Saturday, June 14, 2025
More
    હોમપેજદેશદિલ્હી હાઇકોર્ટના જજના ઘરે લાગી આગ તો મોટા પ્રમાણમાં મળી આવ્યા રોકડા...

    દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે લાગી આગ તો મોટા પ્રમાણમાં મળી આવ્યા રોકડા પૈસા, સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે બદલી કરીને માન્યો સંતોષ

    બેઠકમાં કૉલેજિયમે નિર્ણય લીધો કે જસ્ટિસ વર્માની તાત્કાલિક બદલી કરવામાં આવે. ત્યારબાદ તેમની બદલી પેરન્ટ હાઇકોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટમાં કરી દેવામાં આવી.

    - Advertisement -

    દિલ્હી હાઇકોર્ટના એક જજના બંગલામાં આગ લાગી ગઈ. પરિવારે ફાયર વિભાગને જાણ કરી. ફાયર વિભાગે આવીને આગ તો ઓલવી નાખી પણ અંદર એક રૂમમાંથી મોટા પ્રમાણમાં રોકડા પૈસા મળી આવ્યા. આ વાત સરકારી વર્તુળોમાં ફરતી-ફરતી ન્યાયતંત્રનાં વર્તુળોમાં અને ત્યાંથી સુપ્રીમ કોર્ટ પહોંચી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ તાત્કાલિક કૉલેજિયમની એક બેઠક બોલાવી. બેઠકમાં નક્કી થયું કે આ જજ સામે ‘કડક’ પગલાં લેવામાં આવે. ત્યારબાદ કૉલેજિયમે કડક પગલાં લીધાં. જજ જે કોર્ટમાંથી દિલ્હી હાઇકોર્ટ આવ્યા હતા એ અલ્હાબાદ હાઇકોર્ટમાં બદલી કરી દેવામાં આવી. 

    ઘટનાની વધુ વિગતે વાત કરવામાં આવે તો મામલો જસ્ટિસ યશવંત વર્મા સંબંધિત છે. તુગલક રોડ પર આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં ગત સપ્તાહે આગ લાગી ગઈ હતી. જોકે ઘટના બની ત્યારે જજ ઘરે ન હતા. તેમના પરિજનોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ફાયર વિભાગે આવીને આગ પર કાબૂ મેળવ્યો પરંતુ ત્યારબાદ બંગલાના એક રૂમમાંથી મોટા પ્રમાણમાં રોકડ પૈસા મળી આવ્યા. વિભાગે ત્યારબાદ પોલીસને જાણ કરી. 

    દિલ્હીનો પોલીસ વિભાગ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, જેથી આ બાબતની જાણ ગૃહ મંત્રાલયને કરવામાં આવી. સાથે એક રિપોર્ટ મોકલવામાં આવ્યો. ગૃહ મંત્રાલયે રિપોર્ટ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને મોકલ્યો. ત્યારબાદ CJI ખન્નાએ 20 માર્ચના (ગુરુવાર) રોજ કૉલેજિયમની તાત્કાલિક બેઠક બોલાવી હતી. 

    - Advertisement -

    બેઠકમાં કૉલેજિયમે નિર્ણય લીધો કે જસ્ટિસ વર્માની તાત્કાલિક બદલી કરવામાં આવે. ત્યારબાદ તેમની બદલી પેરન્ટ હાઇકોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટમાં કરી દેવામાં આવી. ઑક્ટોબર 2021માં તેમની બદલી દિલ્હી હાઇકોર્ટમાં થઈ હતી ત્યારથી અહીં ફરજ બજાવી રહ્યા હતા. 

    ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’નો રિપોર્ટ જણાવે છે કે પાંચ જજોના કૉલેજિયમમાં અમુક જજોનો મત એવો હતો કે આ મામલો ગંભીર છે અને માત્ર બદલી કરીને સંતોષ માનવામાં આવે તો તેનાથી ન માત્ર ન્યાયતંત્રની છબી ખરડાશે પરંતુ સંસ્થામાં લોકોનો વિશ્વાસ પણ ઘટશે. તેમનો મત હતો કે જસ્ટિસ વર્માને રાજીનામું આપવા માટે કહેવું જોઈએ અને જો તેઓ ઇનકાર કરે તો CJIની અધ્યક્ષતામાં એક તપાસ બેસાડવી જોઈએ. 

    ઉલ્લેખનીય છે કે 1999માં સુપ્રીમ કોર્ટે બંધારણીય કોર્ટના જજો સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિના આરોપો અને ન્યાયિક તપાસ માટે અમુક ગાઈડલાઈન નક્કી કરી હતી. આ દિશાનિર્દેશો અનુસાર, જો કોઈ જજ સામે આવી ફરિયાદ મળે તો ચીફ જસ્ટિસ પહેલાં જે-તે જજ પાસેથી જવાબ મેળવશે. જો તમને સંતોષ ન થાય કે એમ લાગે કે આમાં વધુ તપાસની જરૂર છે તો તેઓ એક આંતરિક સમિતિ નીમશે. તપાસ દરમિયાન જો સમિતિને ધ્યાને આવે કે ગેરરીતિ આચરવામાં આવી છે કે ગુનો ગંભીર છે તો જજને રાજીનામું આપવા માટે કહી શકે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં