ગુજરાત સરકારે તાજેતરમાં અમેરિકાની ટેક્નોલોજી કંપની Meta સાથે એક MoU પર હસ્તાક્ષર કર્યા છે, જેના પછી હવે રાજ્ય સરકારની અનેક સેવાઓ સીધી વોટ્સએપ પર ઉપલબ્ધ કરાવવાની દિશામાં આગળ વધવામાં આવી રહ્યું છે. સરકારના જણાવ્યા મુજબ આ ભાગીદારી હેઠળ નાગરિકો એક જ વોટ્સએપ નંબર મારફતે વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવી શકશે. આ સમગ્ર પહેલ સુગમ ડિજિટલ ગુજરાત પહેલનો વિસ્તૃત તબક્કો માનવામાં આવી રહી છે, જે થોડા સમય પહેલાં રાજ્ય સરકારે શરૂ કરી હતી.
આ MoU બાદ રાજ્ય સરકાર અને Meta વચ્ચેની ભાગીદારીને લઈને ચર્ચા શરૂ થઈ છે, કારણ કે આ પહેલ હેઠળ હવે સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓ કે અનેક વેબસાઇટ્સ પર જવાની જગ્યાએ સીધા મોબાઇલ ફોન પરથી જ કેટલીક મહત્વપૂર્ણ સેવાઓ મેળવવાનો વિકલ્પ મળશે. સરકાર આ પહેલને સિટિઝન-સેન્ટ્રિક ડિજિટલ ગવર્નન્સ તરીકે રજૂ કરી રહી છે, જોકે હાલનો મુખ્ય મુદ્દો એ છે કે આ પહેલ શું છે, સુગલ ડિજિટલ ગુજરાત પહેલાં કેવી રીતે કાર્યરત હતું અને હવે તેમાં શું બદલાવ આવવાનો છે.
શું છે સુગમ ડિજિટલ ગુજરાત?
આ પહેલ મૂળરૂપે રાજ્ય સરકારની ડિજિટલ ગવર્નન્સ પહેલ છે, જેને માર્ચ 2026 દરમિયાન લૉન્ચ કરવામાં આવી હતી. તેનો હેતુ સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને ડિજિટલ રીતે લોકો સુધી પહોંચાડવાનો હતો. શરૂઆતમાં પાંચ વિભાગોની આશરે 20 નાગરિક સેવાઓને આ પહેલ સાથે જોડવામાં આવી હતી. આ પહેલ GARC એટલે કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશનની ભલામણોના આધારે આગળ વધારવામાં આવી હોવાનું જણાવાયું હતું.
અત્યાર સુધી આ પહેલ મુખ્યત્વે ડિજિટલ ગુજરાત પોર્ટલ, જન સેવા કેન્દ્રો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) આધારિત સિસ્ટમ દ્વારા કાર્યરત હતી. એટલે કે લોકો સરકારી સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકતા હતા, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકતા હતા અને પોતાની અરજીનું સ્ટેટસ ટ્રેક કરી શકતા હતા. શહેરી વિસ્તારોમાં જન સેવા કેન્દ્રો અને ગ્રામ્ય વિસ્તારોમાં VCE સિસ્ટમ દ્વારા લાખો નાગરિકોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી.
Meta સાથેના MoUમાં શું સામેલ છે?
હવે મેટા સાથે થયેલા MoU બાદ આ સેવાઓને વધુ મોબાઇલ-બેઝ્ડ અને વોટ્સએપ-સેન્ટ્રિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારના જણાવ્યા મુજબ હવે નાગરિકો એક જ વોટ્સએપ નંબર મારફતે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિવિધ સરકારી સેવાઓ મેળવી શકશે. એટલે કે લોકોને અલગ-અલગ વેબસાઇટ્સ પર જવાની અથવા કચેરીઓના ચક્કર લગાવવાની જરૂરિયાત ઓછી થશે.
Nagrik Devo Bhava
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 25, 2026
Delighted that the Government of Gujarat has entered into an important MoU with Meta to strengthen citizen-centric digital governance.
Under this initiative, citizens across Gujarat will be able to avail nearly 20 important government services through a single… pic.twitter.com/ZmriP9fOrC
આ પહેલ હેઠળ ગ્રીવન્સ રિડ્રેસલ એટલે કે ફરિયાદ નિવારણ, ઇન્કમ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ, રેશન કાર્ડ અપડેટ, રેવન્યુ રેકોર્ડ્સ તેમજ ઑફિશિયલ એફિડેવિટ્સ જેવી સેવાઓ વોટ્સએપ મારફતે ઉપલબ્ધ કરાવવાનો પ્લાન છે. ઉપરાંત અરજીઓનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ પણ ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે, જેથી અરજદારો પોતાની અરજી કયા તબક્કે છે તે જાણી શકે.
સરકારનું કહેવું છે કે આ પહેલ પેપરવર્ક ઘટાડશે, સમય અને ખર્ચ બચાવશે અને મોબાઇલ ફોન આધારિત સર્વિસ ડિલિવરીને પ્રોત્સાહન આપશે. આગામી મહિનાઓમાં વધુ સેવાઓ પણ આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી શકે તેવી માહિતી આપવામાં આવી છે.
અત્યાર સુધી કેવી રીતે કામ કરતી હતી સિસ્ટમ?
સુગમ ડિજિટલ ગુજરાત પહેલેથી જ ડિજિટલ મોડેલ પર આધારિત હતી, પરંતુ તેમાં મુખ્યત્વે પોર્ટલ્સ અને સર્વિસ સેન્ટર્સનો ઉપયોગ થતો હતો. લોકો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને વિવિધ સેવાઓ માટે અરજી કરતા અથવા જન સેવા કેન્દ્ર મારફતે કામ કરાવતા. હવે મેટા પાર્ટનરશિપ પછી સરકાર એ જ સેવાઓને સીધા વોટ્સએપ ઇન્ટરફેસ સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.
સરળ શબ્દોમાં કહીએ તો પહેલાં પોર્ટલ-બેઝ્ડ ગવર્નન્સ મોડેલ હતું, જ્યારે હવે તેને વોટ્સએપ-બેઝ્ડ ગવર્નન્સ તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે હાલ સરકારે આ સમગ્ર સિસ્ટમના ટેક્નિકલ આર્કિટેક્ચર, ડેટા સ્ટોરેજ અથવા પ્રાઇવસી ફ્રેમવર્ક અંગે વિગતવાર માહિતી જાહેર કરી નથી.
વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સ: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
— Gujarat Information (@InfoGujarat) May 25, 2026
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની “નાગરિક દેવો ભવ:” ની વિભાવનાને સાકાર કરતા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું.. નાગરિકોને ઘરે બેઠા સરકારી… pic.twitter.com/RAugDFKsdn
આ MoU પર જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના ટ્રેનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ ડિવિઝનના સચિવ હરિત શુક્લા, મેટાના ડિરેક્ટર એન્ડ હેડ ઑફ પોલિસીઝ અમન જૈન અને કન્ટ્રી ડિરેક્ટર એ. શ્રીનિવાસે હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સમયમાં વધુ સેવાઓને પણ આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે અને વોટ્સએપ આધારિત ગવર્નન્સ ડિલિવરીને વધુ વિસ્તૃત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.


