હોમપેજએક્સપ્લેઇનરIIT બૉમ્બે: પરીક્ષામાં ગેરરીતિ બાદ વિદ્યાર્થીના આપઘાતનો મામલો જ્ઞાતિગત ભેદભાવના કેસમાં કઈ...

IIT બૉમ્બે: પરીક્ષામાં ગેરરીતિ બાદ વિદ્યાર્થીના આપઘાતનો મામલો જ્ઞાતિગત ભેદભાવના કેસમાં કઈ રીતે ફેરવાય ગયો?

સંસ્થાના એસસી/એસટી સ્ટૂડન્ટ્સ એન્ડ સ્ટાફ સેલનું કહેવું છે કે મૃતક વિદ્યાર્થીએ ક્યારેય પોતાની સાથે જ્ઞાતિ મુદ્દે ભેદભાવ થતો હોવાનું જણાવ્યું ન હતું કે ન ફરિયાદ કરી હતી.

- Advertisement -

IIT બૉમ્બે. મુંબઈના પવઈનું કેમ્પસ. 18 સપ્ટેમ્બર. શુક્રવાર.

અહીં ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના બીજા વર્ષના એક વિદ્યાર્થી (ઉંમર લગભગ 20 વર્ષ) સાહિલ વાકોડેએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. શુક્રવારે (18 સપ્ટેમ્બર) સાંજે આ ઘટના બની. રાત્રે જ યુનિવર્સિટીમાં પ્રદર્શનો શરૂ થઈ ગયાં. વિદ્યાર્થીઓ કેમ્પસમાં ભેગા થયા અને પ્રશાસન પાસેથી ‘જવાબદેહી’ અને ‘પારદર્શિતા’ની માંગ કરી, અગાઉ બની ગયેલા આવા વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ પણ ફરીથી સપાટી પર આવ્યા અને સંસ્થા પર સવાલો ઉઠવાના શરૂ થયા.

બીજા દિવસે ઘટના સમાચાર બની. IIT બૉમ્બેએ એક નિવેદન બહાર પાડીને વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરી અને સાથે એક અગત્યની જાણકારી આપી.

- Advertisement -

સંસ્થાએ કહ્યું કે હમણાં મધ્ય-સત્ર પરીક્ષા ચાલી રહી હતી અને આ પરીક્ષા દરમ્યાન મૃતક વિદ્યાર્થી પ્રશ્નપત્ર એઆઈ ચેટબોટમાં અપલોડ કરીને તેની મદદથી જવાબ લખતો પકડાઈ ગયો હતો. પરીક્ષા દરમ્યાન વર્ગખંડમાં હાજર અધ્યાપકે તેને ચાલુ પરીક્ષાએ ચોરી કરતાં પકડ્યો અને પૂછપરછ કરી. સ્વાભાવિક રીતે તેની પરીક્ષા આગળ નહીં ચાલી હોય. જોકે સંસ્થાએ કહ્યું હતું કે હજુ સુધી વિદ્યાર્થી સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવાયાં નહોતાં. તેનું માત્ર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

એ જ સાંજે વિદ્યાર્થી હોસ્ટેલમાં ગયો અને ફાંસો ખાઈ લીધો.

20 સપ્ટેમ્બર, શનિવાર: પ્રદર્શનો ચાલ્યાં, પ્રશાસનની જવાબદેહીની માંગ થઈ

ઘટના પછી કેમ્પસમાં પ્રદર્શનો શરૂ થઈ ગયાં. પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસે આવીને ઘટનાસ્થળની તપાસ કરી, પુરાવાઓ એકઠા કર્યા અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પ્રદર્શન વિશે કહ્યું કે પોલીસનું કામ સુરક્ષા આપવાનું છે, જેના માટે વધારાની ફોર્સ ખડકી દેવાઈ છે પણ પ્રદર્શન જે માંગોને લઈને થઈ રહ્યાં છે એ શિક્ષણ સંસ્થાના પ્રશાસનનો વિષય છે.

પ્રદર્શન કરનારાઓ શરૂઆતમાં એવી વાતો કરતા રહ્યા કે ભૂતકાળમાં પણ શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા છે અને આ બાબતે સંસ્થાએ નક્કર પગલાં લેવાં જોઈએ, જવાબદારોની જવાબદેહી નક્કી થવી જોઈએ અને આ બધી પ્રક્રિયાઓમાં પારદર્શિતા હોવી જોઈએ. કોઈએ એ વાતનો ઉલ્લેખ ન કર્યો કે આ ચોક્કસ ઘટનામાં વિદ્યાર્થી સાથે પરીક્ષા દરમ્યાન શું ઘટના બની હતી. પરીક્ષામાં ચોરીની ઘટનાનો ઉલ્લેખ પ્રદર્શનમાં, પ્રદર્શનકારીઓના મોઢે ન થયો.

વિદ્યાર્થીઓ કહેતા રહ્યા કે આ બધી ઘટનાઓ કેમ થઈ રહી છે એના વિશે અમને બિલકુલ જાણ નથી અને આની પાછળ કારણો શું છે એ પણ અમને ખબર નથી. અમે ઈચ્છીએ છીએ કે ડીન, ડાયરેક્ટર અને પ્રશાસન બાંહેધરી આપે અને મામલાની યોગ્ય તપાસ કરે અને પારદર્શિતા સુનિશ્ચિત કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ પણ તકેદારી રાખે. પ્રદર્શન દરમ્યાન આ બધી વાતો સામાન્ય છે, પણ આ ઘટનામાં સંસ્થા પહેલેથી હકીકત જણાવી ચૂકી, છતાં વિદ્યાર્થીઓ તેને અવગણીને ‘અમને ખબર નથી, અમે અંધારામાં છીએ’ જેવી વાતો કહેતા રહ્યા.

બીજા દિવસે પ્રદર્શન થોડું મોટું થયું, સોશિયલ મીડિયા પર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો, અન્ય અમુક સંગઠનો ઘૂસ્યાં અને મામલાને જ્ઞાતિનો એન્ગલ આપવાનો શરૂ કરી દેવામાં આવ્યો.

21 સપ્ટેમ્બર, રવિવાર: માતા-પિતાએ અધ્યાપકો પર જ્ઞાતિગત ભેદભાવનો આરોપ લગાવ્યો

વિદ્યાર્થીના માતા-પિતાએ કોલેજ પ્રશાસન પર જ્ઞાતિગત ભેદભાવ અને દબાણનો આરોપ લગાવી દીધો. શરૂઆતમાં મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દેવામાં આવ્યો પણ પછીથી યોગ્ય તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું એટલે સ્વીકારવામાં આવ્યો.

અંતિમવિધિ પછી પિતાની ફરિયાદના આધારે મુંબઈ પોલીસે એક FIR દાખલ કરી, જેમાં આત્મહત્યા દુષ્પ્રેરણા અને એસસી/એસટી એક્ટની (એટ્રોસિટી) કલમો લગાડવામાં આવી. આરોપીઓમાં IIT બૉમ્બેના અધ્યાપકો અને પ્રશાસનના માણસોનાં નામ લખવામાં આવ્યાં જેમાં ડીન ઑફ સ્ટુડન્ટ સૂર્યનારાયણ દૂલા પણ સામેલ છે.

માતા-પિતાએ પોલીસને કહ્યું કે તેમના પુત્રએ અગાઉ પણ તેમને કહ્યું હતું કે કેમ્પસમાં તેણે જ્ઞાતિગત ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. જેની ઉપર માતા-પિતાએ તેને ધીરજ રાખીને કામ લેવાની સલાહ આપી હોવાનો દાવો કર્યો.

નોંધવાની વાત એ છે કે સંસ્થાના એસસી/એસટી સ્ટૂડન્ટ્સ એન્ડ સ્ટાફ સેલનું કહેવું છે કે મૃતક વિદ્યાર્થીએ ક્યારેય પોતાની સાથે જ્ઞાતિ મુદ્દે ભેદભાવ થતો હોવાનું જણાવ્યું ન હતું કે ન ફરિયાદ કરી હતી.

FIR નોંધાયા બાદ IIT બૉમ્બેના કેમ્પસમાં પ્રદર્શન માટે બેઠેલા વિદ્યાર્થીઓએ થોડું વધુ જોર કર્યું અને ડાયરેક્ટરના રાજીનામાની માંગ શરૂ કરી. બીજી તરફ જે પ્રોફેસરે વિદ્યાર્થી વિરુદ્ધ પરીક્ષામાં કાર્યવાહી કરી હતી તેમની સામે પણ એક્શનની માંગ ઉઠવા માંડી. પ્રદર્શન ઉગ્ર થયું. FIR બાદ સોશિયલ મીડિયા પર જ્ઞાતિગત ભેદભાવની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ.

રવિવારે (20 સપ્ટેમ્બર) રાત્રે IIT બૉમ્બેના ડાયરેક્ટર શિરીષ કેદારે પોતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે ગયા. લગભગ ત્રણ કલાક સુધી બેઠક ચાલી અને તેમાં વિદ્યાર્થીઓએ તેમની સમક્ષ 18 મુદ્દાની માંગણી રજૂ કરી. આખરે ત્રણ કલાકની ચર્ચા પછી ડાયરેક્ટરે આ 18 મુદ્દાની માંગ પર હસ્તાક્ષર કરી આપ્યા.

ડાયરેક્ટરના હસ્તાક્ષર પછી જોકે સંસ્થાએ ચોખવટ કરી કે આનો અર્થ એ કરવામાં ન આવે કે સંસ્થાએ આપમેળે બધી જ માંગ માની લીધી છે અને દરેક માંગ પર નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર નિર્ણય લેવામાં આવશે.

21 સપ્ટેમ્બર, સોમવાર: યુનિવર્સિટીએ જૂનું નિવેદન પરત ખેંચ્યું, અધ્યાપક ડીનની જવાબદારીમાંથી મુક્ત

સોમવારે (21 સપ્ટેમ્બર) IIT બૉમ્બેના બોર્ડ ઑફ ગવર્નર્સની એક બેઠક મળી.

બેઠક પછી યુનિવર્સિટીએ બે નિર્ણયો લીધા.

1) મૃતક વિદ્યાર્થી સાહિલ વાકોડે પરીક્ષામાં ચોરી કરતો પકડાઈ ગયો હતો અને એઆઈ ચેટબોટની મદદથી જવાબ લખતો હતો એ જાણકારી આપતું નિવેદન પરત ખેંચી લીધું અને એ જાણકારી સાર્વજનિક કરવા બદલ ખેદ વ્યક્ત કર્યો. સાથે કહ્યું કે આ બાબતો તપાસને આધીન છે અને તે પહેલાં જ નિષ્કર્ષ આપવો જોઇતો ન હતો.

2) પ્રોફેસર સૂર્યનારાયણ દૂલાને ડીન તરીકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જોકે તેઓ શિક્ષણકાર્ય ચાલુ રાખશે. ડીન ઑફ સ્ટુડન્ટ્સ તરીકેની જવાબદારી લઈ લેવામાં આવી છે.

આ બંને માંગણી વિદ્યાર્થીઓની 18 મુદ્દાની માંગમાં સામેલ હતી. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ચોરી કરતાં પકડાયાની જાણકારી સાર્વજનિક કરવાને ‘વિદ્યાર્થીનું અપમાન’ ગણાવ્યું હતું અને યુનિવર્સિટીને જાહેરમાં માફી માગવા માટે કહ્યું હતું. સૂર્યનારાયણ દૂલા વિરુદ્ધ કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી. તેમની સામે પહેલેથી એસસી/એસટી એક્ટ હેઠળ FIR થઈ ચૂકી છે.

કુલ માંગણીઓ આ પ્રકારે છે:

જવાબદારો સામે કાર્યવાહી: પ્રો. સૂર્યનારાયણ દૂલાને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને તપાસમાં જે પણ જવાબદાર ઠરે તેની સામે પણ કાર્યવાહી કરવી.

જાહેર માફી: સાહિલ વાકોડે વિશે કરવામાં આવેલી પોસ્ટ બદલ IIT બૉમ્બે જાહેરમાં માફી માગે. વિદ્યાર્થીઓએ પોસ્ટને સાહિલનું અપમાન ગણાવી છે.

