RAF જવાનનું લિન્ચિંગ કરવાનો કોકરોચોનો પ્રયાસ, રાત્રે નવી દિલ્હીમાં ફરી મચાવ્યો ઉપદ્રવ: FIR દાખલ

રાજધાની નવી દિલ્હીમાં મંગળવારે (21 જુલાઈ) ફરી એક વખત કોકરોચ જનતા પાર્ટીના ઉપદ્રવીઓએ ઉત્પાત મચાવ્યો હતો. આ દરમ્યાન એક RAF (રેપિડ એક્શન ફોર્સ) જવાનનું લિન્ચિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓના વેશમાં એકઠા થયેલા દંગાઈઓએ જવાનને ઘેરીને મારવાનો પ્રયાસ કર્યો હતો, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

વિડીયોમાં નવી દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં અફરાતફરી મચી ગયેલી જોવા મળે છે. રસ્તા પર ઉતરી આવેલા ઉપદ્રવીઓ આમતેમ ભાગી રહ્યા હતા અને પોલીસ અને સુરક્ષાબળો સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. દરમ્યાન ટોળાએ એક RAF જવાનને ઘેરી લીધા હતા અને માર મારવાનો શરૂ કરી દીધો હતો.

ત્યારબાદ તરત અન્ય RAF જવાનો ત્યાં પહોંચી ગયા અને બળપ્રયોગ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જો સમયસર સુરક્ષાદળના અન્ય જવાનો ન પહોંચ્યા હોત તો RAF જવાન સાથે અનિચ્છનીય બનાવ બની ગયો હોત એવો માહોલ સર્જાયો હતો.

દિલ્હી પોલીસે FIR દાખલ કરી, અત્યાર સુધીમાં 9 FIR

દિલ્હી પોલીસે આ હુમલા મામલે એક FIR દાખલ કરી છે. જેમાં જવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરીને લિન્ચિંગનો પ્રયાસ કરનારાઓની ઓળખ કરીને તેમની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે.

CJPના હિંસક પ્રદર્શન દરમ્યાન હિંસા, તોડફોડ, પથ્થરમારો, સુરક્ષાબળો પર હુમલા વગેરે કેસોમાં અત્યાર સુધીમાં આઠથી નવ જેટલી FIR નોંધાઈ છે. એક FIR હાઈસિક્યુરિટી ઝોનમાં ડ્રોન ઉડાવવા મામલે નોંધવામાં આવી છે. અન્ય એકમાં સમગ્ર પ્રદર્શન એક ગુનાહિત ષડ્યંત્ર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ આ એન્ગલની પણ તપાસ કરી રહી છે.

તમામ FIR કનોટ પ્લેસ પોલીસ મથક અને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ મથકોએ નોંધાઈ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટ અને પ્રિવેન્શન ઑફ ધ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી એક્ટની સુસંગત કલમો લગાડવામાં આવી છે.

અન્ય બે FIR સરકારના કામમાં બાધારૂપ બનવા અને પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાના અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગુનામાં નોંધાઈ છે. આ તમામ FIR મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

હાલ દિલ્હી હાઈએલર્ટ પર છે. પોલીસ સતત અપીલ કરી રહી છે કે કાયદો-વ્યવસ્થા હાથમાં લેવામાં ન આવે અને શાંતિ જાળવવા માટે સહયોગ કરવામાં આવે. પરંતુ વિદ્યાર્થીઓના આંદોલનની આડમાં સતત ઉપદ્રવ મચાવવાનો, રાજધાનીને બાનમાં લેવાનો, અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.