
સુરતની નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કૉલેજની બોય્ઝ પીજી હોસ્ટેલમાં 9 ઑગસ્ટે પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ સમગ્ર કેમ્પસમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ડૉક્ટરે સિનિયર તબીબોના માનસિક ત્રાસ અને રેગિંગના કારણે કંટાળીને આ પગલું ભર્યું હોવાના ખુલાસા બાદ કૉલેજ તંત્ર અને રાજ્ય સરકારે રાતોરાત પગલાં લેવાનાં શરૂ કરી દીધાં છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એન્ટી રેગિંગ કમિટી અને કૉલેજ કાઉન્સિલની ભલામણથી ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો- ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુતને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. તેમને હોસ્ટેલમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકી તાત્કાલિક રૂમ ખાલી કરવા આદેશ અપાયો છે.
સિસ્ટમની બેદરકારી સામે પણ આકરાં પગલાં લેવામાં આવ્યાં છે. સિનિયરો દ્વારા થતા ત્રાસ અંગે અગાઉ રજૂઆતો થઈ હોવા છતાં ધ્યાન ન આપવા બદલ માઇક્રોબાયોલોજી વિભાગના હેડ (HOD) ડૉ. સુમૈયા મુલ્લા, એસોસિએટ પ્રોફેસર ડૉ. સંગીતા રાજદે, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. યોગિતા મિસ્ત્રી અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. લતિકા પુરોહિત (શાહ) સહિત ચાર ફેકલ્ટી સભ્યોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
મૃતક ડૉ. હર્ષ પંડ્યા મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાનો વતની હતો અને તેની ઉંમર 30 વર્ષની હતી. તેણે ફિલિપાઇન્સમાંથી MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતમાં નોકરી કરી હતી અને છેલ્લા છ મહિનાથી નવી સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં PGનો અભ્યાસ કરી રહ્યો હતો. તેના પિતા ડૉ. સુભાષ પંડ્યા નિવૃત્ત વર્ગ-1 એમ.એસ. જનરલ સર્જન છે અને હર્ષની 6 મહિના પહેલાં જ સગાઈ થઈ હતી.
રવિવારે 9 ઑગસ્ટે સવારે હર્ષ ઇમરજન્સી ફરજ પર હાજર ન થતાં અને તેનો ફોન સ્વિચઑફ આવતાં સિનિયરના કહેવાથી સાથી તબીબ પીજી હોસ્ટેલના બિલ્ડિંગ-Bના રૂમ નંબર 1005 પર પહોંચ્યા હતા. દરવાજો અંદરથી બંધ હોવાથી સિક્યુરિટી સ્ટાફની મદદથી દરવાજો તોડવામાં આવ્યો ત્યારે હર્ષ પંખા સાથે દોરી બાંધી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાના સમાચાર મળતાં જ હોસ્પિટલ તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
બનાવની જાણ થતાં જ મૃતકના પિતા અને સ્વજનો મોડાસાથી સુરત દોડી આવ્યા હતા. પિતાએ સ્પષ્ટ કર્યું હતું કે હર્ષને અભ્યાસમાં કોઈ તકલીફ નહોતી, પરંતુ ડિપાર્ટમેન્ટમાં સિનિયરો દ્વારા અસહ્ય કામગીરી અને તણાવ આપવામાં આવતો હતો. શરૂઆતમાં પરિવારે પોસ્ટમોર્ટમની મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં સિનિયરોના ટોર્ચરિંગની સત્યતા સામે આવતાં પુનઃ પેનલ અને ફોરેન્સિક પીએમ (FSL) કરાવવાની લેખિત માગ કરી હતી.
સરકારનો તાત્કાલિક તપાસનો આદેશ
આ મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કરીને 24 કલાકમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યા હતા. ગાંધીનગરના મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના નિયામક ડૉ. જયેશ સચદેવના સીધા સુપરવિઝનમાં સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામાની સંયુક્ત અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી.
