
સોશિયલ મીડિયા સાઇટ X પર એક ભેજાબાજે તેની બહેનની સારવાર માટે પૈસા જોઈએ છે એમ કહીને ભાવુક પોસ્ટ કરીને લોકો પાસેથી લગભગ દોઢેક લાખ રૂપિયા ઉઘરાવી લીધા બાદ ઈન્ટરનેટને ખબર પડી કે તે ઊઠાં ભણાવી રહ્યો હતો. હવે લોકો તેની પાસેથી પૈસા પરત માગી રહ્યા છે. સામાન્ય રીતે આવા ગઠિયાઓ સ્કેમ કરીને ભાગી જતા હોય છે પણ આ ‘નોખી માટીનો માણસ’ હજુ X પર છે અને લોકોને પોતે પૈસા આપી દેશે તેમ જણાવી રહ્યો છે. એટલું જ નહીં Xની સ્પેસ (જેમાં યુઝરો એક ઠેકાણે ભેગા થઈને ઓડિયો માધ્યમથી ચર્ચા કરી શકે છે) પર જઈને લોકો સાથે ચર્ચા પણ કરી રહ્યો છે. 24 કલાકથી આ કિસ્સો ભારે ચર્ચામાં છે.
આ યુઝરની ઓળખ જય સિંઘ રાઠોડ તરીકે થઈ છે. તાજેતરમાં તેણે X પર એક પોસ્ટ કરીને પોતે 16 વર્ષનો છે અને તેની 12 વર્ષની બહેનની આંખની તાત્કાલિક સર્જરી કરવાની છે એમ કહીને મદદની ભાવુક અપીલ કરી હતી. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને મદદ કરવાના માટે લોકોએ મદદ માટે પૈસા આપવાનું શરૂ કર્યું. જોતજોતાંમાં તેણે ₹1.5 લાખથી વધુની રકમ દાન સ્વરૂપે એકઠી કરી લીધી.
શરૂઆતમાં લોકો તેની મદદ કરીને ખુશ હતા, પરંતુ ટૂંક સમયમાં જ કેટલાક યુઝર્સે રાઠોડે શેર કરેલા મેડિકલ રિપોર્ટ, પ્રિસ્ક્રિપ્શન અને સર્જરીના અંદાજિત ખર્ચના કાગળોમાં વિસંગતતાઓ અને ગડબડ હોવા તરફ ધ્યાન દોર્યું હતું. તેણે એક થ્રેડમાં દાવો કર્યો હતો કે તેની બહેનની સારવાર દિલ્હીની જાણીતી ‘શ્રોફ આઈ સેન્ટર’ હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ વિવાદે વેગ પકડ્યો પછી શ્રોફ આઈ સેન્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્પષ્ટતા કરી અને પ્રિસ્ક્રિપ્શનનો ફોટો મૂકીને જણાવ્યું કે કોઈ અજ્ઞાત વ્યક્તિ તેમના લેટરહેડનો ઉપયોગ કરીને ખોટા પેશન્ટ, ખોટા રિપોર્ટ અને અંદાજિત ખર્ચના બનાવટી કાગળો બનાવીને રૂપિયા પડાવી રહી છે. હોસ્પિટલે લોકોને આવી છેતરપિંડીનો ભોગ ન બનવા અને સાવચેત રહેવા અપીલ કરી હતી.
Our team verified the medical documents shared in support of this request directly with the eye centre. The centre has confirmed that there is no patient named Srishti Rathore registered or undergoing treatment at any of their centres. They further confirmed that the registration…
— India Cares (@indiacares_2020) September 22, 2026
બીજી તરફ અમુક યુઝરોએ શ્રોફ આઈ સેન્ટરનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ સંસ્થાએ કહ્યું કે તેમને ત્યાં આવી કોઈ કિશોરીની સારવાર ચાલી રહી નથી અને તેમના નામે કોઈ પૈસા ઉઘરાવતું હોવાની શક્યતાઓ છે.
આટલી સ્પષ્ટતા બાદ લોકોએ જય સિંઘ રાઠોડને ઘેરી લીધો અને સવાલો પૂછવાના શરૂ કર્યા. થોડી વાર માથાકૂટ કર્યા પછી જયે રડતાં-રડતાં પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જોકે તેણે એવો દાવો કર્યો કે ખરેખર તેની બહેન નહીં પરંતુ તેના પિતા બીમાર હતા, અને ઓનલાઇન વધુ લોકોનું ધ્યાન ખેંચવા અને વધુ રૂપિયા મેળવવા માટે તેણે બહેનના નામે ખોટી વાર્તા ઊભી કરી હતી.
