
IIT બૉમ્બેમાં એક વિદ્યાર્થીના આપઘાત મામલે તપાસ કરતી મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચને પ્રાથમિક તપાસમાં પ્રોફેસર સત્યનારાયણ દૂલા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. મુંબઈ પોલીસના અધિકારીઓને ટાંકીને મીડિયા અહેવાલોમાં આ જાણકારી આપવામાં આવી છે.
શુક્રવારે (18 સપ્ટેમ્બર) આઈઆઈટી બૉમ્બેમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધા બાદ તેના માતા-પિતાએ પ્રોફેસર વિરુદ્ધ વિદ્યાર્થી સાથે જ્ઞાતિગત ભેદભાવ કરવાનો અને તેને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી દીધો હતો, જેના આધારે એસસી/એસટી એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી હતી. આ મામલે જ્યારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી તો પુરાવા ન મળ્યા.
અહેવાલો અનુસાર એવો કોઈ સાક્ષી કે પુરાવો મળ્યો નથી જેનાથી એ પુરવાર થઈ શકે કે અધ્યાપકે વિદ્યાર્થીને કોઈ જ્ઞાતિસૂચક અપશબ્દો કહ્યા હોય કે તેની હેરાનગતિ કરી હોય. ઉપરાંત આપઘાત માટે પ્રોફેસરે કોઈ દુષ્પ્રેરણા આપી હોવાના પણ પુરાવા મળ્યા નથી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીએ આપઘાત કર્યો એ દિવસે પરીક્ષા ચાલી રહી હતી અને પ્રોફેસર દૂલાને સુપરવિઝન માટે મૂકવામાં આવ્યા હતા. પરીક્ષા દરમ્યાન અધ્યાપકે સાહિલને મોબાઈલ ફોન વાપરતો જોયો હતો અને ત્યારબાદ પૂછપરછ કરીને વર્ગખંડની બહાર મોકલી આપ્યો હતો.
ત્યારબાદ અધ્યાપક તેને હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટની ઑફિસમાં લઈ ગયા હતા, જ્યાં અન્ય એક અધ્યાપક પણ હાજર હતા. તેમણે સાહિલ સાથે વાતચીત કરીને તેને મોકલી આપ્યો હતો. નિવેદનો પરથી એ પણ જાણવા મળ્યું છે કે આ દરમ્યાન અધ્યાપકોએ સાહિલને કોઈ ધાકધમકી પણ આપી ન હતી કે ન કોઈ શિક્ષાત્મક પગલાં કે અન્ય કાર્યવાહી શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે અન્ય બે અધ્યાપકોનાં પણ નિવેદનો લીધાં છે.
આ ઉપરાંત કોલેજ અને હોસ્ટેલના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા, જેમાં પરીક્ષા દરમ્યાન સાહિલ નીચે નમીને ખિસ્સામાંથી કોઈ ચીજ કાઢીને જોતો જોવા મળે છે. ત્યારબાદ પ્રોફેસર તેની નજીક જઈને તેને પૂછે છે અને વર્ગખંડની બહાર મોકલી દે છે. 1:25 વાગ્યે સાહિલ હોસ્ટેલ તરફ જતો જોવા મળે છે. ત્યારબાદ તે રૂમમાંથી બહાર આવતો નથી અને સાંજે રૂમમાંથી તેની લાશ મળી આવે છે.
ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે તપાસ હજુ ચાલી રહી છે અને તમામ બાબતો ચકાસવામાં આવશે પરંતુ હજુ સુધી પ્રોફેસર કે અન્ય કોઈ વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણા કે હેરાનગતિના કોઈ પુરાવા મળ્યા નથી. બીજી તરફ સીસીટીવી ફૂટેજ અને અન્ય નિવેદનોથી પરીક્ષામાં ચોરીની ઘટનાની પુષ્ટિ થઈ છે.
સાહિલના મિત્રોએ પણ જણાવ્યું હતું કે જ્ઞાતિગત ભેદભાવના આરોપો સાચા નથી અને તેમણે ક્યારેય એવું જોયું નથી. પરીક્ષાના દિવસે સાહિલ ચોરી કરતાં પકડાઈ ગયો હોવાની ઘટનાની પુષ્ટિ તેના સહપાઠીઓ પણ કરી રહ્યા છે.
સમગ્ર મામલે IIT બૉમ્બેએ તપાસમાં સહયોગની ખાતરી આપી છે અને પ્રોફેસર દૂલાને રજા પર મોકલી આપ્યા છે. અગાઉ તેમને ડીન ઑફ સ્ટુડન્ટ્સની જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જોકે સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, અધ્યાપક તરીકે તેઓ ચાલુ રહેશે. પરંતુ હાલ પૂરતા રજા પર મોકલી દેવાયા છે.
બીજી તરફ સાહિલના પિતાએ ફરીથી પ્રોફેસર અને ડાયરેક્ટર વિરુદ્ધ આરોપો લગાવીને તેમની ધરપકડની માંગ કરી છે.

