IIT બૉમ્બેના ડાયરેક્ટરે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની 18 માંગ પર હસ્તાક્ષર કર્યા, પ્રોફેસરના સમર્થનમાં ફેકલ્ટી ફોરમ

IIT મુંબઈ ખાતે એક 20 વર્ષીય વિદ્યાર્થીએ પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ ગયા પછી આપઘાત કરી લીધા બાદ કૅમ્પસમાં પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ અને કોલેજ પ્રશાસન વચ્ચે રવિવારે (20 સપ્ટેમ્બર) એક બેઠક થઈ હતી, જેમાં ડાયરેક્ટર શિરીષ કેદારેએ વિદ્યાર્થીઓની 18 મુદ્દાની માંગ પર હસ્તાક્ષર કરી આપ્યા હતા.

વિદ્યાર્થીઓ અને સંસ્થા વચ્ચે 18 મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. વાતચીતને અંતે મોડી રાત્રે ડાયરેક્ટરે હસ્તાક્ષર કર્યા. હવે સોમવારે IIT બૉમ્બેની બોર્ડ ઑફ ગવર્નરની એક બેઠક મળશે જેમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. જોકે પ્રશાસને એ પણ સ્પષ્ટતા કરી છે કે ડાયરેક્ટરના હસ્તાક્ષર કરવાનો સીધો અર્થ એ નથી કે તમામ માંગ મંજૂર કરી દેવામાં આવી છે. પ્રશાસને આ મુદ્દાઓ ધ્યાનમાં લીધા છે અને પ્રક્રિયાઓ અને નિયમો અનુસાર તેની ઉપર કામ થશે.

ઉલ્લેખનીય છે કે IIT બૉમ્બેના પવઈ ખાતેના કૅમ્પસમાં શુક્રવારે (18 સપ્ટેમ્બર) રાત્રે એક 20 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેએ આપઘાત કરી લીધો હતો. તે પહેલાં તે હાલ ચાલી રહેલી મધ્યસત્ર પરીક્ષામાં એઆઈ ચેટબોટની મદદથી જવાબ લખતો પકડાઈ ગયો હતો. તેણે પ્રશ્નપત્ર ચેટજીપીટીને આપીને જવાબ લખ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે પ્રશાસને હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ કરી ન હતી અને તે પહેલાં જ સાહિલે હોસ્ટેલ જઈને ગળેફાંસો ખાઈ લીધો હતો.

હવે આ આખા મામલાને જ્ઞાતિના મામલામાં ફેરવવામાં આવી રહ્યો છે. મૃતક વિદ્યાર્થીના માતા-પિતાએ યુનિવર્સિટીના પ્રોફેસરો અને પ્રશાસન પર હેરાનગતિ અને દુષ્પ્રેરણાના આરોપ લગાવ્યા બાદ FIR પણ દાખલ કરવામાં આવી છે, જેમાં એ પ્રોફેસરનું પણ નામ છે જેમણે વિદ્યાર્થીને ચોરી કરતાં પકડ્યો હતો. તેમની સામે એસસી/એસટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રોફેસર સૂર્યનારાયણ દૂલા સામે કાર્યવાહીની માંગ પ્રદર્શનકારીઓ પણ કરી રહ્યા છે, જે ઘટના બાદથી જ કૅમ્પસમાં એકઠા થઈ ગયા હતા. તેમની માંગણી છે કે આ મામલે એક સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવામાં આવે અને તેમાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓને અને બહારના સભ્યોને પણ સામેલ કરવામાં આવે. ઉપરાંત તપાસમાં જે કોઈ અધ્યાપકોનો દોષ નીકળે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. એક માંગ પરિવારને વળતર આપવાની પણ છે. ઉપરાંત પ્રોફેસરો માટે કોડ ઑફ કન્ડક્ટની પણ માંગ કરવામાં આવી છે.

પ્રદર્શનકારીઓની શું માંગણી છે?

18 મુદ્દામાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ એક માંગણી એવી પણ કરી છે કે પ્રશાસન સાહિલનું ‘અપમાન’ કરવા બદલ જાહેર માફી માગે. વાસ્તવમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધા બાદ કૅમ્પસમાં પ્રદર્શનો શરૂ થયાં પછી IIT બૉમ્બેએ એક નિવેદનમાં વાસ્તવિકતા જણાવતાં કહ્યું હતું કે વિદ્યાર્થી પહેલાં પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો હતો. હવે આ મામલે માફીની માંગ થઈ રહી છે.

આ સિવાય વિદ્યાર્થીઓ સંસ્થાની એકેડમિક, ડિસિપ્લિનરી અને સ્ટુડન્ટ વેલ્ફેર સિસ્ટમમાં ફેરફારોની માંગ કરી રહ્યા છે. સાથે કહ્યું છે કે જો માંગણીઓ એક મહિનામાં સ્વીકારવામાં ન આવે તો ડાયરેક્ટર, ડીન વગેરેએ રાજીનામું આપી દેવું જોઈએ અને ત્યાં સુધી દર સપ્તાહે અપડેટ આપતાં રહેવું જોઈએ.

આ બધાની વચ્ચે IIT બૉમ્બે ફેકલ્ટી ફોરમે જાહેર નિવેદન બહાર પાડીને પ્રોફેસર દૂલાને ટેકો જાહેર કર્યો છે અને કહ્યું છે કે તેઓ માત્ર પોતાની ફરજ નિભાવી રહ્યા હતા જેથી સમગ્ર મામલામાં તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી અયોગ્ય છે. નિવેદનમાં જણાવ્યું કે પ્રોફેસરે પરીક્ષાના નિરીક્ષક રહેતાં માત્ર નિયમો અનુસાર અને સંસ્થાના માળખા મુજબ કાર્યવાહી કરી હતી. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ પ્રોફેસરના સમર્થનમાં ઘણા લોકો આવ્યા છે.