તેણે દાવો કર્યો કે તેનો પરિવાર ભારે આર્થિક સંકટમાં છે અને તેણે આ પૈસા પિતાની સારવાર માટે જ એકઠા કર્યા હતા, પરંતુ લોકોએ તેની આ વાત સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. રોષે ભરાયેલા લોકોએ તેને તાત્કાલિક તમામ પૈસા રિફંડ કરવા માટે દબાણ કર્યું, જેના જવાબમાં તેણે પૈસા પાછા આપવાની ખાતરી આપી હતી.
ચર્ચા દરમિયાન યુઝર્સે તેને દાતાઓની UPI વિગતો આપી હતી અને પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જય સિંઘે કેટલાક લોકોને પૈસા પરત કર્યા હોવાના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. આ દરમિયાન એક યુઝરે એક બેન્ક એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં જય સિંઘનું બેંક બેલેન્સ ₹1,58,282.58 થી ઘટીને ₹1,37,893.58 થયું હોવાનું દેખાતું હતું, જોકે તે નાણાં રિફંડ થવાને કારણે જ ઘટ્યા છે કે કેમ તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નહોતી.
Guys, please stop reporting the money you sent to me, otherwise you might lose it. My bank just texted me saying that they’re holding ₹2,000. Please don’t report the transactions, or I won’t be able to send the money back to you all. Just please wait until tomorrow 🙏
— Jay Singh Rathore (@Jayrathore9068) September 23, 2026
આ વિવાદમાં ‘Raniisaa_’ નામની X યુઝર પર પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, કારણ કે તેણે શરૂઆતમાં જય સિંઘની મદદ માટેની અપીલને રિપોસ્ટ કરીને વાયરલ કરી હતી. વિવાદ વધતાં આ મહિલા યુઝરે એક પોસ્ટ કરીને જય સિંઘ રાઠોડ સાથે પોતાનો કોઈ જ લેવાદેવા કે સંબંધ ન હોવાની સ્પષ્ટતા કરી.
ચોતરફથી ઘેરાયા બાદ રાઠોડે X પર ચાર ભાગમાં લાંબુ માફીનામું પોસ્ટ કર્યું હતું. તેણે લખ્યું કે, તે પોતાની ભૂલ સ્વીકારે છે અને તમામ લોકોના એક-એક પૈસો પાછો આપી દેશે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે હાલમાં તેનું બેન્ક અકાઉન્ટ 24 કલાક માટે ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે, તેથી આ પ્રતિબંધ હટતાં જ તે બાકીના તમામ લોકોને પૈસા પરત કરી દેશે.
(2/n)~ is that I take responsibility for my actions.
— Jay Singh Rathore (@Jayrathore9068) September 23, 2026
Everyone will get their money back ,every last dime.
At the moment, my bank account is under a 24-hour restriction. As soon as that restriction is lifted, I will start repaying everyone ~
તેનું કહેવું છે કે તે આ બધાનાં પરિણામો શું આવશે તે નહોતો જાણતો એટલે આવી ભૂલ કરી બેઠો. તેણે ઉમેર્યું કે તેણે જીવનમાં ક્યારેય આવું કામ નથી કર્યું અને તેને આ તેની ‘પહેલી અને છેલ્લી ભૂલ’ ગણીને માફ કરવામાં આવે.
આ સમગ્ર ઘટના બાદ 23 સપ્ટેમ્બરના રોજ ‘જય સિંઘ રાઠોડ’ નામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતભરમાં ટોપ ટ્રેન્ડ બની ગયું હતું. લોકો આ કૌભાંડ પર અનેક પ્રકારના મીમ્સ, જોક્સ અને આકરા પ્રતિક્રિયાઓ આપતા જોવા મળ્યા હતા. આ બનાવ બાદ સોશિયલ મીડિયા પર ચાલતા અજાણ્યા ક્રાઉડફંડિંગ અને આર્થિક મદદની અપીલો સામે લોકોની જાગૃતિ અને શંકાઓ વધુ પ્રબળ બની છે.

