
ઈ-કોમર્સ ક્ષેત્રની મોટી કંપનીઓમાંથી એક ‘એમેઝોન’ વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા ઓથોરિટીએ કાર્યવાહી હાથ ધરી છે. અયોધ્યા રામ મંદિરના નામે ઓનલાઈન પ્લેટફોર્મ પર સામાન્ય મીઠાઈઓ વેચવા બદલ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ (CCPA) એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે.
આ સમગ્ર વિવાદ એમેઝોન પર ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ના (Shri Ram Mandir Ayodhya Prasad) ખોટા લેબલ હેઠળ વેચાતી મીઠાઈઓના કારણે ઊભો થયો હતો. કોઈપણ પ્રકારની સત્તાવાર મંજૂરી વગર જ વેપારીઓ આ મીઠાઈઓને ઓનલાઈન મૂકીને શ્રદ્ધાળુઓની લાગણી સાથે રમત કરતા હોવાની ફરિયાદ થયા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
આ અંગે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) જાન્યુઆરી 2024માં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર એમેઝોન પર ‘ચંદુ ટ્રેડિંગ કંપની’ અને ‘બિહાર બ્રધર્સ’ નામની બ્રાન્ડ હેઠળ દેશભરના ગ્રાહકોને ‘રામ મંદિરનો પ્રસાદ’ કહીને દેશી ઘીના લાડુ, ખોયાના લાડુ, બુંદીના લાડુ અને ગાયના દૂધના પેંડા વેચવામાં આવી રહ્યા હતા.
આ ફરિયાદ બાદ CCPAએ તપાસ હાથ હતી. ઓથોરિટીના ચીફ કમિશનર નિધિ ખરે અને કમિશનર અનુપમ મિશ્રાની ખંડપીઠે આ મામલે આકરો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની ગેરમાર્ગે દોરતી જાહેરાતો ગ્રાહક સુરક્ષા કાયદાનું સીધું ઉલ્લંઘન છે.
હિંદુ શ્રદ્ધાળુઓની લાગણીઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ
ઓથોરિટીએ પોતાના આદેશમાં નોંધ્યું કે ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ શબ્દ સાથે કરોડો હિંદુ શ્રદ્ધાળુઓની આસ્થા અને ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે. સામાન્ય ગ્રાહક કે ભક્ત બાય-ડિફોલ્ટ એવું જ માને કે આ મીઠાઈ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવેલો પવિત્ર ભોગ કે પ્રસાદ જ હશે.
ઓથોરિટી અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કોઈપણ જાતની પરવાનગી કે માન્યતા વગર સામાન્ય મીઠાઈઓને રામ મંદિરના પવિત્ર પ્રસાદ તરીકે વેચવી એ માત્ર ગેરવાજબી વેપાર નીતિ જ નથી, પરંતુ કરોડો શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓનું સરેઆમ અપમાન છે.
CCPAએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ પ્રોડક્ટ્સ 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાયેલા અયોધ્યા રામ મંદિરના ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં જ પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી. જ્યારે આખો દેશ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના કારણે રામમય બની ચૂક્યો હતો ત્યારે ગ્રાહકોની ભાવનાઓનો વેપારી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ થયો હતો.
એમેઝોનનો ‘અજાણ’ હોવાનો દાવો ફગાવાયો
ઓથોરિટીએ નોંધ્યું કે એમેઝોન પાસે આધુનિક ઓટોમેટેડ મોનિટરિંગ સિસ્ટમ અને સેલર કમ્પ્લાયન્સ સિસ્ટમ છે. છતાં રામ મંદિર જેવા સંવેદનશીલ વિષય સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ અંગે પોતે ‘અજાણ’ હોવાનો એમેઝોનનો દાવો ગળે ઉતરે તેમ નથી. નોટિસ મળ્યા પછી એમેઝોને આ લિસ્ટિંગ હટાવ્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે એકલા ‘ચંદુ ટ્રેડિંગ કંપની’ નામના વેપારીએ જ રામ મંદિરના પ્રસાદના નામે એમેઝોન પરથી ₹25.26 લાખથી વધુનું વેચાણ કર્યું હતું. આ વેચાણમાંથી એમેઝોને પણ પ્લેટફોર્મ કમિશન અને ફી સ્વરૂપે આર્થિક કમાણી કરી હતી.
CCPAએ એમેઝોનનો એ દાવો પણ ફગાવી દીધો કે તેઓ માત્ર એક ‘ઇન્ટરમીડિયરી’ (મધ્યસ્થી પ્લેટફોર્મ) છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું કે એમેઝોન જેવા વિશાળ નેટવર્ક અને બજારમાં પ્રભુત્વ ધરાવતા પ્લેટફોર્મ પર કોઈ વસ્તુ લિસ્ટ થાય ત્યારે ગ્રાહક તેને સાચી માની લે છે, તેથી ગેરમાર્ગે દોરતી જાહેરાતોમાં એમેઝોનની જવાબદારી પણ નક્કી થાય છે.
ભવિષ્ય માટે કંપનીને કડક નિર્દેશો
દંડ ફટકારવાની સાથે CCPA એ એમેઝોનને ભવિષ્ય માટે આકરા નિર્દેશો પણ આપ્યા છે:
- અયોધ્યા રામ મંદિર, તિરુપતિ બાલાજી, વૈષ્ણોદેવી, કાશી વિશ્વનાથ, જગન્નાથ પુરી, કેદારનાથ, બદ્રીનાથ, સોમનાથ, દ્વારકાધીશ અને મહાકાલેશ્વર જેવાં દેશનાં 10 મુખ્ય ધાર્મિક સ્થળોના નામે કોઈપણ પ્રસાદ કે ભોગ વેચતા પહેલાં સંબંધિત ટ્રસ્ટનું અધિકૃત પ્રમાણપત્ર લેવું ફરજિયાત રહેશે.
- પ્લેટફોર્મ પર સાચું વેચાણ કરનાર વેપારીનું નામ, સરનામું અને ગ્રીવન્સ ઓફિસરની વિગતો સ્પષ્ટપણે દર્શાવવી પડશે.
CCPAના આદેશ મુજબ એમેઝોને ₹1 લાખનો આ દંડ 15 દિવસની અંદર જમા કરાવવો પડશે. ઓથોરિટીએ જણાવ્યું છે કે આગામી 3થી 4 મહિનામાં એમેઝોન આ નવા કડક નિયમોનું પાલન યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ફરીથી સમીક્ષા કરવામાં આવશે.

