‘મતભેદો, સલાહ-સૂચનો વગેરે નિર્ણય પ્રક્રિયાનો ભાગ, અમુક જ બાબતો હાઈલાઈટ કરવામાં આવી’: ચૂંટણી કમિશનરો વિશે ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ બાદ ચૂંટણી પંચની સ્પષ્ટતા

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમુક નિર્ણયો મનસ્વી રીતે લીધા હોવાનો અને અમુક નિર્ણયો સામે બાકીના બે ચૂંટણી કમિશનરોએ જ વાંધો ઉઠાવ્યો હોવાનો દાવો કરતા ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટ પર હોબાળા બાદ ચૂંટણી પંચે વિસ્તૃત સ્પષ્ટતા કરી છે. જેમાં કમિશને જણાવ્યું કે નિર્ણયો લેવાના તબક્કે સભ્યો દ્વારા અમુક મુદ્દાઓ રજૂ કરવામાં આવે એ પ્રક્રિયાનો ભાગ છે અને માત્ર અમુક બાબતોને હાઇલાઇટ કરવી ન જોઈએ. કમિશનના તમામ નિર્ણયો સર્વાનુમતે અને નિશ્ચિત પ્રક્રિયા અને નિયમોને આધીન રહીને લેવાય છે એ સ્પષ્ટતા પણ કરવામાં આવી.

બુધવારે (23 સપ્ટેમ્બર) અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો કે ચૂંટણી પંચના ત્રણમાંથી બે કમિશનર સુખબીર સિંઘ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં 14 વખત ઔપચારિક અને સત્તાવાર રીતે ચૂંટણી પંચના અમુક નિર્ણયો સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં અમુક SIR સંબંધિત નિર્ણયો પણ સામેલ હોવાનું કહેવામાં આવ્યું. આ મુદ્દાઓમાં નવા મતદારો ઉમેરવા, નામો હટાવવાં વગેરે બાબતો સંબંધિત નિર્ણયો સામેલ છે, જેમાં એક્સપ્રેસના દાવા અનુસાર બંને કમિશનરોએ કહ્યું હતું કે અમુક પ્રક્રિયાઓનું પાલન થયું નથી અને અમુકમાં તેમના પરામર્શ વગર નિર્ણય લેવામાં આવ્યા હતા, જેને તેમણે, રિપોર્ટમાં દાવા મુજબ, ‘અનધિકૃત’ અને ‘ગેરકાયદેસર’ નિર્ણયો ગણાવ્યા હતા.

આ રિપોર્ટ બાદ વિપક્ષે મુદ્દો પકડી લીધો અને ફરીથી ચૂંટણી પંચને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું અને દાવો કર્યો કે જે વાત વિપક્ષો ઘણા સમયથી કહી રહ્યા હતા એ જ બાબત સપાટી પર આવી ગઈ છે અને ચૂંટણી પંચમાં બધું ઠીક ચાલી રહ્યું નથી, જેથી સંસ્થાની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠે છે.

ચૂંટણી પંચે શું કહ્યું?

સમગ્ર મામલે ચૂંટણી પંચે વિગતવાર સ્પષ્ટતા બહાર પાડી છે.

કમિશને જણાવ્યું કે પોતે એક બંધારણીય સંસ્થા છે, જેના નિયમો છે, એક માળખું છે અને તેમાં પારદર્શિતા જાળવવા માટે ઇન્ટર્નલ ચેક્સ-બેલેન્સ, તકનીકી સૂચનો, લેખિત નોટ્સ વગેરે સામાન્ય અને પ્રક્રિયાનો ભાગ છે. ઉપરાંત તમામ નિર્ણયો, પગલાં કાયદાઓ અને નિયમોના આધારે લેવામાં આવે છે.

કમિશને કહ્યું કે કમિશનના સભ્યો દ્વારા ડ્રાફ્ટના તબક્કે કોઈ સૂચન કરવામાં આવે કે કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે તો એ સામાન્ય પ્રક્રિયા છે અને મતદારોના હિતમાં હોય છે. કમિશનના સભ્યો અને કમિશનરો દ્વારા જે સૂચનો કરવામાં આવે છે એ ચૂંટણી પ્રકિયામાં સુધારા માટે જ હોય છે અને તેમાં મતભેદો હોવા, અલગ અવલોકનો કરવાં એ કોઈ પણ સંસ્થા માટે સામાન્ય બાબત છે. ઉપરાંત એ નિર્ણયપ્રક્રિયાનો એક ભાગ છે. જેમાં માત્ર ત્રણ કમિશનરો જ નહીં પરંતુ કમિશનના દરેક અધિકારીને સામેલ કરવામાં આવે છે અને તેમની પાસે સૂચનો આપવાની પૂરેપૂરી સ્વતંત્રતા હોય છે.

એક્સપ્રેસના રિપોર્ટનો ઉલ્લેખ કર્યા વગર કમિશને કહ્યું કે છેલ્લા દસ મહિનાની ઇન્ટર્નલ નોટ અને અમુક અવલોકનોને હાઈલાઈટ કરવાં અને કમિશને આ દરમ્યાન લીધેલા નિર્ણયોને નજરઅંદાજ કરવાથી માત્ર એક જ ચિત્ર મળે છે. જ્યારે આ જ સમયગાળામાં કમિશને અનેક નિર્ણયો લીધા, અનેક સૂચનાઓ આપી અને લગભગ 40 નવી પહેલો શરૂ કરાવી. ઉપરાંત SIR જેવી પ્રક્રિયા સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવી અને અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવી.

કમિશને કહ્યું કે આ તમામ નિર્ણયો કમિશનના હતા અને સર્વાનુમતે લેવામાં આવ્યા હતા. ઉપરાંત ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસરથી માંડીને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઑફિસર વગેરેને પણ કાયદા પ્રમાણે કામ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા હોય છે.