ઓપન હાઉસ: 22 સપ્ટેમ્બર પહેલાં ડિરેક્ટર, ડીન SA, ડીન AP અને સાહિલના વિભાગના HOD સાથે બેઠક યોજાય, જેથી વિદ્યાર્થીઓ સીધી રીતે પોતાની વાત અને ચિંતાઓ રજૂ કરી શકે.

જવાબદારી નક્કી કરવી: 5થી 14 નંબરની માંગણીઓ એક મહિનામાં પૂરી નહીં થાય તો ડિરેક્ટર, ડીન AP અને ડીન SAએ રાજીનામું આપવું જોઈએ. સાથે જ દર અઠવાડિયે શું પ્રગતિ થઈ તેની માહિતી આપવામાં આવે..

સ્વતંત્ર તપાસ: સાહિલના મૃત્યુની તપાસ માટે પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, બહારના સભ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા સૂચવાયેલા સભ્યોની સ્વતંત્ર સમિતિ બનાવવામાં આવે. સાહિલને ઇમરજન્સી દરમિયાન અને હોસ્પિટલમાં મળેલી સારવારની પણ તપાસ થાય. વિદ્યાર્થીઓએ 30 સપ્ટેમ્બર સુધી વચગાળાનો અને 15 ઓક્ટોબર સુધી અંતિમ રિપોર્ટની માંગ કરી છે.

પરિવારોને આર્થિક મદદ: IIT બૉમ્બેમાં તાજેતરમાં પોતાના સ્વજન ગુમાવનારા ચાર પરિવારોને યોગ્ય અને ઝડપથી આર્થિક મદદ મળે. સંસ્થા તરફથી આગળ પણ જરૂરી સહયોગ ચાલુ રહે.

વિદ્યાર્થીઓની ભાગીદારી: વિદ્યાર્થીઓને લગતી શૈક્ષણિક અને અન્ય સમિતિઓમાં વિદ્યાર્થીઓને સમાન પ્રતિનિધિત્વ અને મત આપવાનો અધિકાર મળે. વહીવટીતંત્રને વિદ્યાર્થીઓના મતને એકતરફી રીતે અટકાવવાની સત્તા ન હોય.

વહીવટી નિર્ણયોની સમીક્ષા: વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કર્યા વગર તેમની કેમ્પસ લાઇફને અસર કરતા નિર્ણયો લેવાયા હોય તો વિદ્યાર્થીઓનો અભિપ્રાય લઈને તેના પર ફરી વિચાર કરવામાં આવે.

પ્રોફેસરો સામે ફરિયાદ: પ્રોફેસરો સામે ફરિયાદ કરવા માટે સ્પષ્ટ નિયમો અને સમયમર્યાદા નક્કી થાય. ફરિયાદનું નિરાકરણ ન આવે તો તેને આગળ કોની પાસે લઈ જવી તેની પણ સ્પષ્ટ વ્યવસ્થા હોય.

DAC કેસમાં પારદર્શિતા: ગેરરીતિના કેસનો સામનો કરી રહેલા વિદ્યાર્થીને પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીના મેન્ટર અને વિદ્યાર્થી દ્વારા પસંદ કરાયેલા તેના સાથીને પણ સામેલ કરવામાં આવે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન થયેલી વાતચીત અને કાર્યવાહીનો રેકોર્ડ રાખવામાં આવે.

કાઉન્સેલિંગની સુવિધા: દર 250 વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછો એક કાઉન્સેલર હોય અને દરેક હોસ્ટેલમાં પણ કાઉન્સેલર ઉપલબ્ધ હોય. સ્ટુડન્ટ્સ વેલનેસ સેન્ટરનું સ્વતંત્ર ઓડિટ નિયમિત રીતે થાય.

24 કલાક માનસિક આરોગ્ય સેવા: 24 કલાક મનોચિકિત્સક ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા થાય. ઇમરજન્સી અને નાઇટ શિફ્ટ દરમ્યાન વધુ સક્ષમ ડૉક્ટરો મૂકવામાં આવે, હોસ્પિટલના સ્ટાફને માનસિક આરોગ્ય અંગે તાલીમ મળે અને હોસ્પિટલ અંગે વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી થાય.

