
શીખ ગુરુઓની તસવીરો પર આલ્કોહોલ છાંટવાના વાયરલ વિડીયો મામલે અકાલ તખ્ત દ્વારા ‘ગુરુ દોખી’ અને ‘ખાલસા પંથ વિરોધી’ ઘોષિત થયા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સ્પષ્ટતા કરવાના પ્રયાસ કર્યા છે. માનનું કહેવું છે કે તેમની વિરુદ્ધ પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ વિડીયોમાં જે શખ્સ દેખાય છે એ પોતે નથી.
ભગવંત માને કહ્યું કે વાયરલ વિડીયોમાં જે શખ્સ દેખાય છે તેનો મારી સાથે ચહેરો પણ મળતો આવતો નથી ન કદ-કાઠી મારા જેવી છે. શારીરિક બનાવટ સંપૂર્ણપણે અલગ છે. આ મારી વિરુદ્ધ પ્રોપગેન્ડા છે.
સાથે તેમણે કહ્યું કે તેઓ પંજાબમાં વિકાસ માટે અમુક નિર્ણયો લઈ રહ્યા છે તે તેમના વિરોધીઓને પસંદ નથી એટલે બદનામ કરવા માટે આવાં કાવતરાં કરવામાં આવી રહ્યાં છે અને તે માટે ધર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ਅਹਿਮ ਮੁੱਦੇ 'ਤੇ, ਚੰਡੀਗੜ੍ਹ ਤੋਂ LIVE ——- अहम मुद्दे पे, चंडीगढ़ से LIVE https://t.co/8UFvmKLMdg
— Bhagwant Mann (@BhagwantMann) June 16, 2026
માને કહ્યું કે તેઓ અકાલ તખ્તનું સર્વોચ્ચ સન્માન કરે છે અને તેનું અપમાન કરવાનું તેઓ કે તેમની આવનારી પેઢીઓ ક્યારેય વિચારી શકે નહીં પરંતુ અકાલ તખ્ત પર અમુક જે રાજકીય નિયુક્તિઓ થઈ છે અને તેઓ આ પ્રકારના નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ધાર્મિક સંસ્થાઓનો રાજકારણ માટે ઉપયોગ ન થવો જોઈએ.
શું છે મામલો
મામલો 2025ના એક વાયરલ વિડીયોનો છે. વાયરલ વિડીયોમાં એક ભગવંત માન જેવો દેખાતો શખ્સ જોવા મળે છે અને તે શીખ ગુરુઓની તસવીરો પણ આલ્કોહોલ છાંટતો દેખાય છે. આ મામલે અકાલ તખ્ત, જે શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા છે, દ્વારા ભગવંત માનને તેડું મોકલવામાં આવ્યું હતું. ત્યારે માને હાજર રહીને જણાવ્યું હતું કે આ વિડીયો ખોટો છે.
ત્યારબાદ અકાલ તખ્તે બે લૅબોરેટરીનો સંપર્ક કરીને વિડીયોની ફોરેન્સિક તપાસ કરાવી હતી. જેનો રિપોર્ટ તાજેતરમાં જ આવ્યો. ત્યારબાદ અકાલ તખ્તના પાંચ સિંઘ સાહેબોની એક બેઠક મળી અને તેમાં ભગવંત માનને ગુરુ દોખી (દોષી) અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કરવામાં આવ્યા.
અકાલ તખ્તનું કહેવું છે કે ફોરેન્સિક તપાસમાં વિડીયો સાચો હોવાનું જાણવા મળ્યું છે અને કોઈ રીતે એ એઆઈ નથી કે ન તેમાં ચેડાં કરવામાં આવ્યાં છે. ત્યારબાદ આમ આદમી પાર્ટી કહી રહી છે કે વિડીયો ભલે સાચો હોય પણ જે માણસ દેખાય છે એ ભગવંત માન નથી.
આ ઘટનાક્રમો બાદ એક તરફ ભગવંત માનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ માનની વાતો પરથી લાગે છે કે તેઓ પદ છોડવા માગતા નથી.

