
શીખોની સર્વોચ્ચ સંસ્થા અકાલ તખ્તે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ‘ગુરુ દોખી’ (દોષી) અને ‘ખાલસા પંથ વિરોધી’ ઘોષિત કર્યા છે. સોમવારે (15 જૂન) અકાલ તખ્ત સાહિબના પાંચ જાથેદારોની બનેલી સમિતિએ આ ઘોષણા કરી. સાથે શીખ સમુદાયને આદેશ કર્યો છે કે તેઓ કોઈ પણ રીતે માન સાથે ન જોડાય.
મામલો એક વાયરલ વિડીયો સંદર્ભનો છે. આ વિડીયોમાં કથિત રીતે ભગવંત માન જેવી દેખાતી એક વ્યક્તિ શીખ ગુરુઓની તસવીરો પર આલ્કોહોલ છાંટતી જોવા મળી રહી છે. ભગવંત માને આ વિડીયો AI જનરેટેડ ગણાવીને બચાવ કર્યો છે અને આમ આદમી પાર્ટી પણ આવું જ કહી રહી છે. પરંતુ અકાલ તખ્ત સાહિબનું કહેવું છે કે બે લેબોરેટરીમાં વિડીયોની તપાસ કરાવ્યા બાદ જાણવા મળ્યું છે કે વિડીયો સાચો જ છે અને AI જનરેટેડ કે એડિટેડ નથી કે ન તેની સાથે કોઈ ચેડાં કરવામાં આવ્યાં છે.
The Five Singh Sahibans from the faseel of Sri Akal Takht Sahib announces Punjab CM Bhagwant Mann "Guru Dokhi, Khalsa Panth Virodhi" (Against Sikh religion). A betrayer of the Gurus and an opponent of the Khalsa Panth in the objectionable video case regarding the act of… pic.twitter.com/JeiCJZtRHm
— Impreet Singh Bakshi (@impreetsbakshi) June 15, 2026
વિડીયોના રિપોર્ટ આવ્યા બાદ શ્રી અકાલ તખ્ત સાહિબના પાંચ સિંઘ સાહિબની એક બેઠક મળી હતી. આ બેઠક બાદ અકાલ તખ્ત જાથેદાર જ્ઞાની કુલદીપ સિંઘ ગર્ગજે જાહેરાત કરતાં કહ્યું કે, “બે માન્યતા પ્રાપ્ત લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા ફોરેન્સિક એનાલિસિસ અનુસાર વાયરલ વિડીયો સાચો હોવાનું અને એઆઈ જનરેટેડ ન હોવાનું જાણવા મળ્યું છે.” ત્યારબાદ સીએમ માનને ખાલસા પંથ વિરોધી અને ગુરુ દોખી જાહેર કરવામાં આવ્યા.
જાથેદારે જણાવ્યું કે બંને લેબનાં પરિણામોમાં એ જ જણાવવામાં આવ્યું છે કે વિડીયો સાચો છે. તેમણે એમ પણ કહ્યું કે લેબ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. ઉપરાંત એમ પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પરિણામોને કોર્ટમાં પડકારવા માગતું હોય તો લેબ ત્યાં જઈને પણ પોતાનો પક્ષ રજૂ કરશે અને રિપોર્ટ સાચા છે એ સાબિત કરી આપશે.
બીજી તરફ વિડીયો સાચો હોવાનું બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભલે વિડીયો સાચો હોય પરંતુ તેનાથી એ પ્રસ્થાપિત થતું નથી કે વિડીયોમાં દેખાતી વ્યક્તિ ભગવંત માન છે, જેથી તેમને ગુનેગાર ઘોષિત ન કરી શકાય. પાર્ટીએ આમાં રાજકારણ થતું હોવાનો આરોપ લગાવ્યો છે.
શું છે મામલો?
વિવાદ જાન્યુઆરી મહિનાનો છે, જ્યારે અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને તેમનાં ગુરુઓ વિશેનાં અમુક નિવેદનો મામલે તેડું મોકલ્યું હતું, ત્યારબાદ માન હાજર પણ રહ્યા હતા. અહીં તમને આ વાયરલ વિડીયો વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તે સમયે પણ અકાલ તખ્તે ભગવંત માનને કડક સૂચના આપીને કહ્યું હતું કે તેમનાં નિવેદનો ‘શીખવિરોધી માનસિકતા’ દર્શાવે છે અને તેનાથી શીખોની લાગણી દુભાઈ છે.
આ વિડીયો મામલે પછીથી અકાલ તખ્તે પંજાબ સરકારની ફોરેન્સિક લેબોરેટરીનો સંપર્ક કર્યો હતો અને તપાસની માંગ કરી હતી પરંતુ ત્યાંથી કોઈ જવાબ ન આવ્યો અને કારણ એ આપવામાં આવ્યું કે આ લેબમાં સરકાર કે કોર્ટના આદેશ વગર પરીક્ષણ ન કરી શકાય. 27 જાન્યુઆરીએ આ પત્ર મળ્યા બાદ અકાલ તખ્તે બે ખાનગી લેબોરેટરીને તપાસ સોંપી, જે બંનેનો રિપોર્ટ 15 જૂનના રોજ રજૂ કરવામાં આવ્યો.
ત્યારબાદ જાથેદારોની બેઠક મળી અને તેમાં માનને ખાલસા પંથ વિરોધી ઘોષિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
કોંગ્રેસે આ મામલે ભગવંત માનના રાજીનામાની માંગ કરી છે અને કહ્યું છે કે મુખ્યમંત્રીએ નૈતિકતાના ધોરણે પદ છોડી દેવું જોઈએ કારણ કે અકાલ તખ્ત શીખોની સર્વોચ્ચ સંસ્થા છે અને તેના દ્વારા પંથવિરોધી ઘોષિત થવું એ ગંભીર મામલો છે.

