ફેક IB કૉલ કેસના આરોપી AAP નેતા અશોક ઓઝા અને પરિવાર સામે વધુ એક ફરિયાદ: પાર્ટીની જ મહિલા હોદ્દેદારે લગાવ્યા દુષ્કર્મ અને બ્લેકમેઇલના આરોપ

આમ આદમી પાર્ટીનો (AAP) વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા ફરી એકવાર ગંભીર આરોપોને લઈને ચર્ચામાં આવ્યો છે. પક્ષની જ એક મહિલા હોદ્દેદારે અશોક ઓઝા અને તેના પુત્ર આનંદ ઓઝા સામે દુષ્કર્મ, બ્લેકમેઇલ અને અશ્લીલ વિડીયો બનાવી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે મહિલાને દારૂ પીવડાવી તેનો અશ્લીલ વિડીયો બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે વાયરલ કરવાની ધમકી આપીને લાંબા સમય સુધી શોષણ કરવામાં આવ્યું હતું.

ફરિયાદ મુજબ અશોક ઓઝાએ મહિલાના પતિને સારી નોકરી અપાવવાની લાલચ આપી સંપર્ક વધાર્યો હતો. ત્યારબાદ મહિલાને પોતાના ઘરે બોલાવી દારૂ પીવડાવી શરીર સંબંધ બાંધ્યો હતો અને તેનો વિડીયો ઉતારી લીધો હતો. મહિલાનો આરોપ છે કે આ વિડીયોનો આધાર બનાવીને બાદમાં તેને વિવિધ હોટેલો અને અન્ય સ્થળોએ લઈ જઈ વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. ફરિયાદમાં એવો પણ આરોપ છે કે થોડા સમય બાદ અશોક ઓઝાના પુત્ર આનંદ ઓઝાએ પણ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેમણે આ સમગ્ર બાબત અંગે અશોક ઓઝાની પત્નીને જાણ કરી હતી ત્યારે તેણે પણ ઝઘડો કરીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. ઉપરાંત પુત્રી દ્વારા પણ પિતા સાથે વાત કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

બીજી તરફ અશોક ઓઝાએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરીને દાવો કર્યો હતો કે મહિલાને માનવતાના નાતે રહેવા માટે મકાન આપ્યું હતું અને આર્થિક મદદ પણ કરી હતી. તેના જણાવ્યા અનુસાર મહિલા મકાન ખાલી કરવાના બદલામાં ₹20 લાખની માંગણી કરી રહી હતી અને ખોટા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસમાં ફસાવવાની ધમકી આપી રહી હતી.

ઉલ્લેખનીય છે કે અશોક ઓઝાનું નામ છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં રહ્યું છે. ફેક IB કૉલ કેસમાં આણંદ સાયબર ક્રાઇમે તેમની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) અધિકારી તરીકે ઓળખ આપી AAPના જ નેતાઓને કૉલ કરીને ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

તે ઉપરાંત થોડા દિવસ પહેલાં જ એક મહિલાએ અશોક ઓઝા સામે મકાન અપાવવાના બહાને આશરે ₹20 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ પણ કરી હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે પૈસા લીધા બાદ ન તો મકાન અપાવાયું હતું અને ન તો રકમ પરત કરવામાં આવી હતી. વધુમાં મહિલા પાસે અભદ્ર માંગણી પણ કરવામાં આવી હોવાનો આરોપ હતો.