તપાસ કમિટીએ 10 ઑગસ્ટને રવિવારે રાત્રે 8:30 વાગ્યાથી 11 ઑગસ્ટ, સોમવારે વહેલી સવારે 4:00 વાગ્યા સુધી સતત કાર્યવાહી કરી હતી. જેમાં પ્રથમ વર્ષના 9 જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરો, સિનિયરો, ફેકલ્ટી, લેબ ટેકનિશિયન અને સફાઈ કર્મચારીઓ સહિત 80થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
4 મહિનાથી થઈ રહેલ રેગિંગ અને માનસિક ત્રાસનો ખુલાસો
કમિટી સમક્ષ પ્રથમ વર્ષના જુનિયર ડૉક્ટરો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા અને ચોંકાવનારી આપવીતી સંભળાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 4 મહિનાથી રોજેરોજ સિનિયરોના રેગિંગ અને શારીરિક-માનસિક અત્યાચારનો શિકાર બની રહ્યા હતા. જો પીજી સીટ માટે લાખો રૂપિયાનો બોન્ડ ન આપ્યો હોત તો તેમણે પહેલા જ મહિને આ ડિપાર્ટમેન્ટ છોડી દીધું હોત.
તપાસ રિપોર્ટ મુજબ આરોપી સિનિયર ડૉક્ટરો જુનિયરોને કલાકો સુધી હોસ્ટેલના રૂમમાં બેસાડી રાખી ગોંધી રાખતા અને અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપતા હતા. “તમે કામચોર છો, અમે તમારા બોસ છીએ અને તમે અમારા નોકર અને સ્લેવ છો”, “સવારે 5:30 વાગ્યે મેસેજ કરીએ એટલે તરત જ કામે લાગી જવાનું” કહીને કલાકો સુધી અપશબ્દો બોલીને અપમાનિત કરવામાં આવતા હતા.
ફેકલ્ટીને ફરિયાદ કર્યા છતાં ન લેવાયાં કોઈ પગલાં
સૌથી ગંભીર આક્ષેપ એ પણ સામે આવ્યો છે કે એક દિવસ પહેલાં જ અન્ય વિદ્યાર્થીઓએ સિનિયરોના ત્રાસ અંગે મહિલા ફેકલ્ટીને રજૂઆત કરી હતી. પરંતુ તે ફેકલ્ટીએ કોઈ કાર્યવાહી કરવાના બદલે અત્યંત બિનસંવેદનશીલ જવાબ આપતાં કહ્યું હતું કે, “નઈ નવેલી દુલ્હન કો ઈગો નહીં રખના ચાહિયે”. ફેકલ્ટીના આ બેદરકારીભર્યા વલણે હર્ષને આપઘાત કરવા તરફ ધકેલી દીધો હોવાનો રોષ વ્યાપ્યો છે.
મૃતક હર્ષના સંબંધી શૈલેષ પાઠકે તંત્રની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે માત્ર 6 મહિનાનું સસ્પેન્શન પૂરતું નથી. સિવિલમાં અગાઉ પણ અંકિત નામના એકના એક દીકરાનું પણ 17-17 કલાક સતત કામ કરાવવાના કારણે મોત થયું હતું. તેમણે આરોપ લગાવ્યો કે પ્રશાસનની છાવરવાની નીતિના કારણે વારંવાર આવી ઘટનાઓ બને છે. જવાબદારો સામે તાત્કાલિક ગુનો નોંધીને જેલભેગા કરવા જોઈએ.
તપાસ પૂર્ણ થાય બાદ થશે FIR અને ધરપકડની કાર્યવાહી
આ કેસની તપાસ કરી રહેલા ખટોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન. વી. ભરવાડે જણાવ્યું કે હાલ પોલીસે આકસ્મિક મોતનો (AD) અહેવાલ દાખલ કર્યો છે. એન્ટી-રેગિંગ કમિટીનો સત્તાવાર રિપોર્ટ અને ફોરેન્સિક પીએમ રિપોર્ટ મળ્યા બાદ સિનિયર ડૉક્ટરો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને રેગિંગ વિરોધી કાયદા હેઠળ કાયદેસરની FIR અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે તબીબી સંસ્થાઓમાં જુનિયર ડૉક્ટરોનું અપમાન કે માનસિક ટોર્ચરિંગ સહેજ પણ ચલાવી લેવાશે નહીં. રેગિંગ કરનારા ડૉક્ટરોના એકેડેમિક સર્ટિફિકેટ્સમાં પણ આ અંગે લાલ અક્ષરે નોંધ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ આવી નીંદનીય હરકત ન કરે.
હાલ ચાર સિનિયર ડૉક્ટરોના સસ્પેન્શન, પ્રોફેસરોને નોટિસ અને સત્તાવાર રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયા બાદ સુરત નવી સિવિલ કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો છે. મૃતક હર્ષના પરિવારજનો અને તબીબી વિદ્યાર્થીઓ હવે આ કેસમાં કડકમાં કડક ન્યાયિક કાર્યવાહી થાય અને સિવિલમાં ચાલતી રેગિંગનો અંત આવે તેવી આશા રાખી રહ્યા છે.

