો પ્રયત્ન કરે છે.
ખેડૂતોને ખરેખર શું ફાયદો થયો?
ઘણીવાર લોકો માને છે કે GI ટેગ માત્ર કાગળ પરની ઓળખ છે. પરંતુ ગીરની કેસરના કિસ્સામાં તેનો આર્થિક અર્થ પણ સ્પષ્ટ દેખાય છે. જ્યારે કોઈ ઉત્પાદન પ્રીમિયમ આઇડેન્ટિટી મેળવે છે ત્યારે તેના ભાવમાં વધારો થવાની શક્યતા વધે છે. એક્સપોર્ટ માર્કેટમાં પહોંચવાથી ખેડૂતોને વધુ સારા ભાવ મળવાની તકો ઉભી થાય છે.
અલબત્ત દરેક ખેડૂત રાતોરાત સમૃદ્ધ થઈ ગયો હોય એવું કહેવું પણ અતિશયોક્તિ થશે. હજુ પણ સપ્લાય ચેઇન, સ્ટોરેજ અને માર્કેટ એક્સેસ જેવી ઘણી સમસ્યાઓ છે. પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ સ્પષ્ટ છે કે ગીરની કેસર હવે સામાન્ય હાટ પ્રોડક્ટ નથી રહી. તેની આસપાસ પ્રીમિયમ ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે.
FPO મોડેલ અહીં મહત્વનું બને છે. નાના ખેડૂતો એકલા એક્સપોર્ટ માર્કેટ સુધી પહોંચી શકતા નથી. પરંતુ જ્યારે તેઓ સંગઠિત થાય છે ત્યારે સર્ટિફિકેશન, પેકેજિંગ અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવું વધુ સરળ બની જાય છે. આ રીતે સ્થાનિક ખેતી ધીમે-ધીમે વૈશ્વિક વેપાર સાથે જોડાવા લાગે છે.
ગુજરાતનું બદલાતું કૃષિ અર્થતંત્ર
ગુજરાતને લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટ તરીકે જોવામાં આવ્યું. પેટ્રોકેમિકલ, પોર્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વચ્ચે અગ્રિકલ્ચરની અંગેની ચર્ચા ઘણીવાર પાછળ રહી ગઈ. પરંતુ છેલ્લા દાયકાઓમાં ગુજરાત પોતાની કૃષિ ઉપજને પણ બ્રાન્ડિંગ અને એક્સપોર્ટ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ગીરની કેસર તેનું સૌથી તાજું અને સામે દેખાતું ઉદાહરણ છે, પરંતુ માત્ર એટલું જ નહીં. કચ્છની ખારેક, ભાલિયા ઘઉં, જૂનાગઢની મગફળી જેવી ઉપજ પણ પોતાની અલગ ઓળખ બનાવી રહી છે. આ મોડલમાં માત્ર ઉત્પાદન મહત્વનું નથી રહેતું, પરંતુ તેની ભૌગોલિક ઓળખ પણ મહત્વની બને છે.
આજના સમયમાં દુનિયા માત્ર વસ્તુઓ નથી ખરીદતી, પરંતુ સારી અને બ્રાન્ડેડ અથવા પ્રસિદ્ધ વસ્તુઓ ખરીદે છે. ગીર કેસર પાછળ પણ આ જ આખી હકીકત છે. ગીરની જમીન, સૌરાષ્ટ્રનું હવામાન, સ્થાનિક ખેડૂતોની મહેનત અને ગુજરાતની વેપારી પરંપરા. જ્યારે આ બધું ઇન્ટરનેશનલ બ્રાન્ડિંગ સાથે જોડાય છે ત્યારે સ્થાનિક ઉત્પાદન ગ્લોબલ એસ્પિરેશનમાં બદલાઈ જાય છે.
ગીરની કેસર માત્ર કેરી નથી રહી
ભારતમાં કેરીને ‘ફળોનો રાજા’ કહેવાય છે. પરંતુ ગીરની કેસરનો ઇતિહાસ બતાવે છે કે ક્યારેક એક ફળ માત્ર ફળ રહેતું નથી. તે આઇડેન્ટિટી, ઇકોનોમિક્સ અને ગ્લોબલાઇઝેશનનું પ્રતિક બની જાય છે. એક સમય હતો જ્યારે ગીરની કેસરનું નામ મુખ્યત્વે સૌરાષ્ટ્ર-ગુજરાત અને આસપાસના બજારોમાં જ સાંભળવામાં આવતું. આજે એ જ કેરી ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં ચર્ચાય છે, ઓનલાઇન પ્રીમિયમ ફ્રૂટ સ્ટોર્સમાં અલગ કેટેગરી મેળવે છે અને વિદેશમાં વસતા ભારતીયો માટે સિઝનલ લકઝરી તરીકે વેચાય છે.
આ પરિવર્તન અચાનક આવ્યું નથી. તેની પાછળ વર્ષોની મહેનત, બ્રાન્ડિંગ, સર્ટિફિકેશન અને બજારની સમજ છે. GI ટેગે આ યાત્રામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેણે ગીરની કેસરને માત્ર કાનૂની ઓળખ આપી નથી, પરંતુ એક એવો ઇતિહાસ પણ આપ્યો છે જેને દુનિયાભરના બજારમાં વેચી શકાય.
અને કદાચ આ જ સમગ્ર ચર્ચાનો સૌથી મોટો અર્થ છે. ભારત હવે માત્ર સસ્તું ઉત્પાદન કરનાર દેશ બની રહેવા માંગતો નથી. તે પોતાની પરંપરાગત ઉપજને પ્રીમિયમ ગ્લોબલ આઇડેન્ટિટીમાં ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ‘ગીર કેસર’ તેની એક ઝલક છે, ગીરના બગીચાથી શરૂ થઈને દુનિયાના બજારો સુધી પહોંચેલો એક ઇતિહાસ છે.