પ્રોફેસરો અને સ્ટાફની તાલીમ: વિદ્યાર્થીઓ સાથે સીધો સંપર્ક ધરાવતા પ્રોફેસરો અને સ્ટાફ માટે દર બે મહિને માનસિક આરોગ્ય અને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા અંગે તાલીમ યોજાય. નવા સ્ટાફની શરૂઆતની તાલીમમાં પણ તેનો સમાવેશ થાય.

ડીન SA સાથે સીધી મુલાકાત: ડીન SAની ઓફિસ અઠવાડિયામાં ઓછામાં ઓછા 20 કલાક વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે મળવા માટે ઉપલબ્ધ રહે. વિદ્યાર્થીઓની રજૂઆતોનો 48 કલાકમાં લેખિત જવાબ મળે અને દર અઠવાડિયે મુલાકાત માટેના સમયની માહિતી જાહેર થાય.

હોસ્ટેલમાં સાથે રહેવાની વ્યવસ્થા: વિદ્યાર્થીઓના જૂથો અને તેમનું સપોર્ટ નેટવર્ક જળવાઈ રહે તે માટે હોસ્ટેલ વિંગને શક્ય તેટલો વહીવટી સહયોગ મળે. આગળનાં વર્ષોમાં પણ એકબીજાની નજીકના રૂમ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.

ફરિયાદ પોર્ટલ: એવું પોર્ટલ બનાવવામાં આવે જ્યાં વિદ્યાર્થીઓ સંસ્થા સાથે જોડાયેલી સમસ્યાઓ રજૂ કરી શકે અને તેના પર વહીવટીતંત્રે શું જવાબ આપ્યો તે પણ જોઈ શકે.

પરમેનન્ટ વેલ-બીઇંગ ટાસ્ક ફોર્સ: વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, માનસિક આરોગ્ય નિષ્ણાતો અને બહારના નિષ્ણાતોની કાયમી ટીમ બનાવવામાં આવે. આ ટીમ વિદ્યાર્થી તણાવના કારણોનો અભ્યાસ કરે, તેને ઘટાડવા માટે સૂચનો આપે અને દર સત્રમાં પોતાનો રિપોર્ટ જાહેર કરે.

પ્રદર્શનકાર વિદ્યાર્થીઓને સુરક્ષા: વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી, હોસ્ટેલમાંથી કાઢવાની કાર્યવાહી, આર્થિક નુકસાન, કાનૂની કાર્યવાહી કે કોઈપણ પ્રકારની પરોક્ષ કાર્યવાહી નહીં થાય તેવી લેખિત ખાતરી આપવામાં આવે.

અધ્યાપકના સમર્થનમાં ફેકલ્ટી ફોરમ, સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર પ્રશ્ન એ ચર્ચાય રહ્યો છે કે એક અધ્યાપક જો ચાલુ પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થીને પરીક્ષામાં ચોરી કરતો પકડે અને ત્યારબાદ વિદ્યાર્થી કોઈ પગલું ભરે તો તે માટે અધ્યાપકને જવાબદાર કઈ રીતે ઠેરવી શકાય અને તેને જ્ઞાતિગત ભેદભાવ કઈ રીતે ગણી શકાય? અને જો અધ્યાપકે નિયમાનુસાર કામ કર્યું હોય, પ્રક્રિયાઓના ભાગરૂપે, ફરજના ભાગરૂપે કોઈ કાર્યવાહી કરી હોય તો તેમની સામે કાર્યવાહી કઈ રીતે થઈ શકે?

આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા અધ્યાપકના સમર્થનમાં આવ્યું છે. બીજી તરફ IIT બૉમ્બે ફેકલ્ટી ફોરમે પણ ટેકો જાહેર કર્યો છે. ફોરમનું કહેવું છે કે પ્રોફેસર દૂલા માત્ર પોતાની ફરજ નિભાવી રહ્યા હતા અને નિયમોનું પાલન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં ન આવે.

બીજી તરફ મુંબઈ પોલીસે કહ્યું છે કે તેમણે આ મામલે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને જેમનાં નામ છે તેમને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવશે. પોલીસ આગળ શું કરે છે એ જોવું રહ્યું.

આ મામલો હવે માત્ર એક વિદ્યાર્થીના આપઘાતનો રહ્યો નથી. તેમાં હવે જ્ઞાતિનો મુદ્દો જોડાઈ ગયો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં