એસસી/એસટી એક્ટના 2018ના સુધારાને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

એસસી/એસટી (એટ્રોસિટી) એક્ટની અમુક જોગવાઈઓને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. મામલો મંગળવારે (22 સપ્ટેમ્બર) મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચ સમક્ષ પહોંચ્યો હતો પરંતુ કોર્ટે સુનાવણી કરવાની ના પાડી હતી.

અરજદારે કોર્ટ સમક્ષ એટ્રોસિટી એક્ટની જોગવાઈઓને પડકારતીને દલીલ કરી હતી કે તેના કારણે ‘રિવર્સ ડિસ્ક્રિમિનેશન’ થઈ રહ્યું છે અને કાયદાનો દુરુપયોગ પણ થાય છે. સાથે-સાથે કાયદા હેઠળ પીડિતોને વળતર ચૂકવવાના માળખા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

અરજીમાં કહેવામાં આવ્યું કે અત્યાર સુધીમાં વળતર તરીકે કુલ ₹493 કરોડ ચૂકવવામાં આવી ચૂક્યા છે અને આ જોગવાઈઓના કારણે લોકો જાણીજોઈને ગુનો ન બનતો હોય તોપણ FIR દાખલ કરાવે છે, જેથી નાણાકીય વળતર મળી શકે.

પરંતુ સુપ્રીમ કોર્ટે એમ કહીને અરજી પર સુનાવણી કરવાની ના પાડી કે અમુક સુરક્ષિત જોગવાઈઓ પહેલેથી છે અને આવા કેસમાં કોર્ટ પહેલાં એ પણ જોતી હોય છે કે એક્ટ હેઠળ પ્રથમ દૃષ્ટિએ કાયદો બને છે કે કેમ.

સાથે કોર્ટે એ પણ નોંધ કરી કે 2018માં કેન્દ્ર સરકારે કાયદામાં કરેલા સુધારા પર સુપ્રીમ કોર્ટ વર્ષ 2020માં જ મહોર મારી ચૂકી છે, જેથી હવે ફરીથી આ મામલે વિચાર કરવાનો કોઈ અર્થ નથી.

2018નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને સરકારનો કાયદો

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે કાશીનાથ મહાજન કેસમાં એક ચુકાદો આપીને એસસી/એસટી એક્ટનો દુરુપયોગ અટકાવવા માટે અમુક સુરક્ષા પ્રાવધાનો રજૂ કર્યાં હતાં. જેમાં FIR પહેલાં પ્રાથમિક તપાસ કરવી, ધરપકડ પહેલાં મંજૂરી લેવી અને આરોપીને આગોતરા જામીન આપવા જેવી જોગવાઈઓ સામેલ હતી.

આ ચુકાદા બાદ દેશભરમાં વિરોધ થતાં કેન્દ્ર સરકારે થોડા જ મહિનામાં એક બિલ પસાર કરાવીને જૂની જોગવાઈઓ પુનઃસ્થાપિત કરી દીધી હતી. પછીથી આ સુધારાને ફરીથી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

2020માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને કેન્દ્ર સરકારે કરેલા સુધારાને બહાલ કર્યો હતો અને કહ્યું હતું કે દરેક કેસમાં પ્રાથમિક તપાસ કરીને જ FIR દાખલ કરવી એ જરૂરી નથી કે FIR પહેલાં ઉચ્ચ અધિકારીઓની પૂર્વમંજૂરીની પણ જરૂર નહીં રહે. જોકે સાથે કહેવામાં આવ્યું હતું કે આવશ્યક સંજોગોમાં જો લાગે કે જામીન ન આપવાથી અન્યાય થાય એમ છે તો આગોતરા જામીન આપી શકાય.

આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે ફરી એક વખત એસસી/એસટી એક્ટના દુરુપયોગની ચર્ચાઓએ જોર પકડ્યું છે. IIT બૉમ્બેમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધા બાદ સામે આવ્યું હતું કે તે પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો હતો. પરંતુ પછીથી તેના માતા-પિતાએ કાર્યવાહી કરનાર અધ્યાપક સામે જ એસસી/એસટી એક્ટ હેઠળ FIR નોંધાવી દીધી.