‘CJPની સંસદ કૂચ ગેરકાયદેસર હતી, બળપ્રયોગ ત્યારે જ કરવો પડ્યો જ્યારે ભીડ બેકાબૂ બનીને હિંસા પર ઉતરી આવી હતી’: દિલ્હી પોલીસ

20 જુલાઈના કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમ્યાન થયેલી હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસ વચ્ચે દિલ્હી પોલીસે એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું છે કે એકસાથે 30,000 પ્રદર્શનકારીઓએ ગેરકાયદેસર રીતે સંસદ ભવન તરફ કૂચ કરી હતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સર્જાતાં પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. જોકે પોલીસે કહ્યું છે કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ વધારાનો બળપ્રયોગ કરવામાં આવ્યો ન હતો.

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને સમગ્ર મામલે કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં કોર્ટે પોલીસને નોટિસ પાઠવી હતી. જવાબમાં પોલીસે સોગંદનામું દાખલ કર્યું છે.

પોલીસે જણાવ્યું કે સંસદ ભવન તરફ કૂચ કરવા માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી અને ટોળું ગેરકાયદેસર રીતે એકઠું થયું હતું. સંસદ ભવનની આસપાસ પ્રતિબંધક આદેશો લાગુ રહે છે અને એટલે ભવન તરફ કૂચ કરવાનું કૃત્ય ગેરકાયદેસર હતું.

પોલીસે કહ્યું કે ત્યાં લગભગ 30,000 પ્રદર્શનકારીઓ હતા અને 3 કિલોમીટર વિસ્તારમાં ફેલાયા હતા, જેમને નિયંત્રણમાં લેવા માટે 5000 પોલીસકર્મીઓ હાજર હતા. પોલીસકર્મીઓ માત્ર વ્યવસ્થા સાચવી રહ્યા હતા પણ પછીથી ટોળું અનિયંત્રિત થઈ ગયું અને અફરાતફરી મચાવી જેમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ બંનેને ઈજા પહોંચી હતી. પોલીસના આંકડા અનુસાર 240 પોલીસકર્મીઓ અને 200 પ્રદર્શનકારીઓને ઈજા પહોંચી હતી.

ટોળામાં હિસ્ટ્રી શીટરો અને ગુનેગારો પણ હતા

પોલીસે કોર્ટને જણાવ્યું છે કે પ્રદર્શનના બહાને ટોળામાં ઘણા હિસ્ટ્રી શીટર અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સો પણ ઘૂસી ગયા હતા અને તેમને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ જરૂરી હતો, પરંતુ વધારે પડતું બળ વાપરવામાં આવ્યું હોવાની વાત પણ ખોટી છે. પોલીસે સંયમથી જ કામ લીધું હતું.

સાથે પોલીસે પ્રદર્શન સ્થળે મૂકવામાં આવેલી ફેસ રેકગ્નિશન સિસ્ટમનો પણ બચાવ કર્યો અને કહ્યું કે તે માત્ર ગુનેગારો અને હિસ્ટ્રી શીટરોની ઓળખ કરવા માટે લગાવવામાં આવી હતી અને તેનાથી તમામ પ્રદર્શનકારીઓનો ડેટા એકઠો થતો હોય કે તેમની અંગત માહિતી એકઠી કરવામાં આવતી હોય તેવું બિલકુલ નથી. ઉપરાંત એમ પણ નથી કે કાર્યવાહી માત્ર ફેસ રેકગ્નિશનના આધારે જ કરવામાં આવતી હોય. જે-તે માણસનું ફિલ્ડ વેરિફિકેશન પણ થતું હોય છે. સોફ્ટવેર એવા માણસોને જ પકડે છે જેમના ભૂતકાળમાં ગંભીર ગુના રહી ચૂક્યા હોય છે.

પોલીસ મુજબ ટોળામાં 2873 માણસોની ઓળખ કરવામાં આવી છે જેમની વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, રેપ, પોક્સો વગેરેનો સમાવેશ થાય છે. આ તમામની દિલ્હી પોલીસની SIT તપાસ કરશે.

અમુક અધિકારીઓ સાદાં કપડાંમાં કેમ હતા?

જ્યારે સાદાં કપડાંમાં પોલીસ અધિકારીઓ આવ્યા હોવાના આરોપો પર જવાબ આપતાં કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિને જોતાં દિલ્હી પોલીસે સ્પેશિયલ બ્રાન્ચ, સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ વગેરે એજન્સીઓની પણ મદદ લીધી હતી અને તેમના યુનિફોર્મ હોતા નથી. આવી દરેક ઘટનાઓ અને પરિસ્થિતિઓમાં આ એજન્સીના માણસો ટોળાની વચ્ચે ભળી જતા હોય છે એ સુરક્ષા વ્યવસ્થા છે અને આવી દરેક પરિસ્થિતિમાં આ રણનીતિ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલું જ નહીં સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ જેવા કાર્યક્રમોમાં પણ આવા કર્મચારીઓ ટોળામાં સાદાં કપડાંમાં હોય છે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે બળપ્રયોગ ત્યારે જ કરવો પડ્યો હતો જ્યારે પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને હિંસા પર ઉતરી આવ્યા હતા. સાથે પોલીસે એ વિડીયો પણ રજૂ કર્યા છે જેમાં પ્રદર્શનકારીઓના ટોળાએ પોલીસકર્મીઓનું લિન્ચિંગ કરવાના પ્રયાસ કર્યા હતા અને તેમને માર માર્યો હતો.